હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પાસે હવે જનતા પાસેથી પૈસા ઉઘરાવવાનું હવે વધુ એક કારણ છે. પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલ પર પ્રતિ લિટર 60 પૈસાનો ‘વિધવા અને અનાથ સેસ’ લગાવી દેવામાં આવ્યો છે.
12 ઑગસ્ટથી આ સેસ અમલમાં આવ્યો છે. નામ સાંભળીને સરકારની સંવેદનશીલતા પર ગદગદ થવાની જરૂર નથી. વાત એટલી છે કે રાજ્યની તિજોરી જ્યારે પહેલેથી જ ભારે દબાણમાં છે ત્યારે હવે ઇંધણમાંથી પણ વધારાની વસૂલાત શરૂ થઈ ગઈ છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ 60 પૈસા અંતિમ મર્યાદા પણ નથી. કાયદા હેઠળ સરકાર આ સેસને વધારીને ₹5 પ્રતિ લિટર સુધી લઈ જઈ શકે છે!
હવે એક સામાન્ય માણસને પ્રશ્ન થાય કે હિમાચલ જેવી સુંદર પહાડી ભૂમિ, જ્યાં અર્થતંત્રનો મોટો આધાર પ્રવાસન પર છે, ત્યાં સરકારને પેટ્રોલ-ડીઝલમાંથી નવા પૈસા કેમ જોઈએ છે? તેનો જવાબ માત્ર આજના 60 પૈસામાં નથી. આ વાર્તા થોડાં વર્ષ પાછળ જાય છે.
ચૂંટણી આવે છે. નેતાઓ મંચ પર જાય છે. વાયદાઓ થાય છે. મફત વીજળીની ગેરેન્ટી મળે છે. મહિલાઓને દર મહિને પૈસા આપવાની વાત થાય છે. જૂની પેન્શન યોજના પાછી લાવવાની જાહેરાત થાય છે. નોકરીઓની ગેરેન્ટી મળે છે. મતદારોને કહેવામાં આવે છે કે સરકાર આવશે એટલે બધું સારું થઈ જશે. પછી સરકાર આવે છે અને ધીમે-ધીમે ખબર પડે છે કે ‘મફત’ નામની દુનિયામાં કંઈ મફત હોતું નથી.
પહેલાં વાયદા, પછી દેવું અને હવે સેસ
હિમાચલમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે અનેક ગેરેન્ટી આપી હતી. તેમાં 300 યુનિટ મફત વીજળી, મહિલાઓને દર મહિને ₹1,500, વિધવાઓને નાણાકીય સહાય અને જૂની પેન્શન યોજના જેવા વાયદાઓ સામેલ હતા. આ વાયદાઓ ચૂંટણી જીતવામાં કેટલા કામ આવ્યા તે રાજકીય વિશ્લેષકો નક્કી કરે, પરંતુ હવે તેમનો ખર્ચ કોણ ઉઠાવે છે એ સવાલ સામાન્ય જનતાનો છે.
કારણ કે સરકારની તિજોરી કોઈ જાદુઈ પેટી નથી. તેમાં જેટલા રૂપિયા આવે છે, તેમાંથી પગાર આપવા પડે છે, પેન્શન આપવું પડે છે, જૂનું દેવું ચૂકવવું પડે છે, તેના પરનું વ્યાજ ભરવું પડે છે અને સાથે રસ્તા, પુલ, હોસ્પિટલ, શાળા અને બીજી વિકાસ યોજનાઓ પણ ચલાવવી પડે છે. જો ચૂંટણી જીતવા માટે આ બધાની ઉપર નવી-નવી મફત યોજનાઓનો બોજ ઉમેરવામાં આવે તો પછી ગણિત ક્યાંક તો બગડવાનું જ છે.
હવે 2026-27નું બજેટ જ જોઈ લો. હિમાચલની પોતાની ઉધાર સિવાયની આવક આશરે ₹40,389 કરોડ રહેવાનો અંદાજ છે. સામે સરકારનો ખર્ચ ₹50,088 કરોડ છે અને તેના ઉપર ₹4,840 કરોડનું જૂનું દેવું ચૂકવવાનું છે. એટલે આવક અને ખર્ચ વચ્ચેનું અંતર પૂરું કરવા માટે રાજ્યને આશરે ₹11,965 કરોડનું નવું દેવું લેવું પડશે. રેવન્યુ ડેફિસિટ ₹6,577 કરોડ અને ફિસ્કલ ડેફિસિટ ₹9,698 કરોડનો અંદાજ છે.
