
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલા અને ખંડણી માગવાનાના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી સાત વર્ષની જેલની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો અને રજૂઆતો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. હવે આ કેસમાં આગામી 24 ઑગસ્ટના રોજ હાઇકોર્ટ પોતાનો નિર્ણય આપશે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ હાર્દિક દવેએ ચૈતર વસાવા સામે નોંધાયેલા તમામ ગુનાઓનો ઇતિહાસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય સામે ભૂતકાળમાં કુલ 22 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાંથી કેટલીક FIRમાં સમાધાન થયું છે અને કેટલીક ફરિયાદો કાયદાકીય પ્રક્રિયા દરમિયાન રદ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ તેમની સામે 12 જેટલા કેસો પેન્ડિંગ છે.
રાજ્ય સરકારે કોર્ટમાં વધુમાં દલીલ કરી હતી કે અગાઉના કેટલાક ગુનાઓમાં ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા હતા. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ક્રિમિનલ પ્રવૃત્તિ નહીં કરે તેવી ખાતરી અને બોન્ડના આધારે જ તેમને રાહત મળી હતી. આથી, ધારાસભ્ય સામેના અગાઉના ગુનાઓ અને હાલના પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને સજા સામેની આ રાહત અરજી પર વિચાર કરવો જરૂરી હોવાનું સરકારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારી પર હુમલા અને ખંડણીના મામલામાં ચૈતર વસાવા, પત્ની શકુંતલા સહિત કુલ 9 લોકોને દોષિત જાહેર કર્યા હતા. નીચલી અદાલતે ચૈતર વસાવા અને અન્ય 6 લોકોને 7-7 વર્ષની જેલની સજા તેમજ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 3 મહિનાનો જેલવાસ ભોગવવો પડશે. વસાવાએ હાઇકોર્ટમાં આ સજાના હુકમને પડકારતી અરજી કરી છે.

