
તૃણમૂલ કોંગ્રેસનાં (TMC) સાંસદ મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી શુક્રવારે (7 ઑગસ્ટ) મોટો ઝટકો લાગ્યો છે. ફેસબુક પર કથિત ઉશ્કેરણીજનક પોસ્ટને લઈને નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી સમક્ષ વિડીયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી માગતી તેમની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કરેલી કડક ટિપ્પણી પણ ચર્ચાનો વિષય બની છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે મહુઆ મોઈત્રાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું, “તમે સંસદ સભ્ય છો? રાજકારણમાં આવ્યાં પછી ઈંડાંથી ડરો છો? આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ તો છાતી પર ગોળીઓ ખાધી હતી. આવી અરજીઓ તો આ કોર્ટ સમક્ષ આવવી જ ન જોઈએ.”
મહુઆ મોઈત્રા તરફથી હાજર રહેલા વકીલ ગોપાલ શંકરણારાયણે કોર્ટમાં દલીલ કરી હતી કે ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટના કારણે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને તપાસ અધિકારી સમક્ષ વિડીયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે. તેમણે કહ્યું કે જો મહુઆ મોઈત્રા વ્યક્તિગત રીતે પોલીસ સ્ટેશન જશે તો તેમના પર ટોળા દ્વારા ઈંડાંથી હુમલો થવાની આશંકા છે.
કોર્ટના પ્રશ્નોના જવાબમાં વકીલે જણાવ્યું હતું કે અગાઉ જ્યારે મહુઆ મોઈત્રા પોલીસ સ્ટેશન ગયાં હતાં ત્યારે તેમની સામે ઈંડાં ફેંકવાની ધમકીઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ વાસ્તવમાં તેમના પર ઈંડાં પણ ફેંકવામાં આવ્યાં હતાં. તેમણે દલીલ કરી કે પોલીસની નોટિસ મુજબ તેમને પોતાના જ મતવિસ્તારના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું છે અને સુરક્ષાની દૃષ્ટિએ વર્ચ્યુઅલ હાજરીની મંજૂરી આપવામાં આવે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે પૂછ્યું, “શા માટે વર્ચ્યુઅલ રીતે? માત્ર એટલા માટે કે તમે સાંસદ છો?” બેન્ચે વધુમાં જણાવ્યું કે કલકત્તા હાઇકોર્ટે પહેલેથી જ તેમને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું, “હાઇકોર્ટના આદેશનો પેરા 19 વાંચો. તમે હાજર ન રહો અને પછી હાઇકોર્ટમાં તેનાં પરિણામોનો સામનો કરો. ત્યારબાદ પણ જો કોઈ ફરિયાદ હોય તો અમારી પાસે આવો.”
કોર્ટનો અભિગમ સ્પષ્ટ થયા બાદ મહુઆ મોઈત્રાના વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માગી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે અરજીને ‘વિથડ્રોન’ તરીકે ફગાવી દીધી.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ જૂન મહિનામાં નોંધાયો હતો. ભાજપના એક નેતાએ મહુઆ મોઈત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમણે ફેસબુક પર અપલોડ કરેલા બે વિડીયો દ્વારા ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી. આ વિડીયો તે સમયે સામે આવ્યા હતા જ્યારે કૃષ્ણનગરની એક કોર્ટ બહાર ભાજપ સમર્થકો ઈંડાં અને ટામેટાં લઈને વિરોધ કરવા એકત્ર થયા હોવાનું કહેવાયું હતું.
ગત મહિને કલકત્તા હાઇકોર્ટે મહુઆ મોઈત્રાને FIR રદ કરવાની તેમની અરજીમાં વચગાળાની રાહત આપી હતી. જોકે, સાથે જ તેમને 14 ઑગસ્ટે તપાસ અધિકારી સમક્ષ હાજર રહી તપાસમાં સહકાર આપવાનો પણ આદેશ કર્યો હતો. આ જ આદેશમાં ફેરફાર કરાવવા અને વિડીયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી મેળવવા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં, પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી નહોતી.

