FCRA (ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ) સુધારા બિલ માર્ચ 2026માં લોકસભામાં આવ્યું ત્યારથી ચર્ચામાં છે. ચાલુ ચોમાસું સત્રમાં ચર્ચા માટે લેવામાં આવી શકે એવી વકી છે. આજે નહીં તો આવતીકાલે, બિલ પસાર થવાનું એ નક્કી છે. સરકાર માત્ર પોતાની સરળતા ખાતર આગોતરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આગલા લેખમાં FCRA શું છે, કઈ રીતે કામ કરે છે, ઇતિહાસ શું, માળખું શું છે અને તાજા બિલમાં શું સુધારા કરવામાં આવી રહ્યા છે એ જોયું.
આ જ બિલ સાથે, FCRA સાથે સંકળાયેલું એક પાસું છે ધર્માંતરણ, જેની ઉપર અલગ અને વિસ્તૃત ચર્ચા જરૂરી છે.
ભારતમાં હિંદુઓનાં ઇસ્લામી-ખ્રિસ્તી ધર્માંતરણ કોઈ છૂપી બાબત નથી. દેશભરમાં છાશવારે કિસ્સાઓ બહાર આવતા રહે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ-તાપી જિલ્લાઓ ધર્માંતરણના કારણે અતિશય પ્રભાવિત છે. એવી જ સ્થિતિ છત્તીસગઢ-ઝારખંડના જનજાતિ વિસ્તારોની છે. કંઈક એવી જ સ્થિતિ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ છે.
ધર્માંતરણ પાછળ જે મિશનરીઓ, સંસ્થાઓ, NGO કામ કરે છે તેમને આ પ્રવૃત્તિઓ માટે મોટા પ્રમાણમાં ફન્ડિંગ મળે છે. આ ફન્ડિંગ ક્યાંથી આવે છે, મોટાભાગનું વિદેશથી.
અહીં FCRA આવે છે. જો FCRAનું માળખું કડક હોય, અમલીકરણ યોગ્ય રીતે થાય તો ફોરેન ફન્ડિંગના જોરે થતા ધર્માંતરણ પર ઘણોખરો અંકુશ મૂકી શકાય એમ છે.
સામે આવી ચૂક્યા છે અનેક કેસ
વિદેશી પૈસાથી ધર્માંતરણ પ્રવૃત્તિઓ થાય છે એ હવામાં કહેલી વાત કે કોન્સ્પિરસી થિયરી નથી. જગજાહેર છે. અદાલતોના આંગણે, એજન્સીઓની તપાસમાં સાબિત થઈ ચૂકેલી વાત છે. બહુ દૂર જવું પડે એમ પણ નથી. હમણાં જ નડિયાદમાં એક કેસમાં આ સાબિત થયું હતું.
ઑક્ટોબર 2025માં નડિયાદમાં ઑપઇન્ડિયાના રિપોર્ટિંગ પછી જ એક ધર્માંતરણના કેસની FIR દાખલ થઈ અને પોલીસે વધુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ‘રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ’ નામની જે સંસ્થા ધર્માંતરણનું રેકેટ ચલાવતી હતી તેને વિદેશથી 1.33 કરોડનું ફન્ડિંગ મળ્યું હતું. આ જ હકીકતને ધ્યાનમાં રાખીને પછીથી કોર્ટે આરોપી મેકવાનની જામીન અરજી પણ ફગાવી હતી.
2021માં ભરૂચના આમોદમાં એકસાથે અનેક હિંદુ પરિવારોના ઇસ્લામી ધર્માંતરણનો કેસ આવ્યો હતો. આ કેસમાં પણ ફોરેન ફન્ડિંગનો એન્ગલ હતો. યુપીમાં આવા ઘણા કેસ આવી ચૂક્યા છે, જેમાં ધર્માંતરણ કેસ પાછળ ફોરેન ફન્ડિંગ હોવાનું ખૂલ્યું હતું.
