હોમપેજદેશ‘પરમ 8000’થી ‘પરમ પ્રજ્ઞા’ સુધી: ભારતે સુપરકમ્પ્યુટિંગમાં કેવી રીતે પગપેસારો કર્યો, પીએમ...

‘પરમ 8000’થી ‘પરમ પ્રજ્ઞા’ સુધી: ભારતે સુપરકમ્પ્યુટિંગમાં કેવી રીતે પગપેસારો કર્યો, પીએમ મોદીએ લૉન્ચ કરેલી IIT દિલ્હીની AI ફેસિલિટી શું છે અને હવે આગળનું લક્ષ્ય શું?

વડા પ્રધાન મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ્સ એનાયત કર્યા તે પ્રસંગ એક તરફ ભારતની નવી પેઢીના ટેક્નિકલ અને સંશોધન પ્રતિભાશાળી યુવાનોની સિદ્ધિનું પ્રતીક છે તો બીજી તરફ પરમ પ્રજ્ઞાનું લૉન્ચિંગ એ બતાવે છે કે આ જ નવી પેઢીને સંશોધન માટે કેવા પ્રકારનું અત્યાધુનિક કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -

નવી દિલ્હીમાં 8 ઑગસ્ટ, 2026ના રોજ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન એટલે કે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ વિવિધ પ્રતિષ્ઠિત મેડલ્સ એનાયત કર્યા હતા.

આ વર્ષે IIT દિલ્હીમાં કુલ 3,036 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી, જેમાં 587 PhD સંશોધકો, 567 એમ.ટેક અને 1,049 બી.ટેક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સિદ્ધિનો પ્રસંગ નહોતો, પરંતુ ભારતની ટેક્નોલોજી અને સંશોધન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ રહ્યો.

આ પ્રસંગે વડા પ્રધાને પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ, ડાયરેક્ટર્સ ગોલ્ડ મેડલ, ડૉ. શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ અને પરફેક્ટ ટેન ગોલ્ડ મેડલ જેવા પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ મેડલ્સ IIT દિલ્હીમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવતા મહત્વપૂર્ણ સન્માનો છે.

- Advertisement -

પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું એક ટેક્નોલોજીકલ લૉન્ચ હતું—AI આધારિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ ફેસિલિટી ‘પરમપ્રજ્ઞા’ (પરમ પ્રજ્ઞા). IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત આ સુપરકમ્પ્યુટિંગ સુવિધા ભારતના AI અને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. DSTના 2025-26ના વાર્ષિક અહેવાલમાં પણ IIT દિલ્હી, સોનીપત કેમ્પસ ખાતે પરમ પ્રજ્ઞાને AI-આધારિત સુપરકમ્પ્યુટિંગ ફેસિલિટી તરીકે દર્શાવવામાં આવ્યું છે.

સુપરકમ્પ્યુટર એટલે શું?

સામાન્ય રીતે આપણે જે લેપટોપ, ડેસ્કટોપ કે મોબાઇલનો ઉપયોગ કરીએ છીએ તે એક સમયે મર્યાદિત પ્રમાણમાં ગણતરી કરી શકે છે. જ્યારે સુપરકમ્પ્યુટર એવી અત્યંત શક્તિશાળી કમ્પ્યુટિંગ સિસ્ટમ છે, જેમાં હજારો કે લાખો પ્રોસેસિંગ કોર એકસાથે કામ કરી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો સામાન્ય કમ્પ્યુટર જ્યાં કોઈ અત્યંત જટિલ ગણતરી પૂર્ણ કરવામાં કલાકો, દિવસો કે મહિનાઓ લઈ શકે છે, ત્યાં હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ એટલે કે HPC સિસ્ટમ એ જ પ્રકારના કામને ખૂબ ઓછા સમયમાં કરી શકે છે. એટલે જ તેનો ઉપયોગ એવાં સંશોધનમાં થાય છે જ્યાં એક સાથે અત્યંત મોટી સંખ્યામાં ગણતરી કરવાની જરૂર પડે.

