TMCનાં નામ-નિશાન ફ્રીઝ, બેમાંથી કોઈ પણ જૂથ ઉપયોગ ન કરી શકે: પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો આદેશ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણી યોજાય તે પહેલાં ચૂંટણી પંચે પક્ષના બંને જૂથો પર પાર્ટીનાં નામ અને નિશાનનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે પાર્ટીનું નામ ‘ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને નિશાન બંને ફ્રીઝ કરી દીધાં છે અને બે જૂથોને અલગ નામો અને ચિહ્ન પસંદ કરવા માટે જણાવ્યું છે.

બંગાળ ચૂંટણીમાં ટીએમસીના પરાજય બાદ પાર્ટીમાં બે જૂથ પડી ગયાં હતાં. પાર્ટી વતી મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ શોભનદેબ ચટ્ટોપાધ્યાયને વિપક્ષ નેતા બનાવ્યા બાદ અમુક ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને ત્યારબાદ 80માંથી 60 ધારાસભ્યોના સમર્થનથી ઋતબ્રત બેનર્જી વિપક્ષ નેતા બન્યા હતા. ત્યારબાદ આ ધારાસભ્યોએ પોતાના અલગ જૂથની ઘોષણા કરી, જેની અધ્યક્ષતા અરુપ રોય કરી રહ્યા છે. બીજું જૂથ મમતા બેનર્જીનું છે. જોકે એક અલગ જૂથ સાંસદોનું પણ છે, જેમણે NDAને સમર્થન આપ્યું છે.

હવે બંગાળની બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે, જેમાં એક હાઈપ્રોફાઈલ બેઠક નંદીગ્રામ પણ સામેલ છે. અહીં ચૂંટણી થાય એ પહેલાં ચૂંટણી પંચે ટીએમસીનાં નામ-નિશાન ફ્રીઝ કરી દીધાં હતાં.

ચૂંટણી પંચે જણાવ્યું કે બેમાંથી કોઈ પણ જૂથને ટીએમસીનું નામ કે નિશાન વાપરવા દેવામાં નહીં આવે. ચૂંટણી માટે બંને જૂથે પોતપોતાનાં નામ પસંદ કરવાનાં રહેશે. જોકે એટલી છૂટછાટ આપવામાં આવી છે કે તેઓ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસને નામમાં સામેલ કરી શકે છે. ઉદારહણ તરીકે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ– મમતા બેનર્જી એવું નામ રાખી શકાય.

બંને જૂથને અલગ નિશાન પણ આપવામાં આવશે, જેના માટે ચૂંટણી પંચ દ્વારા ફ્રી સિમ્બલ માટેની યાદી પૂરી પાડવામાં આવશે, પરંતુ જૂથો ટીએમસીનું સત્તાવાર ચૂંટણી ચિહ્ન ઉપયોગમાં લઈ શકશે નહીં.

બંગાળની બે બેઠકો નંદિગ્રામ અને રેજીનગર પર ઑક્ટોબરમાં પેટાચૂંટણી યોજાશે. બેઠકો ખાલી થવાનું કારણ એ છે કે ટીએમસીમાંથી છૂટા પડીને નવી પાર્ટી બનાવનાર હુમાયુ કબીરે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી, બંને પરથી જીત મેળવ્યા બાદ રેજીનગર બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આ જ રીતે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ નંદિગ્રામ અને ભવાનીપુરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર જીત મળી હતી. ત્યારબાદ તેમણે નંદિગ્રામ બેઠક ખાલી કરી. આ બેઠક પરથી ભાજપે હાસિરાની રથને ટિકિટ આપી છે, જેઓ શુભેન્દુ અધિકારીના પૂર્વ સાથી ચંદ્ર રથનાં માતા છે. ચંદ્રનાથ રથની મે 2026માં બંગાળ ચૂંટણીનાં પરિણામો બાદ હત્યા કરી નાખવામાં આવી હતી.