‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ફ્રાન્સના એક ભૂતપૂર્વ નૌકાદળના પાયલટે જાહેર દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ચીન નિર્મિત ફાઇટર જેટે ભારતીય વાયુસેનાનાં રાફેલ વિમાનોને તોડી પાડ્યાં હતાં. આ જ ભૂતપૂર્વ પાયલટ અને સંરક્ષણ વિશ્લેષક ‘પિયર-હેનરી ચુએટ’ સામે હવે ફ્રાન્સમાં ચીની એજન્ટોને સંવેદનશીલ સૈન્ય માહિતી આપવાના આક્ષેપો હેઠળ ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ફ્રાન્સની આંતરિક ગુપ્તચર એજન્સી તેની અટકાયત કરીને પૂછપરછ કરી રહી હતી અને ત્યારબાદ તેને ન્યાયિક દેખરેખ હેઠળ છોડવામાં આવ્યો છે. ફ્રેન્ચ તપાસકર્તાઓ હાલમાં એવા આક્ષેપોની તપાસ કરી રહ્યા છે કે જ્યારે તેઓ ફ્રેન્ચ નેવીમાં સેવામાં હતા, તે સમયે તેમણે ચીન સાથે ગોપનીય અને સંવેદનશીલ લશ્કરી માહિતી શેર કરી હતી કે કેમ.
🚨 French ex-pilot Pierre-Henri Chuet, who claimed the Indian Air Force lost Rafale jets during Operation Sindoor and praised Chinese fighter jets, has been detained for spying for China. pic.twitter.com/rHnhov7C9B
— Indian Tech & Infra (@IndianTechGuide) July 31, 2026
આ ઘટનાએ માત્ર જાસૂસીના આક્ષેપોને કારણે જ નહીં, પરંતુ એ કારણે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે ચુએટ મે 2025માં ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ભારતની સૈન્ય કામગીરી વિશે વગર પુરાવાના દાવાઓ કરનારા મુખ્ય વિદેશી વિશ્લેષકોમાંના એક હતા.
ચીની ફાઇટર વિમાનોના વખાણ કરતા અને રાફેલ વિમાનની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવતા તેના વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થયા હતા. તેણે કરેલા દાવાઓને સમર્થન આપે તેવા કોઈ સત્તાવાર પુરાવા ન હોવા છતાં આ વિડીયો ખૂબ શેર કરવામાં આવ્યા હતા.
ફ્રેન્ચ પાયલટ સામે ઔપચારિક તપાસ શરૂ
ફ્રેન્ચ મીડિયા આઉટલેટ્સ ‘લે કનાર્ડ ઓન્ચેને’, ‘મીડિયાપાર્ટ’ અને ‘ઇન્ટેલિજન્સ ઓનલાઇન’ના અહેવાલો મુજબ ફ્રાન્સની ગુપ્તચર અને કાઉન્ટર-ટેરરિઝમ એજન્સી (DGSI) દ્વારા 20 જુલાઈ, 2026ના અઠવાડિયામાં ભૂતપૂર્વ પાયલટ ચુએટની અટકાયત કરવામાં આવી હતી. તપાસ અધિકારી સમક્ષ રજૂ કરતા પહેલાં ગુપ્તચર એજન્સીએ તેના ઘરની પણ તલાશી લીધી હતી.
જોકે પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો છે, પરંતુ તેની સામે સત્તાવાર ન્યાયિક તપાસ ચાલુ રાખવામાં આવી છે. ફ્રેન્ચ પ્રોસિક્યુટર્સ તેની સામે અન્ય દેશો સાથે ગુપ્ત માહિતી શેર કરવા, રાષ્ટ્રીય સંરક્ષણના રહસ્યો જાહેર કરવા, દેશના હિતોને લગતી માહિતી એકત્ર કરવા અને વિદેશી શક્તિઓને સંવેદનશીલ વિગતો આપવા જેવા ગંભીર આરોપોની તપાસ કરી રહ્યા છે.
ફ્રાન્સ અને કેનેડા બંને દેશોની નાગરિકતા ધરાવતા ચુએટે વર્ષ 2021 સુધી ફ્રેન્ચ નૌકાદળમાં પોતાની સેવાઓ આપી હતી. પોતાની સૈન્ય કારકિર્દી દરમિયાન તેણે ફ્રાન્સના એકમાત્ર એરક્રાફ્ટ કેરિયર ‘ચાર્લ્સ ડી ગોલ’ પરથી ‘સુપર એટેન્ડાર્ડ’ અને ‘રાફેલ એમ’ જેવા અત્યાધુનિક યુદ્ધ વિમાનો ઉડાવ્યાં હતાં.