સુપરકમ્પ્યુટરનો ઉપયોગ માત્ર AI માટે જ નથી થતો. હવામાનની આગાહી, ચક્રવાતનું મોડેલિંગ, અંતરિક્ષ સંશોધન, દવાઓની શોધ, મેડિકલ રિસર્ચ, મટીરિયલ સાયન્સ, એન્જિનિયરિંગ, ભૂકંપના અભ્યાસ, કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સ અને રાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિક સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્થાપિત સિસ્ટમ્સમાં પણ વેધર અને ક્લાઇમેટ, કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ, બાયોઇન્ફોર્મેટિક્સ અને મટીરિયલ સાયન્સ જેવી એપ્લિકેશન્સનો ઉપયોગ થાય છે.

શું છે ‘પરમ પ્રજ્ઞા’?

પરમ પ્રજ્ઞા એ IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવેલી AI-આધારિત હાઈ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ ફેસિલિટી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય AI, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ અને અન્ય કોમ્પ્યુટેશનલી ઇન્ટેન્સિવ સંશોધન માટે સંશોધકોને વધુ શક્તિશાળી કમ્પ્યુટિંગ સંસાધનો ઉપલબ્ધ કરાવવાનો છે.

અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. પરમ પ્રજ્ઞાને માત્ર એક ‘ઝડપી કમ્પ્યુટર’ તરીકે જોવું યોગ્ય નથી. તે એક હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલે કે અનેક કમ્પ્યુટિંગ સંસાધનોને એકસાથે જોડીને મોટા અને જટિલ કમ્પ્યુટેશનલ વર્કલોડ્સ ચલાવવા માટે તૈયાર કરવામાં આવેલી સુવિધા છે.

તેનો ઉપયોગ ખાસ કરીને એવા AI મોડલ, સિમ્યુલેશન અને ડેટા-ઈન્ટેન્સિવ રિસર્ચ માટે થઈ શકે છે જેમાં સામાન્ય કમ્પ્યુટર અથવા સામાન્ય જીપીયુ વર્કસ્ટેશન પૂરતું સાબિત ન થાય.

પરમ પ્રજ્ઞાની સૌથી મોટી ખાસિયત શું છે?

પરમ પ્રજ્ઞાની ખાસિયત એ છે કે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. AIના મોટા મોડલને ટ્રેન (train) કરવા માટે ખૂબ મોટી કમ્પ્યુટિંગ પાવર અને મેમરી બેન્ડવિડ્થની જરૂર પડે છે.

AI ક્ષેત્રમાં ઈમેજ રિકગ્નિશન, લેંગ્વેજ મોડલ્સ, સાયન્ટિફિક સિમ્યુલેશન્સ, ડ્રગ ડિસ્કવરી અથવા કોમ્પ્લેક્સ પ્રેડિક્શન મોડલ્સ જેવી કામગીરી માટે એકસાથે હજારો-લાખો ગણતરી કરવાની જરૂર પડી શકે છે. આવી કામગીરી માટે જીપીયુ આધારિત કમ્પ્યુટિંગ અત્યંત મહત્વપૂર્ણ બની છે.

IIT દિલ્હી સાથે જોડાયેલા એક સંશોધન પેજ પર પરમ પ્રજ્ઞા માટે 400 NVIDIA A100 GPUsની ઍક્સેસનો ઉલ્લેખ જોવા મળે છે. જોકે આ આંકડો IIT દિલ્હી અથવા DST દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ સત્તાવાર ટેક્નિકલ સ્પેસિફિકેશન તરીકે ઉપલબ્ધ નથી, તેથી તેને ફેસિલિટીની જાહેર થયેલી ક્ષમતાના સંદર્ભ તરીકે જોવો યોગ્ય છે, સત્તાવાર પિક-PF આંકડા તરીકે નહીં.

આથી પરમ પ્રજ્ઞાની ક્ષમતાને માત્ર એક જ PF આંકડાથી સમજવાને બદલે તેને AI-ફોકસ્ડ કમ્પ્યુટિંગ ફેસિલિટી તરીકે સમજવી વધુ યોગ્ય છે.

