
મંગળવારે (8 સપ્ટેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરા અને નવસારીમાં કાર્યક્રમો કરશે. વડોદરામાં સરકારી કાર્યક્રમનું આયોજન છે જ્યારે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના નવનિર્મિત કાર્યાલય ‘કમલમ્’નું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી પીએમ મુંબઈ જવા માટે રવાના થશે.
પીએમ મોદી મંગળવારે બપોરે 12 વાગ્યે વડોદરા આવશે. અહીં તેઓ લગભગ ₹35,000 કરોડનાં વિકાસકામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. અહીં તેઓ સભાને પણ સંબોધિત કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
વડોદરામાં પીએમ મોદી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર લોકાર્પિત કરશે. 326 કિલોમીટર રૂટનો આ કોરિડોર ₹20,700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જે સાણંદ, મકરપુરા, ન્યૂ ઉમરગામ-JNPT સેક્શનને આવરી લેશે. આ કોરિડોર જવાહરલાલ નેહરુ પોર્ટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ સાથે પીએમ નવી ફ્રેઈટ ટ્રેનોને લીલી ઝંડી પણ બતાવશે.
આ સિવાય ₹9700 કરોડના રેલવે પ્રોજેક્ટનું પણ પીએમ મોદી ખાતમુહૂર્ત કરશે. આ રેલ પ્રોજેક્ટ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં આકાર પામશે. લગભગ ₹1780 કરોડના ત્રણ નેશનલ હાઇવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ આ જ કાર્યક્રમમાં થશે. જેમાં નેશનલ હાઇવે 48ના કામરેજ-ચલથાણ સેક્શનનું સિક્સ લેનિંગ કામ, વડોદરા-સુરત સેક્શન પર તાપી અને નર્મદા પર મેજર બ્રિજનું કામ અને નેશનલ હાઈ-વે 53 પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો સામેલ છે. ઉપરાંત પીએમ NH 48ના વડોદરા-સુરત સેક્શન પર નવ બનેલા અમુક સિક્સ લેન ફ્લાય ઓવરનું પણ ઉદ્ઘાટન કરશે.
વડોદરા મહાનગરપાલિકા અને આસપાસના વિસ્તારના અમુક પ્રોજેક્ટનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર છે. ગુજરાત સરકારના લગભગ ₹2600 કરોડનાં કામોનો પણ શિલાન્યાસ થશે.
વડોદરામાં પીએમ મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે.
વડોદરાથી બપોરે વડા પ્રધાન નવસારી જવા માટે રવાના થશે. નવસારીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. અહીં એક સભાને પણ સંબોધિત કરશે.
નવસારીથી પીએમ મોદી સુરત અને ત્યાંથી મુંબઈ જવા રવાના થશે. મુંબઈમાં તેઓ ફ્લૉબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરશે. અહીં પણ તેઓ એક સંબોધન કરશે.

