અમદાવાદની આનંદ નિકેતન શાળાને ₹10,000નો દંડ: 2 કેન્ટીન સુપરવાઇઝર સસ્પેન્ડ, નાસ્તામાં કાચનો ટુકડો, ધાર્મિક ભેદભાવનો હતો આરોપ

અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળા તાજેતરમાં વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં આવી છે. નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવવાની ઘટના અને ધાર્મિક લાગણી દુભાવવાના આરોપો સામે આવ્યા બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત એમ. ચૌધરીએ કડક વલણ અપનાવ્યું છે. DEOએ RTE નિયમો 2012 હેઠળ શાળા પર ₹10,000નો દંડ ફટકાર્યો છે.

આ ઘટના બાદ સ્થિતિ સુધારવા માટે શાળા મંડળે કાર્યવાહી કરી છે. શાળાએ તેના એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કરિક્યુલમ ડિઝાઇનર મુનઝા શુમ્સને ફરજ મુક્ત કર્યા છે, જ્યારે ઘટના સમયે ફરજ પર હાજર બે કેન્ટીન સુપરવાઇઝરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળાએ રવિ પંચાલને આચાર્ય તરીકે નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

શાળા ટ્રસ્ટ બોર્ડે વિવાદિત કેન્ટીન અને ભોજન સેવા તાત્કાલિક અસરથી બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલી ભોજન સેવાની રકમ બાદ કરી બાકીની રકમ વાલીઓને રિફંડ કરવામાં આવશે. સાથે જ શાળાએ વિવાદમાં આવેલું પુસ્તક પાછું ખેંચી લીધું છે અને સવારની દૈનિક પ્રાર્થના માટે નવું સાપ્તાહિક શિડ્યુલ પણ જાહેર કરી દીધું છે.

શું હતો સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે શાળામાં એક વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. વાલીએ આરોપ મૂક્યો હતો કે બાળકે આ અંગે શિક્ષકને જાણ કરી હોવા છતાં તેને ગંભીરતાથી લેવાને બદલે ભોજન પૂરું કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેદરકારી સામે આવતા વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને તેમણે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી.

આ ઉપરાંત વાલીઓ અને સ્થાનિક હિંદુ સંગઠનોએ શાળા પર ધાર્મિક ભેદભાવના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આરોપ હતો કે શાળામાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સવારની પ્રાર્થના અને રાષ્ટ્રગીત બંધ કરી દેવાયા હતા. વધુમાં, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું મલાલા યુસુફઝઈનું પુસ્તક ‘આઈ એમ મલાલા’ ફરજિયાત ખરીદીને વાંચવા માટે દબાણ કરવામાં આવતું હતું.

DEOએ સ્થળ પર ઈન્સ્પેક્શન કરાવ્યા બાદ શાળાને શો-કોઝ નોટિસ પણ પાઠવી હતી. શાળાએ પોતાના ‘એક્શન ટેકન રિપોર્ટ’માં તમામ જરૂરી સુધારાત્મક પગલાં લીધા હોવાની જાણ કરી છે. સુરક્ષાના તમામ પાસાંની ખાતરી કર્યા બાદ શાળામાં ટૂંક સમયમાં જ ઓફલાઈન શિક્ષણ પૂર્વવત શરૂ થઈ જશે.