સુપરકમ્પ્યુટરમાં PF અને TFનો અર્થ શું?

સુપરકમ્પ્યુટરની ક્ષમતા સમજવા માટે ફ્લોપ્સ (FLOPS) શબ્દ સમજવો જરૂરી છે. ફ્લોપ્સ એટલે ફ્લોટિંગ પોઈન્ટ ઑપરેશન્સ પર સેકન્ડ અર્થાત કમ્પ્યુટર એક સેકન્ડમાં કેટલી ફ્લોટિંગ-પોઈન્ટ ગણતરી કરી શકે.

1 ટીફ્લોપ્સ (TFLOPS) એટલે પ્રતિ સેકન્ડ 1 ટ્રિલિયન ગણતરીઓ, જ્યારે 1 પીફ્લોપ્સ (PFLOPS) એટલે પ્રતિ સેકન્ડ 1 ક્વોડ્રિલિયન ગણતરીઓ, એટલે કે 1,000 ટીફ્લોપ્સ. આથી જ્યારે કોઈ સિસ્ટમની ક્ષમતા 3 PF કહેવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે અત્યંત મોટાપાયે કોમ્પ્યુટેશનલ ઑપરેશન્સ કરી શકે છે.

પરંતુ AI સિસ્ટમ્સમાં મિક્સ્ડ પ્રિસિઝન જેવી અલગ બેન્ચમાર્કિંગ પદ્ધતિઓ વપરાતી હોવાથી દરેક PF આંકડાને બીજી સિસ્ટમ સાથે સીધો સરખાવવો યોગ્ય નથી.

પરમ પ્રજ્ઞાથી શું કામ થઈ શકે?

પરમ પ્રજ્ઞા જેવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો સંશોધન માટે છે. ઉદાહરણ તરીકે કોઈ સંશોધકને લાખો-કરોડો ડેટા પોઈન્ટનું વિશ્લેષણ કરવું હોય તો સામાન્ય કમ્પ્યુટર પર આ કામમાં ઘણો સમય લાગી શકે છે. પરંતુ HPC ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક પ્રોસેસર્સ અને એક્સિલરેટર્સ એકસાથે કામ કરતા હોવાથી આ પ્રકારની ગણતરી ઝડપથી પૂર્ણ થઈ શકે છે.

AI અને મશીન લર્નિંગમાં તેનો ઉપયોગ મોટા મોડલના ટ્રેનિંગ, સિમ્યુલેશન, પ્રેડિક્શન અને ડેટા એનાલિસિસ માટે થઈ શકે છે. સાથે જ વૈજ્ઞાનિક સંશોધનમાં કોમ્પ્લેક્સ મેથેમેટિકલ મોડલ્સ અને સિમ્યુલેશન્સ ચલાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ, PhD સ્કૉલર્સ અને સંશોધકોને અત્યંત મોંઘા કમ્પ્યુટિંગ રિસોર્સિસ માટે વિદેશી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર રહેવાની જરૂરિયાત ઘટાડવામાં મદદ મળી શકે છે.

પરમ પ્રજ્ઞાનું મહત્વ કેમ આટલું વધારે?

આજે વિશ્વમાં AI માત્ર સોફ્ટવેરનો વિષય રહ્યો નથી. AI માટે મોટા પ્રમાણમાં કમ્પ્યુટિંગ પાવર, જીપીયુ, ડેટા સેન્ટર્સ અને હાઈ-સ્પીડ નેટવર્ક્સની જરૂર પડે છે. જે દેશ પાસે પોતાનું કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે તે દેશ AI રિસર્ચ, સાયન્ટિફિક મોડેલિંગ અને એડવાન્સ્ડ ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં વધુ ઝડપથી આગળ વધી શકે છે.

આ સંદર્ભમાં પરમ પ્રજ્ઞાનું મહત્વ એ છે કે તે IIT દિલ્હી જેવા અગ્રણી સંશોધન સંસ્થાનને AI અને HPC માટે વધુ મજબૂત કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ આપે છે. તેનો લાભ માત્ર એક વિભાગને નહીં પરંતુ વિવિધ ઈન્ટરડિસિપ્લિનરી રિસર્ચ પ્રોજેક્ટ્સને મળી શકે છે.

