ગુજરાત સરકારના અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરને હાઇકોર્ટની લીલી ઝંડી, જમીન પુનર્ગ્રહણ સામેની અરજીઓ ફગાવી

ગુજરાત હાઇકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરના નિર્માણ માટે જમીન રિઝમ્પશનના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી યાત્રાધામ વિકાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને પડકારતી તમામ અરજીઓને હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય સાથે જ અંબાજી મંદિરથી ગબ્બર મંદિર વચ્ચે બનનારા સમર્પિત કોરિડોર માટેનો મુખ્ય કાયદાકીય અવરોધ હવે દૂર થઈ ગયો છે.

આ સમગ્ર મામલે અંબાજી કેળવણી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. મંડળે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે વિવાદિત જમીનનો ઉપયોગ તેમની કન્યા શાળા અને બાળકોના રમતના મેદાન તરીકે થઈ રહ્યો છે. તેથી બનાસકાંઠા કલેકટરે જમીનનો કબજો લેવા માટે જે આદેશ આપ્યો છે તે રદ કરીને કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ.

કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ જી. એચ. વિર્કે કોર્ટને જણાવ્યું હતું કે વિવાદિત જમીન મૂળભૂત રીતે સરકારી માલિકીની જ છે અને રાજ્ય સરકારે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેનો કબજો પહેલેથી જ મેળવી લીધો છે. તેથી મંડળનો જમીન પરનો દાવો ટકી શકે તેમ નથી.

સરકારી વકીલે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અંબાજી માતા મંદિરથી ગબ્બર મંદિર સુધીનો શક્તિ કોરિડોર એ વ્યાપક જાહેર હિત અને લાખો શ્રદ્ધાળુઓની સુવિધા સાથે જોડાયેલો અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. મોટા જનહિત ધરાવતા અને વિસ્તારના વિકાસ માટે જરૂરી એવા આ પ્રોજેક્ટને માત્ર અરજદારની અંગત દલીલોના આધારે અટકાવવો યોગ્ય નથી.

હાઇકોર્ટના જસ્ટિસ નિરલ મહેતાએ બંને પક્ષોની દલીલો અને કેસના તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કન્યા શાળા અને રમતના મેદાન તરીકે જમીનનો ઉપયોગ થતો હોવાની અરજદારની દલીલ હોવા છતાં કોર્ટે મોટા જાહેર હિતને પ્રાધાન્ય આપીને અંબાજી કેળવણી મંડળની અરજીઓ ફગાવી દીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતો આ શક્તિ કોરિડોર અંબાજીના સમગ્ર વિકાસ વિસ્તારનો એક મુખ્ય ભાગ છે. આ કોરિડોર અંબાજી મંદિર સંકુલ અને ગબ્બરને સીધું જોડશે, જેનાથી અહીં આવતા યાત્રાળુઓ માટે સુગમતા વધશે. હાઇકોર્ટના આ નિર્ણયથી હવે શક્તિ કોરિડોરના નિર્માણકાર્યને ઝડપથી આગળ ધપાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે.