
સિરીયાની એક કોર્ટે મંગળવારે (11 ઑગસ્ટ 2026) દેશના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોમાં ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી છે. કોર્ટના ચુકાદા મુજબ અસદને પૂર્વયોજિત હત્યા, ત્રાસ અને મનસ્વી ધરપકડ સહિતના ગંભીર અપરાધોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ સિરીયાની ટ્રાન્ઝિશનલ સત્તા હેઠળ અસદ સામેનો પ્રથમ આવો ચુકાદો છે. અસદ હાલ રશિયાના મૉસ્કોમાં છે.
આ જ કેસમાં અસદના નાના ભાઈ માહેર અલ-અસદ અને કઝિન અતેફ નજીબને પણ મોતની સજા ફટકારવામાં આવી છે. માહેર અલ-અસદ સિરીયન સેનાની ચોથી આર્મર્ડ ડિવિઝનનો કમાન્ડર રહી ચૂક્યો છે, જ્યારે અતેફ નજીબ 2011માં દેરા પ્રાંતમાં પોલિટિકલ સિક્યોરીટી બ્રાન્ચનો વડો હતો. દેરામાં સરકારવિરોધી આંદોલન શરૂ થયા બાદ થયેલા દમન અને કેદીઓ પર ત્રાસના આરોપોમાં નજીબની ભૂમિકા સામે આવી હતી.
બશર અલ-અસદે 2000માં પોતાના પિતા હાફેઝ અલ-અસદ બાદ સત્તા સંભાળી હતી. અલ-અસદ પરિવારનું સિરીયા પર પાંચ દાયકાથી વધુ સમય સુધી શાસન રહ્યું. બશર અલાવી લઘુમતી સમુદાયમાંથી આવે છે, જ્યારે સિરીયામાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે. 2011માં દેરામાં સરકારવિરોધી જૂથો સામે સુરક્ષાદળોની કાર્યવાહી બાદ શરૂ થયેલો સંઘર્ષ ધીમે-ધીમે ગૃહયુદ્ધમાં ફેરવાયો અને લગભગ 14 વર્ષ સુધી ચાલ્યો. આ યુદ્ધમાં આશરે પાંચ લાખ લોકો માર્યા ગયા હોવાનું APએ નોંધ્યું છે.
આ દરમિયાન અસદ સરકાર સામે અનેક બળવાખોર જેહાદી જૂથો ઊભા થયા, જેમાં અલ-કાયદા સાથે જોડાણ ધરાવતા અલ-નુસરા ફ્રન્ટમાંથી વિકસેલું Hay’at Tahrir al-Sham (HTS) પણ સામેલ હતું. 2024ના અંતમાં HTSના નેતૃત્વ હેઠળના જેહાદી બળવાખોરોએ ઝડપી સૈન્ય કાર્યવાહી શરૂ કરી અને ડિસેમ્બર 2024માં દમાસ્કસ પર કબજો મેળવી અસદ સરકારને ઉખેડી નાખી. અસદ પરિવાર સાથે રશિયા ભાગી ગયો. બાદમાં HTSના નેતા અહમદ અલ-શરાઆના નેતૃત્વમાં ટ્રાન્ઝિશનલ સરકાર બની.
પરંતુ અસદના પતન બાદ સિરીયામાં હિંસા અટકી નહીં. ખાસ કરીને અલાવી સમુદાય, જેને અસદ પરિવાર સાથે જોડાયેલો માનવામાં આવે છે, સામે બદલાની હિંસાના ગંભીર બનાવો સામે આવ્યા. માર્ચ 2025માં દરિયાકાંઠાના લતાકિયા અને તારતૂસ વિસ્તારોમાં થયેલી હિંસામાં મોટી સંખ્યામાં અલાવી નાગરિકો માર્યા ગયા. સિરીયન ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીએ બાદમાં માર્ચની હિંસામાં કુલ 1,426 લોકોનાં મોત થયાનું જણાવ્યું હતું, જેમાં અલાવી નાગરિકો સામે થયેલી હત્યાઓનો મોટો હિસ્સો હતો.
એક તરફ બશર અલ-અસદને તેના શાસન દરમિયાન થયેલા ગંભીર અપરાધો માટે સજા સંભળાવવામાં આવી છે તો બીજી તરફ તેને સત્તા પરથી હટાવનારી જેહાદી પૃષ્ઠભૂમિ ધરાવતી તાકાતોના ઉદય બાદ અલાવી સહિતના લઘુમતી સમુદાયોની સુરક્ષા પણ મોટો પ્રશ્ન બની છે. સિરીયાની 14 વર્ષ લાંબી ગૃહયુદ્ધની વાર્તામાં સત્તા બદલાઈ છે, પરંતુ હિંસા અને સાંપ્રદાયિક તણાવનો અંત હજુ આવ્યો નથી.