‘પરમ’ એટલે શું?

અહીં આપણે પ્રશ્ન થાય કે આ સિસ્ટમમાં PARAMનો અર્થ શું છે? PARAMએ ભારતના સુપરકમ્પ્યુટિંગ સેક્ટરની એક સીરિઝનું નામ છે. ‘પરમ’ નામ ભારતની ઈન્ડિજીનસ સુપરકમ્પ્યુટિંગ યાત્રા સાથે સીધું જોડાયેલું છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ એટલે કે C-DAC દ્વારા વર્ષોથી પરમ નામ હેઠળ વિવિધ પેઢીના સુપરકમ્પ્યુટિંગ સિસ્ટમ્સ વિકસાવવામાં આવ્યા છે.

આ સિરીઝનો ઉદ્દેશ્ય ભારતની પોતાની હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ક્ષમતા ઊભી કરવાનો રહ્યો છે. C-DAC મુજબ પરમ સિરીઝના સુપરકમ્પ્યુટર્સનો ઉપયોગ વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ અને અન્ય વિવિધ એપ્લિકેશન્સ માટે થતો આવ્યો છે.

આ જ લાંબી યાત્રામાં આગળ વધીને આજે ‘પરમ સિદ્ધિ’ (PARAM Siddhi), ‘પરમ પ્રવેગ’ (PARAM Pravega), ‘પરમ રુદ્ર’ (PARAM Rudra), ‘પરમ શક્તિ’ (PARAM Shakti), ‘પરમ સંગણક’ (PARAM Sanganak), ‘પરમ ગંગા’ (PARAM Ganga) સહિત અનેક સિસ્ટમ્સ દેશની વિવિધ સંસ્થાઓમાં કામ કરી રહી છે.

ભારતનું પ્રથમ ‘પરમ’ સુપરકમ્પ્યુટર કયું હતું?

ભારતના ઈન્ડિજીનસ સુપરકમ્પ્યુટિંગ ઇતિહાસમાં સૌથી મહત્વનું નામ છે ‘પરમ 8000’ (PARAM 8000). ભારતે લગભગ 1980ના દાયકાના અંતમાં અત્યંત શક્તિશાળી સુપરકમ્પ્યુટર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટેક્નોલોજી અને વ્યૂહાત્મક કારણોસર વિદેશમાંથી આવી ટેક્નોલોજી મેળવવામાં મુશ્કેલીઓ આવી. આ પડકાર પછી ભારતે પોતાની સુપરકમ્પ્યુટિંગ ક્ષમતા વિકસાવવાનો માર્ગ પસંદ કર્યો.

પરિણામે C-DACની આગેવાની હેઠળ 1991માં ‘પરમ 8000’ વિકસાવવામાં આવ્યું. ‘પરમ 8000’ ભારત માટે માત્ર એક કમ્પ્યુટર નહોતું. તે સંદેશ હતો કે ઉચ્ચ સ્તરની કમ્પ્યુટિંગ ટેક્નોલોજી માટે ભારત હવે પૂર્ણરુપે બીજા દેશો પર નિર્ભર રહેવા નથી માંગતુ.

‘પરમ 8000’થી પરમ પ્રજ્ઞા સુધીની લાંબી યાત્રા

1991ના ‘પરમ 8000’થી શરૂ થયેલી આ યાત્રા આજે AI અને એક્સાસ્કેલ કમ્પ્યુટિંગ તરફ આગળ વધી રહી છે. ‘પરમ 8000’ પછી ‘પરમ 8600’, ‘પરમ 9000’, ‘પરમ 10000’, ‘પરમ 10000+’ જેવી પેઢીઓ આવી અને સમય સાથે ભારતે કમ્પ્યુટિંગ પાવરમાં સતત વધારો કર્યો.