હવે વાત વધુ રસપ્રદ બને છે. સરકારની આવકમાંથી મોટો હિસ્સો વિકાસમાં જતો નથી. 2026-27માં પગાર, પેન્શન અને વ્યાજ પાછળ મળીને હજારો કરોડ રૂપિયા ખર્ચાવાના છે. એક તરફ આવક ઓછી છે, બીજી તરફ જૂની જવાબદારીઓ ભારે છે અને ત્રીજી તરફ રાજકીય ગેરેન્ટીઓનું ભારણ છે. પરિણામે સરકારને ખર્ચમાં કાપ મૂકવો પડે છે. 2026-27માં હિમાચલનું કેપિટલ આઉટલે (મૂડી ખર્ચ) માત્ર ₹3,090 કરોડ રાખવામાં આવ્યો છે, જે 2025-26ના સુધારેલા અંદાજ કરતાં 70 ટકા ઓછો છે.
એટલે વાત માત્ર દેવાની નથી. દેવું વધે ત્યારે સૌથી પહેલાં વિકાસની જગ્યા સંકોચાય છે. સરકાર રોજિંદા ખર્ચ અને જૂની જવાબદારીઓમાં ફસાતી જાય છે. પછી નવી આવક માટે નવા રસ્તા શોધવા પડે છે અને એ રસ્તો આખરે ક્યાં જાય છે? જનતાના ખિસ્સા સુધી.
‘મફત’ની રાજનીતિનો અંત ક્યાં આવે છે?
હિમાચલની સ્થિતિનો સૌથી મોટો વિરોધાભાસ એ છે કે નાણાકીય તંગી હોવા છતાં મફતની યોજનાઓની રાજનીતિ સંપૂર્ણપણે અટકી નથી. 2026-27ના બજેટમાં પણ એક લાખ ગરીબ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવાની યોજના છે. આ પરિવારોની મહિલાઓને ₹1,500 પ્રતિ મહિના આપવાની જોગવાઈ પણ છે.
અર્થાત ગણિત હજુ પણ એ જ છે. એક હાથમાં સરકાર મફત આપે છે અને બીજા હાથમાં આવક ઊભી કરવા માટે સેસ લગાવે છે.
અહીં જ ‘વિધવા-અનાથ સેસ’નો મુદ્દો મોટો બની જાય છે. વિધવા અને અનાથોના કલ્યાણ માટે પૈસા ખર્ચવા જોઈએ કે નહીં? આ સવાલ જ નથી. ચોક્કસ ખર્ચવા જોઈએ. સવાલ એ છે કે સરકારની નાણાકીય નીતિ એવી કેમ બની કે કલ્યાણના પૈસા મેળવવા માટે પેટ્રોલ-ડીઝલ પર નવો સેસ લગાવવો પડે?
આ સેસ હાલમાં 60 પૈસા છે. પરંતુ કાયદો સરકારને તેને ₹5 સુધી લઈ જવાની સત્તા આપે છે. એટલે આજે 60 પૈસા જોઈને તેને નાનો મુદ્દો માનીને બેસી જવાની પણ જરૂર નથી.
પેટ્રોલ-ડીઝલ પર સેસ એટલે માત્ર ગાડી ચલાવનારા માણસ પર ભાર નહીં. ઇંધણ મોંઘું થાય એટલે માલ પરિવહનનો ખર્ચ વધે, વ્યવસાયનો ખર્ચ વધે અને આખરે તેનો એક ભાગ કોઈ ને કોઈ રીતે સામાન્ય ગ્રાહક સુધી પહોંચે. પહાડોમાં જ્યાં પરિવહન પોતે જ મોટો ખર્ચ છે, ત્યાં આવી વસૂલાતની અસર વધુ વ્યાપક બની શકે છે.
હિમાચલને કેમ ભારે પડી રહ્યું છે?
ભારતનાં બીજા રાજ્યો પણ આવી યોજનાઓ આપે છે. ટેક્સ લગાવે છે. દેવું લે છે. તો પછી હિમાચલની વાત અલગ કેમ?
કારણ કે દરેક રાજ્યની આર્થિક ક્ષમતા એકસરખી હોતી નથી. કોઈ રાજ્ય પાસે મોટું ઔદ્યોગિક ઉત્પાદન છે, કોઈ પાસે વિશાળ સેવા ક્ષેત્ર છે, કોઈ પાસે બંદરો છે, કોઈ પાસે મોટું વેપારી કેન્દ્ર છે. ત્યાં સરકારની આવકના અનેક રસ્તા હોય છે. હિમાચલની અર્થવ્યવસ્થા માટે પ્રવાસનનું મહત્વ બહુ મોટું છે અને મોટાપાયે ઔદ્યોગિક વિસ્તરણ પણ નથી.
એટલે આવી જગ્યાએ સરકાર જો આવક કરતાં વધુ ખર્ચના વાયદા કરતી જાય તો તેની અસર ઝડપથી દેખાય છે. હિમાચલ આજે જે સ્થિતિમાં છે તે એક રીતે ચેતવણી છે કે રાજકીય લોકપ્રિયતા અને આર્થિક ક્ષમતા વચ્ચેનો તફાવત લાંબો સમય છુપાવી શકાતો નથી.