બીજી તરફ ચુએટે પોતાની સામે લાગેલા તમામ જાસૂસીના આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા છે. તેણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “મેં માત્ર ત્રણ-ત્રણ દિવસના બે સેમિનારનું આયોજન કર્યું હતું. મારી 2019ની ચીન મુલાકાત બહુ સારી નહોતી રહી અને ત્યારપછી મેં ક્યારેય ચીનમાં પગ મૂક્યો નથી.”
‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ચુએટે શું દાવાઓ કર્યા હતા
પોતાની સૈન્ય કારકિર્દી ઉપરાંત ચુએટે એક સંરક્ષણ વિશ્લેષક તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તે અવારનવાર ટીવી પર દેખાતો હતો અને યુટ્યુબ પર 5,60,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી પોતાની ચેનલ પણ ચલાવતો હતો. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ચુએટે આ યુદ્ધનું વિશ્લેષણ કરતા અનેક વિડીયો જાહેર કર્યા હતા.
10 મે, 2025ના રોજ પોસ્ટ કરેલા એક વિડીયોમાં તેણે એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાની વાયુસેનાના ‘J-10C’ ફાઇટર જેટે ચીનની ‘PL-15’ મિસાઇલનો ઉપયોગ કરીને ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને તોડી પાડ્યું હતું. તે સમયે, ભારત સરકાર કે વાયુસેના તરફથી આવા કોઈ પણ દાવાની સત્તાવાર પષ્ટિ કરવામાં આવી નહોતી. પરંતુ ત્યારપછીના વિડીયોમાં ચુએટે પાકિસ્તાનના ચીની બનાવટના ‘J-10C’ અને ‘JF-17’ ફાઇટર વિમાનોના ભારે વખાણ કર્યા હતા.
તેણે આ વિમાનો અને ‘PL-15’ મિસાઇલને ‘રાફેલ કિલર’ ગણાવ્યા હતા અને એવો તર્ક આપ્યો હતો કે આ સંઘર્ષે ફ્રેન્ચ બનાવટના રાફેલ કરતાં ચીનની એર કોમ્બેટ ટેક્નોલોજીની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે. તેની આ ટિપ્પણીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ધ્યાન ખેંચ્યું હતું અને પાકિસ્તાની પ્રોપગેન્ડા ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા તેના વિડીયો વારંવાર શેર કરવામાં આવ્યા હતા.
ફ્રેન્ચ અધિકારીઓ શા માટે કરી રહ્યા છે તપાસ
ચુએટ સામે જાસૂસીના જે આક્ષેપો લાગ્યા છે, તે ‘ઑપરેશન સિંદૂર’ પર તેણે કરેલી ટિપ્પણીઓ પહેલાંના છે. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર તપાસકર્તાઓનું માનવું છે કે ચુએટે જ્યારે તે ફ્રેન્ચ નેવીમાં સેવામાં હતો ત્યારે સપ્ટેમ્બર 2018 અને ઑગસ્ટ 2019માં ચીનની ઓછામાં ઓછી બે એવી મુલાકાતો કરી હતી જેની જાણ તેણે સરકારને કરી નહોતી. ફ્રેન્ચ મિલીટ્રીના નિયમો મુજબ આવી મુસાફરી કરતા પહેલાં તેણે પોતાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવી જરૂરી હતી, પરંતુ તપાસકર્તાઓનો આરોપ છે કે તેણે આ યાત્રાઓ અંગે કોઈ જાણ કરી નહોતી.
આ પ્રવાસોનું આયોજન ‘ટેસ્ટ ફ્લાઇંગ એકેડેમી ઑફ સાઉથ આફ્રિકા’ (TFASA) નામની દક્ષિણ આફ્રિકાની એક એવિએશન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, જે કંપની ચીની લશ્કરી કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજતી હોવાનું કહેવાય છે. ‘મીડિયાપાર્ટ’ના અહેવાલ મુજબ પ્રથમ સેમિનાર એરક્રાફ્ટ કેરિયર પર વિમાન લેન્ડ કરવા માટે વપરાતી ટેકનોલોજી પર આધારિત હતો.
🇫🇷 Former French Navy fighter pilot and aviation YouTuber Pierre-Henri Chuet (“Até Chuet”) has been placed under formal investigation in Paris on four national security charges, including intelligence with a foreign power and disclosing defense secrets.