પછી પરમ સિરીઝે વિવિધ સંસ્થાઓ અને વિવિધ ક્ષેત્રો માટે સ્પેશિયલાઈઝ્ડ સિસ્ટમ્સ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. આજે પરમ નામ હેઠળ વેધર મોડેલિંગથી લઈને AI અને સાયન્ટિફિક રિસર્ચ સુધી અનેક પ્રકારની કમ્પ્યુટિંગ જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે.

આ યાત્રા બતાવે છે કે 1990ના દાયકામાં ભારત જે કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કરી રહ્યું હતું તે આજે AI-ફોકસ્ડ HPC ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી ગયું છે. હાલમાં નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન હેઠળ આવી હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.

નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન શું છે?

ભારતની આ સમગ્ર સુપરકમ્પ્યુટિંગ સ્ટ્રેટેજીમાં સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન એટલે કે NSM. PM નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2015માં દેશની વધતી કોમ્પ્યુટેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા NSMની સ્થાપના કરી હતી. તેનો હેતુ એકેડેમિયા, રિસર્ચર્સ, MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે સુપરકમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો છે.

આ મિશનને ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) અને મિનિસ્ટ્રી ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) સંયુક્ત રીતે સંચાલિત કરે છે, જ્યારે C-DAC, પુણે અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલુરુ તેના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

NSMનો એક મહત્વપૂર્ણ હેતુ માત્ર વિદેશથી સુપરકમ્પ્યુટર્સ ખરીદવાનો નથી, પરંતુ ભારતમાં સુપરકમ્પ્યુટિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો પણ છે, જેમાં સર્વર્સ, ઈન્ટરકનેક્ટ્સ, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન્સ જેવી ક્ષમતાઓનો વિકાસ સામેલ છે.

NSM હેઠળ ભારતે કેટલી પ્રગતિ કરી?

DSTના સત્તાવાર આંકડા મુજબ 30 નવેમ્બર 2025 સુધી NSM હેઠળ 37 સુપરકમ્પ્યુટિંગ સિસ્ટમ્સ કમિશન્ડ થઈ ચૂકી હતી અને તેમની કુલ કમ્પ્યુટિંગ ક્ષમતા 39 PF હતી. આ સિસ્ટમ્સ દેશની વિવિધ IIT, IISCs, NITs, C-DAC અને અન્ય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂશન્સમાં સ્થાપિત કરવામાં આવી છે.

NSM હેઠળ અત્યાર સુધી 27,500થી વધુ લોકોને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં તાલીમ આપવામાં આવી છે, જ્યારે 260થી વધુ સંસ્થાઓના 14,000થી વધુ યુઝર્સે NSMની હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ફેસિલિટીઝનો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમ્સ પર કરોડો કોમ્પ્યુટેશનલ જોબ્સ પણ ચલાવવામાં આવી ચૂકી છે.

NSM હેઠળના સૌથી શક્તિશાળી પરમ સિસ્ટમ્સ કયા છે?

NSMની સત્તાવાર યાદી પ્રમાણે હાઈ-એન્ડ સિસ્ટમ્સમાં ‘પરમ સિદ્ધિ’, ‘પરમ પ્રવેગ’ અને ‘પરમ રુદ્ર’ સૌથી મહત્વપૂર્ણ સિસ્ટમ્સમાં આવે છે. ‘પરમ સિદ્ધિ’ C-DAC, પુણે ખાતે નેશનલ AI ફેસિલિટીમાં સ્થાપિત છે. તેની કમ્પ્યુટિંગ પાવર 6.5 PF દર્શાવવામાં આવી છે, જ્યારે AI માટે 210 PF સુધીની ક્ષમતા દર્શાવવામાં આવી છે. અહીં એક ટેક્નિકલ તફાવત સમજવો જરૂરી છે કે AI પર્ફોર્મન્સ માટે દર્શાવાતો આંકડો સામાન્ય ડબલ-પ્રિસિઝન HPC પર્ફોર્મન્સ સાથે સીધી રીતે સરખાવી શકાય એવો નથી.

