ગણેશોત્સવ પહેલાં MSUના પ્રોફેસરને દેખાયું સેક્યુલરિઝમ, વાઈસ ચાન્સેલરને પત્ર લખીને કહ્યું– ધાર્મિક પ્રવૃત્તિઓ પર રોક લગાવો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા

ગણેશોત્સવ અગાઉ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એક પ્રોફેસરે વાઈસ ચાન્સેલરને ખુલ્લો પત્ર લખીને કૅમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ-પૂજા-વિધિઓ-કથા બંધ કરાવવા માટે અપીલ કરી છે. પત્રમાં ‘સેક્યુલરિઝમ’ની વાતો કરીને કહ્યું કે પબ્લિક યુનિવર્સિટીના કૅમ્પસમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓને સ્થાન ન હોવું જોઈએ.

પત્ર MSUના ડિપાર્ટમેન્ટ ઑફ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના વડા પ્રોફેસર જાગૃત ગડિતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી. એમ ભાનગેને મોકલ્યો હતો. આ પત્ર પછીથી તેમણે સોશિયલ મીડિયા ગ્રૂપોમાં પણ શૅર કર્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેમણે પત્ર લખ્યો હોવાની પુષ્ટિ કરી છે.

પત્રમાં ગડિતે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા અન્ડરગ્રેજ્યુએટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનો સંદર્ભ આપ્યો અને કહ્યું કે ઓડિટોરિયમમાં કાર્યક્રમની શરૂઆત પહેલાં મા સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સંસ્કૃત શ્લોકો ઉચ્ચારવામાં આવ્યા હતા. પ્રોફેસરે કહ્યું કે તેમને પણ દીપ પ્રાગટ્ય માટે બોલાવવામાં આવ્યા પરંતુ પોતે ગયા ન હતા.

પ્રોફેસર કહે છે કે, “દેવતા સમક્ષ દીપ પ્રાગટ્ય કરવું, નમસ્કાર કરવા, સંસ્કૃત શ્લોકોનું પઠન કરવું, કપૂર સળગાવવું વગેરે ધાર્મિક વિધિ કહેવાય અને પબ્લિક યુનિવર્સિટીમાં આ ન થઈ શકે. આ બંધારણના મૂળ ભાવની વિરુદ્ધ છે.”

અધ્યાપકને કૅમ્પસમાં થયેલી સત્યનારાયણની કથા સામે પણ વાંધો પડ્યો અને કહ્યું કે યુનિવર્સિટીમાં કથા થઈ હોવાના કારણે તેમણે શિરાનો પ્રસાદ ગ્રહણ કર્યો ન હતો.

પત્રમાં સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને પ્રોફેસર ગડિત કહે છે કે ‘સેક્યુલરિઝમ’ એ બંધારણના મૂળ માળખામાં સમાવેશિત છે અને કરદાતાઓના પૈસે ચાલતી યુનિવર્સિટીમાં આ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો એ સીધી સેક્યુલરિઝમની વિરુદ્ધ ગણાય છે અને વાંધાજનક છે.

પ્રોફેસરનું કહેવું છે કે કેમ્પસમાં સતત ધાર્મિક પ્રવૃત્તિઓ વધી રહી છે. પત્રમાં લખ્યું, “પહેલાં લેબ વગેરે નવી સુવિધાઓનું ઉદ્ઘાટન રિબિન કાપીને કરવામાં આવતું હતું, હવે દરેક ઠેકાણે પૂજાવિધિ થાય છે અને બ્રાહ્મણોને બોલાવીને શ્લોકોનું પઠન કરવામાં આવે છે. ઉપરાંત યુનિવર્સિટી કાર્યાલયો વગેરે સ્થળે દેવતાઓની તસવીર સામે પણ પ્રોફેસરે વાંધો ઉઠાવ્યો.

તેમણે તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરીએ કહ્યું કે વિભાગના અમુક વિદ્યાર્થીઓએ હોસ્ટેલ પર આયોજિત ગણેશ ઉત્સવ માટે તેમનો સંપર્ક કર્યો હતો અને ડોનેશન માગ્યું હતું. પરંતુ તેમણે આ જ બધાં કારણોસર ના પાડી દીધી હતી.

ગડિતે વાઇસ ચાન્સેલરને પત્ર લખીને કૅમ્પસમાં પૂજા, આરતી, કથા કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કે મંદિરો-દેવતાઓની તસવીરો પર પ્રતિબંધ મૂકવા માટે એક નીતિ નિર્ધારિત કરવા માટે કહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે બરોડાની યુનિવર્સિટી ભૂતકાળમાં પણ અમુક વિવાદોમાં આવી ચૂકી છે. 2022માં અહીં ફાઇન આર્ટ્સ વિભાગમાં યોજાયેલા એક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ હિંદુ દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્રો દોર્યાં હતાં, ત્યારબાદ એબીવીપીએ વિરોધ કરતાં મામલો સામે આવ્યો હતો.

એમ.એસ યુનિવર્સિટીના કૅમ્પસમાં જ ભૂતકાળમાં એવા પણ કિસ્સાઓ બન્યા છે જ્યાં કૅમ્પસમાં નમાજ પઢવામાં આવી હોય, પરંતુ પ્રોફેસરે પત્રમાં નમાજનો કોઈ ઉલ્લેખ કર્યાનું ધ્યાનમાં આવ્યું નથી.