2020માં CBIએ ગૃહ મંત્રાલયના આદેશથી ‘કરુણા બાળ વિકાસ’ નામની એક સંસ્થા સામે કેસ દાખલ કર્યો હતો. સંસ્થા પર આરોપ લાગ્યો હતો કે FCRA હેઠળ તેણે શિક્ષણ અને સામાજિક કામો માટે ફોરેન ફન્ડિંગ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ વાસ્તવમાં આ પૈસાથી ગરીબ બાળકોનું ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી. એજન્સીએ જ્યારે સંસ્થાના નાણાકીય વ્યવહારો ચકાસ્યા ત્યારે વિદેશી ભંડોળના જોરે ચાલતો ધર્માંતરણનો ખેલ ખૂલ્યો.
સપ્ટેમ્બર 2020માં જ ગૃહ મંત્રાલયે લગભગ 13 NGO અને સંસ્થાઓનાં FCRA લાયસન્સ સસ્પેન્ડ કરી દીધાં હતાં. કારણ હતું જનજાતીય વિસ્તારોમાં થતું ધર્માંતરણ. આમાં ઇવેન્જેલિકલ ચર્ચીસ એસોશિએશન, મણિપુર; નોર્ધન ઇવેન્જેલિકલ લુથરન ચર્ચ ઝારખંડ વગેરેનો સમાવેશ થતો હતો. આરોપ હતો કે તેઓ વિદેશી ભંડોળનો ઉપયોગ ટ્રાઈબલ વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ માટે કરતા હતા. FCRA રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરીને અકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હતાં.
આવા ઘણા કેસો બીજા પણ છે. કહેવાની વાત એટલી છે કે ધર્માંતરણ માટે વિદેશી પૈસો વપરાય છે, ભરપૂર માત્રામાં વપરાય છે, અનિયંત્રિત રીતે વપરાય છે એ હકીકત છે. અને એટલે જ FCRAનું માળખું કડક બનાવવું જરૂરી છે.
અત્યાર સુધી જ્યાં લૂપહોલ રહી જતાં હતાં, જ્યાં સુધારાની જરૂર હતી એ દરેક બાબતને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાં સંસદમાં એક બિલ રજૂ કર્યું અને ત્યારબાદ જૂન 2026માં FCRAના નિયમોમાં સુધારા કર્યા. નિયમો લાગુ થઈ ગયા છે કારણ કે નિયમોને સંસદની બહાલીની જરૂર પડતી નથી. સંસદમાંથી બિલ પસાર થયા બાદ અને કાયદો બન્યા બાદ અન્ય માળખાગત સુધારા પણ લાગુ થશે.
આ બિલ-નિયમોમાં શું સુધારા કરવામાં આવ્યા છે જેનાથી ધર્માંતરણ માટે થતા વિદેશી ફન્ડિંગ પર અંકુશ મૂકી શકાશે?– જોઈએ.
ધર્માંતરણ માટેના ફોરેન ફન્ડિંગ પર સંપૂર્ણ રોક
સૌથી મોટો અને સ્પષ્ટ સુધારો જ આ છે. FCRAના નવા નિયમોમાં બહુ સ્પષ્ટપણે જણાવી દેવાયું છે કે સંસ્થા ધાર્મિક હેતુઓ માટે વિદેશી ભંડોળ મેળવી શકશે પણ ધર્માંતરણ સંબંધિત પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક રહેશે.
ધાર્મિક હેતુઓના માળખામાંથી ‘પ્રોસ્લિટાઇઝેશન’ને સંપૂર્ણ દૂર કરી દેવાયું છે. બાકી ધાર્મિક શિક્ષણ, ધાર્મિક પરંપરાઓની જાળવણી, ધાર્મિક સ્થળોની જાળવણી– વગેરે હેતુઓ માટે ભલે વિદેશી પૈસાનો ઉપયોગ થાય, પણ ધર્માંતરણ માટે, કોઈને ધર્મ બદલવા માટે પ્રેરિત કરવા માટે, ધર્મ પરિવર્તન હેતુએ પ્રચાર-પ્રસાર કરવા માટે ફોરેન ફન્ડિંગ ન વાપરી શકાય.