ત્યારબાદ ‘પરમ પ્રવેગ’ IISCs બેંગલુરુ ખાતે છે, જેની કમ્પ્યુટિંગ પાવર 3.3 PF છે. આ સિવાય દિલ્હી સ્થિત IUACમાં 3 PFની ‘પરમ રુદ્ર’ સિસ્ટમ છે, જ્યારે IIT બૉમ્બે અને IIT મદ્રાસમાં પણ 3 PFની ‘પરમ રુદ્ર’ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે.

આ ઉપરાંત IISER પૂણેનું ‘પરમ બ્રહ્મા’  1.7 PF, JNCASR બેંગલુરુનું ‘પરમ યુક્તિ’ 1.8 PF, IIT ખડગપુરનું ‘પરમ શક્તિ’ 1.66 PF, IIT કાનપુરનું ‘પરમ સંગણક’ 1.66 PF અને IIT રૂડકીનું ‘પરમ ગંગા’ 1.66 PF પણ NSMના હાઈ-એન્ડ સિસ્ટમ્સમાં સામેલ છે.

37 સિસ્ટમ્સમાં કયા પ્રકારની સિસ્ટમ્સ છે?

NSMની 37 સિસ્ટમ્સને કમ્પ્યુટિંગ પાવર પ્રમાણે અલગ-અલગ વર્ગમાં મૂકવામાં આવી છે. હાઈ-એન્ડ સિસ્ટમ્સમાં 1 PFથી વધુ ક્ષમતાવાળી સિસ્ટમ્સ આવે છે. ત્યારબાદ 500 TFથી 1 PF વચ્ચેની મિડ-રેન્જ સિસ્ટમ્સ અને 500 ટીએફથી ઓછી ક્ષમતાવાળી લો-એન્ડ સિસ્ટમ્સ છે.

આ યાદીમાં ‘પરમ સેવા’, ‘પરમ સ્મૃતિ’, ‘પરમ ઉત્કર્ષ’, ‘પરમ અનંત’, ‘પરમ પોરુલ’, ‘પરમ કામરૂપ’, ‘પરમ હિમાલય’, ‘પરમ શિવાય’ અને ‘પરમ વિદ્યા’ જેવી સિસ્ટમ્સ પણ સામેલ છે. DST મુજબ પરમ શિવાય ભારતનું પ્રથમ ઈન્ડિજીનસ્લી એસેમ્બલ્ડ સુપરકમ્પ્યુટર છે. નોંધનીય છે કે ‘પરમ 8000’ ભારતનું પ્રથમ ઈન્ડિજીનસ સુપરકમ્પ્યુટર હતું, જ્યારે ‘પરમ શિવાય’ NSMના સમયગાળામાં પ્રથમ ઈન્ડિજીનસ્લી એસેમ્બલ્ડ સુપરકમ્પ્યુટર છે. આ સિસ્ટમ્સ દેશના અલગ-અલગ ભાગોમાં મૂકવામાં આવી હોવાથી સુપરકમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર દિલ્હી, મુંબઈ કે બેંગલુરુ જેવા ટેક્નોલોજી કેન્દ્રો સુધી મર્યાદિત નથી રહ્યું.

ભારતમાં માત્ર પરમ જ છે?

અહીં એવો પણ પ્રશ્ન થાય કે શું ભારતમાં માત્ર PARAM સીરિઝ છે? ના. ભારતની સુપરકમ્પ્યુટિંગ ઇકોસિસ્ટમ માત્ર પરમ સિરીઝ સુધી મર્યાદિત નથી. ઉદાહરણ તરીકે ‘પ્રત્યુષ’ (Pratyush) અને ‘મિહિર’ (Mihir) ભારતની વેધર અને ક્લાઇમેટ રિસર્ચ માટે મહત્વપૂર્ણ સુપરકમ્પ્યુટિંગ સિસ્ટમ્સ છે. પ્રત્યુષ IITM પુણે ખાતે અને મિહિર NCMRWF નોઈડા ખાતે વેધર મોડેલિંગ અને ફોરકાસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાય છે.

