6 દાયકાથી લોધી એસ્ટેટમાં અડિંગો જમાવનાર ફોર્ડ ફાઉન્ડેશનનું મકાન ખાલી, મોદી સરકારે લીધો કબજો: તિસ્તા સેતલવાડથી રવીશ કુમાર સુધી ફંડિંગની કડીઓ

વિવાદિત ફંડિંગ વિવાદોમાં ઘેરાયેલા અમેરિકી સંગઠન ફોર્ડ ફાઉન્ડેશન (Ford Foundation) સામે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરી છે. નવી દિલ્હીના પોશ અને લુટિયન્સ ઝોન ગણાતા 55, લોધી એસ્ટેટ સ્થિત ફોર્ડ ફાઉન્ડેશનના કાર્યાલયને સરકારે ખાલી કરાવી દીધું છે. 1960ના દાયકાથી આ સરકારી મિલકત પર કબજો જમાવીને બેઠેલા આ વિદેશી ફાઉન્ડેશનની પ્રોપર્ટી લીઝ પૂરી થઈ જતાં જ કેન્દ્ર સરકારે કાનૂની પ્રક્રિયા હાથ ધરી આ જગ્યા પાછી મેળવી લીધી છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2025માં જ આ પ્રોપર્ટી ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ફોર્ડ ફાઉન્ડેશને ફેબ્રુઆરી મહિનામાં જ આ ઐતિહાસિક બિલ્ડિંગ ખાલી કરી દીધું હતું અને માર્ચ મહિનામાં તેમણે પોતાની વેબસાઈટ પર સરનામું બદલીને સંસદ માર્ગ સ્થિત DLF સેન્ટર દર્શાવ્યું હતું. અહેવાલ અનુસાર સંસ્થાએ પોતે જ જગ્યા ખાલી કરી દીધી હોવાથી કોઈ બળપ્રયોગ કરવાની જરૂર પડી નહોતી.

જે જગ્યા પરથી દાયકાઓ સુધી વિદેશી ફાઉન્ડેશન પોતાની પ્રવૃત્તિઓ ચલાવતું હતું, તે જ જગ્યાનો ઉપયોગ હવે ભારત પોતાની વૈશ્વિક છબી અને રાષ્ટ્રહિતને મજબૂત કરવા માટે કરશે. મંત્રાલયના ‘ડાયરેક્ટોરેટ ઑફ સ્ટેટ્સ’ દ્વારા આ બિલ્ડિંગનો ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર ભારતના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી બે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) અને ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સને (Global Biofuels Alliance) ફાળવી દેવામાં આવ્યો છે.

પીએમ મોદીના બે મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને નવું સરનામું મળ્યું

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં વાઘ, સિંહ અને ચિત્તા જેવા પૃથ્વી પરના સાત મોટા હિંસક પ્રાણીઓના સંરક્ષણ માટે IBCAની સ્થાપના કરી હતી, જે અત્યાર સુધી દિલ્હીના શાંતિ નિકેતન સ્થિત એક કામચલાઉ મકાનમાંથી ચાલતી હતી. આ જ રીતે 2023ની G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ વિશ્વના નેતાઓની હાજરીમાં GBA લૉન્ચ કર્યું હતું જે બાયોઊર્જા માટે કામ કરે છે. હવે આ બંને વૈશ્વિક સંસ્થાઓનું મુખ્યાલય લોધી એસ્ટેટના આ આઈકોનિક બિલ્ડિંગમાંથી કામ કરશે.

દિલ્હીનું આ કેમ્પસ સ્થાપત્ય અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ બિલ્ડિંગની ડિઝાઈન પ્રખ્યાત અમેરિકન આર્કિટેક્ટ જોસેફ સ્ટેઈને તૈયાર કરી હતી. આ વિશાળ કેમ્પસમાં ફોર્ડ ફાઉન્ડેશન ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર અને તેની સહયોગી એજન્સીઓની ઑફિસો પણ કાર્યરત રહી છે, જે આજે પણ કેમ્પસના અન્ય ભાગોમાં સ્થિત છે.

ભારતમાં દાયકાઓ સુધી હસ્તક્ષેપ

તત્કાલીન સરકારના આમંત્રણથી ફોર્ડ ફાઉન્ડેશને 1952માં નવી દિલ્હીમાં પોતાનો પગપેસારો કર્યો હતો. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પંચવર્ષીય યોજનાઓથી લઈને દેશની નીતિઓ ઘડવામાં આ ફાઉન્ડેશનની મોટી ભૂમિકા રહી હતી. વર્ષ 2015માં ગુજરાત સરકારે ખુલાસો કર્યો હતો કે કટ્ટર મોદીવિરોધી અને કહેવાતી એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડના એનજીઓને ફોર્ડ ફાઉન્ડેશન વિપુલ પ્રમાણમાં ફંડિંગ આપી રહ્યું હતું. આ અહેવાલ બાદ કેન્દ્રના ગૃહ મંત્રાલયે સંસ્થાને ‘વોચલિસ્ટ’માં મૂકી દીધી હતી, જેના કારણે સરકારી મંજૂરી વગર તે ભારતમાં ફંડિંગ આપી શકતું નહોતું. જોકે 2016માં તેને યાદીમાંથી હટાવાયું હતું.

ફોર્ડ ફાઉન્ડેશનનો વિવાદ અહીં પૂરો થતો નથી. તીસ્તા સેતલવાડની સંસ્થાને 2.9 લાખ ડૉલરની ગ્રાન્ટ આપવાથી લઈને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં પ્રવેશ પહેલાં તેમની એનજીઓને મળેલા ફંડિંગ સુધી ફોર્ડ ફાઉન્ડેશનની કડીઓ સામે આવી ચૂકી છે. વિકિલીક્સના દસ્તાવેજોમાં ખુદ ફોર્ડ ફાઉન્ડેશનના અધિકારીઓએ આ ફંડિંગને લઈને સર્જાયેલા વિવાદ અને ગૃહ મંત્રાલયની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો.

આ નેટવર્ક આગળ વધે છે તો ઓસીસીઆરપી, ‘વ્હાઇલ વી વૉચ્ડ’ જેવી રવીશ કુમારની ડોક્યુમેન્ટ્રી અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર સુધી પહોંચે છે. એડીઆરને 2016-17માં ફોર્ડ ફાઉન્ડેશન પાસેથી ₹70 લાખથી વધુ, 2017-18માં લગભગ ₹2 કરોડ અને 2018-19માં ₹60 લાખથી વધુ મળ્યા હતા. ભારતની ચૂંટણી, રાજકારણ અને જાહેર ચર્ચાને પ્રભાવિત કરતી દરેક સંસ્થાઓ સુધી આ સંસ્થાએ નાણાં પહોંચાડ્યાં છે અને એ પણ ભરપૂર.