આનો અર્થ એ પણ થાય કે જો આવી બાબતો સામે આવે તો એ FCRA નિયમોનું ઉલ્લંઘન કહેવાશે અને ગૃહ મંત્રાલય જે-તે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકશે.
આ સુધારો જરૂરી હતો કારણ કે અગાઉ જે સિસ્ટમ હતી તેમાં સંસ્થાએ હેતુઓ તો જણાવવા પડતા પણ તેની વ્યાખ્યા બહુ બૃહદ હતી. જેમકે માત્ર ‘ધાર્મિક હેતુ’ એટલો ઉલ્લેખ પણ પૂરતો થઈ રહેતો, પણ હવે ચોક્કસ હેતુઓ જણાવવા પડશે. માત્ર ધાર્મિક, શૈક્ષણિક કે સામાજિક હેતુ કહીને છટકબારી ન શોધી શકાય. બીજું, ધાર્મિક હેતુઓમાંથી ધર્માંતરણ પહેલેથી દૂર કરી દેવાયું છે.
હાલ જે FCRA હેઠળ નોંધાયેલી સંસ્થાઓ છે તેમણે કાયદો લાગુ થયાના એક વર્ષના સમયગાળામાં વિદેશી પૈસાનો ઉપયોગ ક્યાં-ક્યાં થઈ રહ્યો છે તેની ચોક્કસ જાણકારી આપવી પડશે.
ટૂંકમાં કહીએ તો ‘ધાર્મિક પ્રવૃત્તિ’ની આડમાં હવે ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ ચલાવી નહીં લેવાય કારણ કે સરકાર હવે માત્ર એ નથી જોતી કે ધાર્મિક પ્રવૃત્તિ થઈ રહી છે, એ પણ પૂછશે કે ધાર્મિક પ્રવૃત્તિ થઈ રહી છે તો શું પ્રવૃત્તિઓ થાય છે.
મની ટ્રેઇલ
નાણાં સંબંધિત ગુનાઓમાં મની ટ્રેઇલ અગત્યની છે. પૈસાનો મામલો હોય તો પૈસા ક્યાંથી આવ્યા, વચ્ચે ક્યાં ગયા અને છેક સુધી કઈ રીતે પહોંચ્યા એ જાણવું એજન્સીઓ માટે જરૂરી છે.
ફોરેન ફન્ડિંગ મામલે પણ સરકારે વર્ષ 2020થી તૈયારીઓ કરવા માંડી હતી. ત્યારે પાયો નખાઈ ગયો હતો, હવે માળખું વધુ કડક બનાવવામાં આવ્યું છે.
2020માં મોદી સરકારે FCRAમાં સુધારો કરીને જોગવાઈ ઉમેરી હતી કે વિદેશથી આવતું ભંડોળ પહેલાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની નવી દિલ્હીની મેઇન બ્રાન્ચના ડેઝિગ્નેટેડ FCRA અકાઉન્ટમાં જ જમા થશે. ત્યાંથી સંસ્થાનાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી શકાય.
અગાઉ પણ જણાવ્યું હતું કે આ વ્યવસ્થા એટલા માટે જરૂરી છે જેથી FCRA હેઠળ જેટલાં સંગઠનો કામ કરતાં હોય તેમનો વિદેશથી પૈસા મેળવવાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એક જ રહે. પૈસા ક્યાંથી ક્યાં આવ્યા એ જાણી શકાય.
આ જ સુધારામાં એક વ્યવસ્થા એ કરવામાં આવી હતી કે જે સંસ્થાને FCRA હેઠળ ફોરેન ફન્ડિંગ મળ્યું હોય એ અન્ય સંસ્થા કે વ્યક્તિને ફંડ ટ્રાન્સફર ન કરી શકે.

આ પણ બહુ જરૂરી હતું. કારણ કે અગાઉની વ્યવસ્થામાં FCRA હેઠળ ફન્ડિંગ મળી જાય ત્યારબાદ અન્ય સંસ્થાઓ-ખાતાંને પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવતાં. આ સંસ્થાઓ FCRA હેઠળ નોંધાયેલી ન પણ હોય તો તેઓ પૈસાનો ઉપયોગ ક્યાં કરે છે એ બાબત FCRAના દાયરામાંથી બહાર નીકળી જતી.