આ બંનેનો ઉપયોગ ખાસ કરીને મોન્સૂન, ચક્રવાત, વરસાદ, હવામાન પરિવર્તન અને અન્ય એટમોસ્ફિયરિક ફિનોમિનાના અભ્યાસમાં થાય છે. એટલે ભારતમાં સુપરકમ્પ્યુટિંગની વાત કરતી વખતે NSMની 37 સિસ્ટમ્સ અને સમગ્ર સુપરકમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આ બંનેને અલગ બાબતો તરીકે સમજવી જરૂરી છે.

ભારત અને વિશ્વના સૌથી શક્તિશાળી સુપરકમ્પ્યુટર્સ

NSM હેઠળ ‘પરમ સિદ્ધિ’, ‘પરમ પ્રવેગ’ અને ‘પરમ રુદ્ર’ જેવી સિસ્ટમ્સ દેશની મુખ્ય હાઈ-એન્ડ HPC સિસ્ટમ્સ છે. આ યાદીમાં ‘પરમ સિદ્ધિ’ 6.5 PFની સામાન્ય કમ્પ્યુટિંગ ક્ષમતા સાથે સૌથી આગળ છે, જ્યારે AI-ચાલિત કામગીરી માટે તેની ક્ષમતા 210 PF દર્શાવવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે સુપરકમ્પ્યુટર્સનું રેન્કિંગ નક્કી કરવા માટે ‘ટોપ-500’ યાદીમાં ‘હાઈ પર્ફોર્મન્સ લિનપેક’ (HPL) બેન્ચમાર્કનો ઉપયોગ થાય છે. આ કારણે ‘ભારતનું સૌથી શક્તિશાળી સુપરકમ્પ્યુટર’ અને ‘ટોપ-500માં ભારતની સૌથી ઊંચી રેન્ક ધરાવતું સુપરકમ્પ્યુટર’ બંને બાબતો એકસરખી ગણાતી નથી.

આંતરરાષ્ટ્રીય સ્તરે જૂન 2026ની ટોપ-500 યાદી મુજબ ચીનમાં સ્થાપિત ‘લાઈનશાઈન’ (LineShine) 2.198 એક્સાફ્લોપ/સેકન્ડના HPL પર્ફોર્મન્સ સાથે વિશ્વનું નંબર-1 સુપરકમ્પ્યુટર છે. આ યાદીમાં તેના પછી અમેરિકાના ‘એલ કેપિટન’ (El Capitan) અને ‘ફ્રન્ટિયર’ (Frontier) આવે છે.

દુનિયા હવે પેટાફ્લોપથી એક્સાફ્લોપ તરફ જઈ રહી છે એક પેટાફ્લોપ એટલે પ્રતિ સેકન્ડ 10¹⁵ ઑપરેશન્સ, જ્યારે એક્સાફ્લોપ એટલે પ્રતિ સેકન્ડ 10¹⁸ ઑપરેશન્સ. એટલે 1 એક્સાફ્લોપ, 1,000 પેટાફ્લોપ્સ જેટલું થાય. (10¹⁵ એટલે 10નો 15 વખત 10 સાથે જ ગુણાકાર = 1,000,000,000,000,000, એજ રીતે 10¹⁸)

આ બધુ જોતાં ભારત માટે પણ આગામી પડકાર માત્ર વધુ સુપરકમ્પ્યુટર્સ બનાવવાનો નથી, પરંતુ એક્સાસ્કેલ કમ્પ્યુટિંગ, AI કમ્પ્યુટિંગ, ઈન્ડિજીનસ પ્રોસેસર્સ, એડવાન્સ્ડ ઈન્ટરકનેક્ટ્સ અને સોફ્ટવેર ઇકોસિસ્ટમમાં આગળ વધવાનો છે.

NSMનો આગળનો તબક્કો શું છે?

નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન હવે માત્ર કમ્પ્યુટિંગ મશીન્સ સ્થાપિત કરવા પૂરતું મર્યાદિત નથી. મિશન હેઠળ ઈન્ડિજીનસ સર્વર્સ, રુદ્ર સર્વર્સ, ત્રિનેત્ર HPC ઈન્ટરકનેક્ટ્સ, સિસ્ટમ સોફ્ટવેર અને સાયન્ટિફિક એપ્લિકેશન્સ વિકસાવવામાં આવ્યા છે.