આ પહેલાં પણ હિમાચલની નાણાકીય સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. 2024માં જ્યારે કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી અને મંત્રીઓએ બે મહિના પગાર ન લેવાની જાહેરાત કરી હતી, ત્યારે પણ રાજ્યની નાણાકીય સ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં હતી. ₹100ની આવકમાંથી કેટલો મોટો હિસ્સો પગાર, પેન્શન, વ્યાજ અને જૂનું દેવું ચૂકવવામાં જતો રહે છે. હવે બે વર્ષ પછી પણ વાર્તા મૂળભૂત રીતે બદલાઈ નથી, માત્ર સમસ્યાના ઉકેલના નામે નવા રસ્તાઓ ઉમેરાયા છે.
એપ્રિલ 2026માં તો સરકારને નાણાકીય સ્થિતિનો હવાલો આપીને કેટલાક વરિષ્ઠ અધિકારીઓના પગારનો હિસ્સો છ મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય પણ લેવો પડ્યો હતો. બજેટ દસ્તાવેજો પણ બતાવે છે કે 2025-26માં રાજ્યનો ફિસ્કલ ડેફિસિટ ધારેલા અંદાજ મુજબ ₹16,708 કરોડ, એટલે કે GSDPના 6.6 ટકા સુધી પહોંચી ગયો હતો.
આ કોઈ સામાન્ય સ્થિતિ નથી.
રેવડીના રાજકારણનું અંતિમ બિલ કોણ ભરે?
આ સવાલ માત્ર હિમાચલનો નથી. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ મતદારોને મફતની રેવડીઓ અને ગેરેન્ટીઓની લાલચ આપવાની હોડમાં લાગી જાય છે. મહિલાઓને દર મહિને પૈસા, મફત વીજળી, મફત પાણી, જૂની પેન્શન નીતિ, મફત પરિવહન અને આવી જ એક પછી એક જાહેરાતોનો ઢગલો કરવામાં આવે છે. મત લેવા માટે વાયદા કરતી વખતે એ પૈસા ક્યાંથી આવશે, રાજ્યની તિજોરી આ બોજ કેટલો સમય સહન કરી શકશે અને પાંચ વર્ષ પછી આ યોજનાઓનું બિલ કોણ ભરશે, આમાંથી એક પણ સવાલ પૂછાતો નથી.
સરકાર બને છે ત્યારે વાયદા પૂરા કરવાની મજબૂરી ઊભી થાય છે. તિજોરી ખાલી હોય તો દેવું લો. દેવું વધી જાય તો વ્યાજ ભરો. ત્યાં પણ ગણિત ન બેસે તો નવા સેસ અને નવા ટેક્સ લગાવો અને અંતે જે જનતાને ચૂંટણી પહેલાં ‘મફત’ના નામે ખુશ કરવામાં આવી હતી, એ જ જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને સરકાર પોતાની તિજોરી ભરવા લાગે. હિમાચલમાં હવે પેટ્રોલ અને ડીઝલ પર 60 પૈસાનો ‘વિધવા-અનાથ સેસ’ એ જ ચક્રની નવી કડી છે.
સરકાર કહેશે કે આ પૈસા વિધવા અને અનાથ માટે છે. ચોક્કસ છે, એ પૈસા સારા કામમાં જવા જોઈએ. પરંતુ એક દિવસ એ પણ પૂછવું પડશે કે સરકાર પાસે આવા કામો માટે પૂરતા પૈસા કેમ નથી? અને જો તિજોરી એટલી જ તંગ હતી તો ચૂંટણી પહેલાં વાયદાઓની યાદી બનાવતી વખતે આ ગણિત ક્યાં હતું? મફત આપવું સરળ છે. વાયદો કરવો તો એથી પણ સરળ છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે તેનું બિલ ચૂકવવાનો સમય આવે.
હિમાચલમાં એ બિલ હવે પેટ્રોલ-ડીઝલ ભરાવતી જનતાના ખિસ્સામાં આવી ગયું છે અને સૌથી કડવી વાત એ છે કે આ બિલ કદાચ અહીં અટકવાનું પણ નથી. કારણ કે 60 પૈસાની શરૂઆત કરનારો કાયદો સરકારને ₹5 સુધી જવાની છૂટ આપે છે. એટલે સવાલ માત્ર 60 પૈસાનો નથી. સવાલ એ છે કે ચૂંટણી જીતવા માટે વહેંચાયેલી ‘મફત’ના રાજકારણની કિંમત આખરે કેટલા રૂપિયામાં વસૂલાશે.