ધર્માંતરણ માટે સક્રિય આવી જ સંસ્થાઓ હોય છે, કારણ કે FCRA હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પર ઘણો અંકુશ પહેલેથી જ છે. જેથી FCRA સંસ્થાઓ ફન્ડિંગ મેળવીને નોન-FCRA સંસ્થાઓને ફન્ડિંગ ટ્રાન્સફર કરી દે છે અને આ પૈસાથી ધર્માંતરણ વગેરે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાય છે.
ઉપર જે કરુણા બાળ વિકાસ NGOનો ઉલ્લેખ કર્યો તેના કેસમાં આ જ બન્યું હતું. CBIની તપાસમાં જાણવા મળ્યું હતું કે સંસ્થાએ જે હેતુઓ જણાવ્યા હતા તેના માટે માત્ર 10% ફોરેન ફન્ડિંગનો ઉપયોગ કર્યો હતો અને બાકીનું 90% ભંડોળ તમિલનાડુ, કેરળ સહિતનાં રાજ્યોમાં લગભગ 300 જેટલાં NGOને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું, જેમાંથી અમુક NGO FCRA હેઠળ નોંધાયેલાં જ ન હતાં. આ સંસ્થાઓને એક કરોડ જેટલી મોટી રકમ પણ ટ્રાન્સફર થઈ હતી.
નવી વ્યવસ્થામાં આ બધા પર રોક લાગી ગઈ છે.
વધુમાં 2026ના માળખામાં વધુ એક લેયર ઉમેરી દેવાયું છે.
સંસ્થાએ હવે એ પણ જણાવવું પડશે કે તેઓ કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવી રહ્યા છે.
આનાથી એ સ્પષ્ટ થશે કે કઈ સંસ્થા કયા વિસ્તારમાં કેટલું ભંડોળ વાપરી રહી છે. ઘણી વખત કયા વિસ્તારમાં કેટલો ખર્ચ થાય છે તેની ઉપરથી પણ ઘણું બધું સ્પષ્ટ થઈ શકે એમ છે કારણ કે ધર્માંતરણ માટે વર્ષોથી અમુક નિશ્ચિત વિસ્તારોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. સંસ્થા ચોક્કસ વિસ્તારમાં ચોકકસ પ્રવૃત્તિ માટે ભંડોળ મેળવતી હોય એ જાણકારી સરકાર પાસે રહે એ જરૂરી છે. અર્થ એ પણ થયો કે જણાવેલા રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય બહાર પૈસાનો ઉપયોગ ન થઈ શકે અને ઉપયોગ કરવો હોય તો તેની જાણકારી આપવી પડશે.
અર્થાત્ હવે માત્ર એ નહીં જોવાય કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે, સરકાર એ પણ જોશે કે પૈસા ક્યાં અને કેવી રીતે પહોંચી રહ્યા છે અને જે હેતુ માટે પૈસા મેળવાય એ હેતુ માટે જ વપરાય છે કે કેમ.
સંચાલકો, ઓરિજિનલ ડોનર વગેરેની વિગતો આપવી પડશે
નવા નિયમોમાં FCRA સંસ્થાઓ ચલાવનારા માણસો સંબંધિત પણ અમુક અગત્યની જોગવાઈઓ થઈ છે. એટલે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ઉપરાંત તેને સંસ્થા તરફથી કોણ મેળવે છે અને કોણ ખર્ચી રહ્યું છે એ પણ સરકાર જોશે.
હવે ‘કી ફંક્શનરી’ની વ્યાખ્યામાં સંસ્થાનું સંચાલન કરતા માણસો, ડાયરેક્ટરો, પાર્ટનરો અને ટ્રસ્ટીઓને પણ સમાવેશિત કરવામાં આવશે. ઉપરાંત સંસ્થામાં વિદેશી નાગરિકો કામ કરતા હોય તો તેમના સંબંધિત જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે. તેમના વિશેની તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે.