DSTના અગાઉના અહેવાલોમાં NSMના આગામી તબક્કામાં એક્સાસ્કેલ કમ્પ્યુટિંગ કેપેબિલિટીઝ વિકસાવવાની દિશા દર્શાવવામાં આવી હતી. 2025-26ના વાર્ષિક અહેવાલમાં પણ NSM 2.0ના ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ અને એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી સંબંધિત પ્રક્રિયા આગળ વધતી હોવાનું જણાવાયું છે.

આનો અર્થ એ છે કે ભારતની સુપરકમ્પ્યુટિંગ સ્ટ્રેટેજી હવે માત્ર ‘કેટલા કમ્પ્યુટર બનાવ્યા?’ એ પ્રશ્નથી આગળ વધીને ‘નેક્સ્ટ જનરેશનની કમ્પ્યુટિંગ ટેક્નોલોજી આપણે કેટલી હદ સુધી દેશમાં બનાવી શકીએ?’ એ પ્રશ્ન તરફ જઈ રહી છે.

NSMના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી 14,000થી વધુ યુઝર્સ 260થી વધુ સંસ્થાઓમાંથી આ HPC ફેસિલિટીઝનો ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સરકારની ટેક્નોલોજી શોકેસ નથી, પરંતુ વાસ્તવિક રિસર્ચ ઇકોસિસ્ટમનો ભાગ બની રહ્યું છે.

નોંધનીય છે કે એક સમયે ભારતને સુપરકમ્પ્યુટર મેળવવા માટે વિદેશ તરફ જોવું પડતું હતું. ત્યારબાદ ભારતે પોતાની સુપરકમ્પ્યુટિંગ ટેક્નોલોજી વિકસાવવાનું શરૂ કર્યું. પરમ સિરીઝ, C-DAC, IISCs અને ત્યારબાદ નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશને આ ઇકોસિસ્ટમને વધુ વિસ્તૃત કરી છે. આજે દેશની વિવિધ સંસ્થાઓમાં 37 NSM સિસ્ટમ્સ, કુલ 39 PF ક્ષમતા, ઈન્ડિજીનસ રુદ્ર સર્વર્સ, HPC ઈન્ટરકનેક્ટ્સ અને હજારો તાલીમબદ્ધ યુઝર્સની ઇકોસિસ્ટમ ઊભી થઈ ચૂકી છે.

આગામી યાત્રા માત્ર ‘ઝડપી કમ્પ્યુટર’થી આગળ વધીને ઘણી વિશેષ

‘પરમ પ્રજ્ઞા’નું લૉન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે વિશ્વમાં AI, લાર્જ લેંગ્વેજ મોડલ્સ, સાયન્ટિફિક AI અને એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ વચ્ચેનું જોડાણ ઝડપથી વધી રહ્યું છે. એટલે ‘પરમ પ્રજ્ઞા’નું મહત્વ માત્ર IIT દિલ્હીના સોનીપત કેમ્પસ સુધી મર્યાદિત નથી. તે ભારતની એ લાંબી ટેક્નોલોજીકલ યાત્રાનો નવો તબક્કો છે, જે ‘પરમ 8000’થી શરૂ થઈ, નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન સુધી વિસ્તરી અને હવે AI તથા એક્સાસ્કેલ કમ્પ્યુટિંગ તરફ આગળ વધી રહી છે.

વડા પ્રધાન મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ્સ એનાયત કર્યા તે પ્રસંગ એક તરફ ભારતની નવી પેઢીના ટેક્નિકલ અને સંશોધન પ્રતિભાશાળી યુવાનોની સિદ્ધિનું પ્રતીક છે તો બીજી તરફ પરમ પ્રજ્ઞાનું લૉન્ચિંગ એ બતાવે છે કે આ જ નવી પેઢીને સંશોધન માટે કેવા પ્રકારનું અત્યાધુનિક કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં