પિતા નિવૃત્ત કર્મચારી છતાં દીપકેને અમેરિકામાં ભણાવવાના પૈસા ક્યાંથી આવ્યા? સુરતના RTI એક્ટિવિસ્ટની તપાસની માંગ, CJPના 1 કરોડના ફંડિંગ પર પણ સવાલ

સુરતના RTI કાર્યકર અમિત તિવારીએ CJPના (કોકરોચ જનતા પાર્ટી) સ્થાપક અભિજીત દીપકેના પરિવારની નાણાકીય સ્થિતિ અને પાર્ટી ફંડિંગને લઈને વિવિધ સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી તપાસની માંગ કરી છે. તેમણે ચૂંટણી પંચ (ECI), સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) અને મહારાષ્ટ્ર સરકારને અલગ-અલગ રજૂઆતો કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અમિત તિવારીનો મુખ્ય સવાલ અભિજીત દીપકેના પિતા ભગવાનરાવ દીપકેની આવકને લઈને છે. તેમના જણાવ્યા અનુસાર ભગવાનરાવ દીપકે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં (MIDC) જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને નિવૃત્તિ પહેલાં તેમનો માસિક પગાર અંદાજે ₹60,000થી ₹65,000 હતો. આવી સ્થિતિમાં તેમણે પોતાના બાળકોને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ કેવી રીતે અપાવ્યું તેની તપાસ થવી જોઈએ. જો અપ્રમાણસર સંપત્તિનો (Disproportionate Assets) મામલો સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત અમિત તિવારીએ CJPની કાનૂની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે CJP રાજકીય પક્ષની જેમ કાર્ય કરે છે અને ફંડ પણ સ્વીકારે છે, પરંતુ તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલી રાજકીય પાર્ટી નથી. તેથી ચૂંટણી પંચે તેની નોંધણી અને ફંડિંગની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે CJPના કાનૂની સંરક્ષણ માટે જાહેર કરેલા ₹1 કરોડના ફંડને લઈને પણ અમિત તિવારીએ CBIC સમક્ષ રજૂઆત કરી છે. તેમણે આ રકમ પર 18 ટકા GST લાગુ પડે છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરી છે.

અમિત તિવારીએ ANI સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમણે ત્રણ અલગ-અલગ સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી છે. તેમણે કહ્યું કે, “અમે મહારાષ્ટ્ર સરકારને રજૂઆત કરી છે કે ભગવાનરાવ દીપકે MIDCમાં જુનિયર એન્જિનિયર હતા. જો તેમનો પગાર ₹60-65 હજાર હતો તો પછી તેમણે પોતાનાં બાળકોને અમેરિકામાં કેવી રીતે ભણાવ્યાં તેની તપાસ થવી જોઈએ. જો અપ્રમાણસર સંપત્તિનો કેસ હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે CJP જો રાજકીય પક્ષની જેમ કાર્ય કરે છે અને દાન સ્વીકારે છે તો તેને કાયદા મુજબ નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી વિના રાજકીય પ્રવૃત્તિઓ અને ફંડ એકત્રિત કરવાના મુદ્દે પણ તેમણે ચૂંટણી પંચ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અમિત તિવારીએ CJP પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કરીને તેને અયોગ્ય ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.