2026માં બીજો એક સુધારો એ કરવામાં આવ્યો છે કે સંસ્થા એન્યુઅલ રિટર્ન ફાઇલ કરે ત્યારે પૈસાનો કેટલો અને ક્યાં ઉપયોગ થયો તેની જાણકારી આપવી જ પડશે પણ પ્રોજેક્ટ પ્રમાણે અને એક્ટિવિટી પ્રમાણે પણ વિગતો આપવી પડશે. એટલે માત્ર પૈસા કેટલા આવ્યા અને કેટલા વપરાયા એની નહીં પણ ક્યાં અને કયા પ્રોજેક્ટમાં વાપરવામાં આવ્યા તેની પણ વિગતો આપવી પડશે.
સાથે સંસ્થાની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલો વિશે પણ જાણકારી આપવી પડશે. સોશિયલ મીડિયાના જમાનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટ પરથી પણ ઘણી જાણકારી મળી આવે છે અને એટલે આ વ્યવસ્થા જરૂરી છે.
આ સાથે FCRA સંસ્થાઓએ ઓરિજિનલ ફોરેન ડોનર વિશે પણ તમામ વિગતો આપવી પડશે, ભલે ભંડોળ ઇન્ટરમીડિયેટરી ચેનલ મારફતે આવ્યું હોય. અર્થાત્ એક વિદેશી સંસ્થાએ બીજી વિદેશી સંસ્થાને ભંડોળ આપ્યું હોય અને ત્યાંથી ભારતની FCRA સંસ્થાને પહોંચ્યું હોય તો સંસ્થાએ માત્ર વચ્ચેની ઇન્ટરમીડિયેટરી નહીં પણ ઓરિજિનલ ડોનરની વિગતો પણ મેળવીને રજૂ કરવી પડશે. જેથી પૈસો મૂળ ક્યાંથી આવે છે એ જાણી શકાય.
ઘણી સંસ્થાઓ ફોરેન ફન્ડિંગ મેળવ્યા બાદ અમુક નજીવી રકમ જે ઘોષિત કરવામાં આવેલા હેતુઓ હોય તેના માટે વાપરે છે અને બાકીની રકમ ધર્માંતરણ વગેરે પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવતી હોય એ ભૂતકાળમાં બહાર આવેલા કેસોમાં પણ સામે આવી ચૂક્યું છે.
પરંતુ હવે સંસ્થા જ્યારે પાંચ વર્ષે FCRA રજિસ્ટ્રેશન રિન્યુ કરવા માટે જશે ત્યારે એ જણાવવું પડશે કે પૈસા ક્યાં વપરાયા છે અને રિન્યુઅલ માટેની શરત એ રહેશે કે બે વર્ષમાં ઓછામાં ઓછા દસ લાખનો ઉપયોગ કર્યો હોવો જોઈએ, એ પણ એ પ્રવૃત્તિઓ માટે જે પહેલેથી જણાવવામાં આવી છે. એટલે સંસ્થાઓ માત્ર કોઈ જવાબદેહી વગર ફોરેન ફન્ડિંગ મેળવતી રહે એવું નહીં બને.
સમગ્ર માળખું બહુ સ્પષ્ટ નીતિ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ફોરેન ફન્ડિંગ મેળવવા પર રોક નથી, પણ તેનો ઉપયોગ જે હેતુ માટે પૈસા મેળવવામાં આવતા હોય તેની બહાર ન થઈ શકે. ઉપરાંત ધર્માંતરણ જેવી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ પ્રવૃત્તિઓ માટે ન કરી શકાય.
ભારત જેવા દેશમાં ધર્માંતરણ, ડેમોગ્રાફી ચેન્જ નાના કે સામાન્ય વિષયો નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં પરિસ્થિતિ વિકટ બનતી જાય છે એ આંકડાઓ કહે છે. ખાસ કરીને અમુક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવતા રહ્યા છે. આ બધા પર રોક લાગે એ જરૂરી છે અને એટલે જ FCRAમાં સુધારા જરૂરી છે.


