
દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન બહાર 21 ઑગસ્ટને શુક્રવારની બપોરે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેમના સમર્થકોએ ભારે ડ્રામા અને હોબાળો સર્જ્યો હતો. 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયાનો દાવો કરનાર સાહિલ લોચાબ નામના યુવકને સાથે રાખીને રાહુલ ગાંધી અચાનક પાર્લામેન્ટ સ્ટ્રીટ ધસી આવ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે તુરંત નવેસરથી FIR નોંધવાની માંગ કરી હતી અને બાદમાં બહાર ધરણાં પર બેસી ગયા હતા.
રાહુલ ગાંધીએ પોલીસ સ્ટેશન બહાર ધરણાં શરૂ કરતા જ કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પરિસર બહાર હોબાળો મચાવ્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ, અધીર રંજન ચૌધરી અને કુમારી શેલજા જેવા કોંગ્રેસનાં અન્ય નેતાઓ પણ આ ડ્રામામાં જોડાયાં હતાં. પોલીસ સ્ટેશનમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને રોકવા માટે દિલ્હી પોલીસે તાત્કાલિક મુખ્ય દરવાજા બંધ કરવા પડ્યા હતા.
પરિસ્થિતિ વણસતી જોઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે રેપિડ એક્શન ફોર્સના (RAF) જવાનોને પણ ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરો વચ્ચે બેસીને આરોપ લગાવ્યો હતો કે પોલીસ નવેસરથી FIR નોંધતી નથી અને ‘ઉપરથી ઓર્ડર’ હોવાનું બહાનુ બતાવી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય સામે આકરા પ્રહારો કરતી પોસ્ટ કરી હતી.
#WATCH | Delhi: RAF (Rapid Action Force) personnel arrive outside the Parliament Police Station.
— ANI (@ANI) August 21, 2026
Lok Sabha LoP Rahul Gandhi continues to remain here after meeting the DCP. He is here with Sahil Lochav, who suffered pellet gun injuries during the Jantar Mantar students' protest… pic.twitter.com/ufXiTp8Qa6
પોલીસ કરેલી સ્પષ્ટતા
બીજી તરફ દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના આ દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા. પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે યુવકની ફરિયાદ સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત 20 જુલાઈની તમામ ઘટનાઓ અને દાવાઓની તપાસ અગાઉથી જ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. એક ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર (IO) પણ આ મામલે નિયુક્ત કરી દેવાયા છે અને નવી ફરિયાદ પણ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને મોકલી આપવામાં આવશે.
પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે મામલો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અને ઉચ્ચ સ્તરીય તપાસ હેઠળ છે. સુપ્રીમ કોર્ટે 20 જુલાઈના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગના આરોપોની તપાસ માટે અગાઉથી જ એક હાઇ-પાવર્ડ એક્સપર્ટ કમિટીની રચના કરી દીધી છે. તેમ છતાં કોંગ્રેસીઓ પ્રક્રિયાગત બાબતોને બાજુ પર મૂકીને માત્ર રાજકીય દબાણ બનાવવા અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે હોબાળો કરી રહ્યા હતા.
#BreakingGround with @vedikas | Congress MP Priyanka Gandhi joins Rahul Gandhi outside DCP office
— NDTV (@ndtv) August 21, 2026
NDTV's @aishvaryjain reports pic.twitter.com/7idAyAhfFL
ઘટના સમયે રાહુલ ગાંધીએ 19 વર્ષીય સાહિલ લોચાબના શરીર અને આંખમાં પેલેટ વાગ્યા હોવાના મેડિકલ રિપોર્ટ બતાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાહિલના વકીલોએ પણ દાવો કર્યો હતો કે તેઓ અગાઉ કૉનૉટ પ્લેસ પોલીસ સ્ટેશન ગયા હતા પરંતુ તેમને ત્યાંથી પાર્લામેન્ટ સ્ટ્રીટ મોકલવામાં આવ્યા હતા.
બીજી તરફ તપાસ એજન્સીઓ અને દિલ્હી પોલી સેવારંવાર સ્પષ્ટતા કરી છે કે પેલેટ ગનના ઉપયોગ અંગેના દાવાઓ વિવાદિત છે અને સત્ય તપાસ બાદ જ સામે આવશે. દિલ્હી પોલીસે કોઈ પણ પ્રકારના પેલેટ ગનના ઉપયોગનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આમ છતાં કોંગ્રેસ પાર્ટી સતત સુરક્ષાદળો સામે ગંભીર આરોપો લગાવીને વિદ્યાર્થીઓના પ્રદર્શનનો રાજકીય ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પરીક્ષાના મુદ્દે ‘સંસદ ચલો’ કૂચનું આયોજન થયું હતું. તે સમયે કેટલાક તોફાની તત્વોએ હિંસા અને પથ્થરમારો કરતાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. ત્યારથી જ કોંગ્રેસ આ ઘટનાને મોટો મુદ્દો બનાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.
અમિત શાહ પર ટાર્ગેટ
રાહુલ ગાંધીએ આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પર સીધા નિશાના સાધ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ ઉપરના આદેશોથી કામ કરી રહી છે અને ન્યાય થવા દેતી નથી. જોકે, સુપ્રીમ કોર્ટ અને ક્રાઇમ બ્રાન્ચ બંને આ કેસની તપાસ કરી રહ્યા છે, ત્યારે આ રીતે પોલીસ સ્ટેશન બહાર ધરણાં કરવા એ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા સમાન છે.

કોંગ્રેસી નેતાઓની આ હિલચાલ સામે ભાજપ અને અન્ય નેતાઓએ પણ સવાલો ઉઠાવ્યા છે. આ પ્રકારના ધરણાંને એક અઠવાડિયા પહેલા કરવામાં આવેલા ફ્લેશ પ્રોટેસ્ટ જેવો જ એક અન્ય પોલિટિકલ સ્ટંટ ગણાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ રાહુલ ગાંધીએ વડા પ્રધાન આવાસ બહાર અચાનક વિરોધ પ્રદર્શન કરીને પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ સ્ટેશન પરિસરની બહાર કોંગ્રેસી કાર્યકરોના હોબાળાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે અંતે, પોલીસે કાયદાકીય મર્યાદાઓ અને સુપ્રીમ કોર્ટની સમિતિનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તમામ બાબતોની નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે.