— Visegrád 24 (@visegrad24) July 28, 2026
Investigators say he… pic.twitter.com/YPdmgfzfmJ
જ્યારે બીજો કાર્યક્રમ વધુ વિગતવાર હતો, જેમાં એરક્રાફ્ટ કેરિયરની કામગીરી, નૌકાદળના પાયલટો અને લેન્ડિંગ સિગ્નલ ઓફિસર્સ (LSOs) માટેની તાલીમ, ‘E-2C હોકઆઈ’ વોર્નિંગ એરક્રાફ્ટની કામગીરી અને સીરિયામાં પશ્ચિમી દેશોના તાજેતરના લશ્કરી ઑપરેશન્સ અંગેની ચર્ચાઓનો સમાવેશ થતો હતો.
આ આક્ષેપો સૌપ્રથમ 2023માં સામે આવ્યા હતા અને ત્યારબાદ 2025માં ફ્રેન્ચ સંરક્ષણ મંત્રાલયે વિદેશી તાકાત સાથે ગુપ્ત માહિતી શેર કરવા, રાષ્ટ્રીય સંરક્ષણના રહસ્યો જાહેર કરવા અને કરચોરી જેવા ગંભીર આરોપો હેઠળ પિયર-હેનરી ચુએટ સામે તપાસનો કેસ મોકલ્યો હતો. આ પ્રાથમિક તપાસના આધારે જ તાજેતરમાં તેની અટકાયત અને પૂછપરછ કરવામાં આવી હતી અને હાલમાં તેમની સામે સત્તાવાર ન્યાયિક તપાસ ચાલી રહી છે.
અન્ય પાયલોટ પર પણ લાગ્યા છે ચીની જાસૂસીના આરોપ
ચીનને મદદ કરવાનો આરોપ હોય તેવા પિયર-હેનરી ચુએટ પ્રથમ પશ્ચિમી સૈન્ય પાયલટ નથી. 2026ના અહેવાલો મુજબ અમેરિકી એજન્સીઓએ પણ ચીની સેનાને તાલીમ આપવાના આરોપસર ‘F-35’ વિમાનના એક ભૂતપૂર્વ પાયલટ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પશ્ચિમી દેશોએ સંયુક્ત ચેતવણી આપી હતી કે ચીનની સેના (PLA) પોતાની લશ્કરી તાકાત વધારવા માટે નાટો અને પશ્ચિમી દેશોના ભૂતપૂર્વ પાયલટોની સતત ભરતી કરી રહી છે.
જોકે, આ તમામ ગંભીર આક્ષેપો સામે ચુએટ પોતાનો બચાવ કરી રહ્યો છે અને તેણે ચીનને કોઈ ગોપનીય માહિતી આપી હોવાનો ઈનકાર કર્યો છે. તેનું કહેવું છે કે તેમની ભૂમિકા માત્ર બે ટૂંકા સેમિનાર યોજવા પૂરતી જ સીમિત હતી.
રાહુલ ગાંધીએ પણ દોહરાવ્યો હતો પાકિસ્તાની એજન્ડા
‘ઑપરેશન સિંદૂર’ અંગે ચુએટે કરેલા દાવા ભારતમાં મોટા રાજકીય વિવાદનું કારણ બન્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ દાવાઓના આધારે પાકિસ્તાન પાસે રાફેલ તોડી પાડવાના પુરાવા માંગવાને બદલે ભારત સરકાર સામે જ સવાલો ઉઠાવીને પાકિસ્તાની એજન્ડાને આગળ વધાર્યો હતો.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાના સમયે રાહુલ ગાંધીએ પાકિસ્તાનના પ્રોપગેન્ડા જેવા સવાલોને હવા આપી હતી. પાકિસ્તાન પાસે પુરાવા માંગવાને બદલે સરકાર પાસેથી જવાબો માંગીને તેમણે સંવેદનશીલ સમયે દુશ્મન દેશના દાવાઓને બળ પૂરું પાડ્યું હતું.
બીજી તરફ ભાજપે ભારતીય વાયુસેનાના તમામ 36 રાફેલ વિમાનો માટે બહાર પાડેલા એક ટેન્ડરનો (RFP) હવાલો આપ્યો છે. આ ટેન્ડર તમામ 36 વિમાનોની જાળવણી માટે હોવાથી તે પાકિસ્તાનના એ દાવાને તદ્દન ખોટો સાબિત કરે છે કે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતના રાફેલ વિમાનો નષ્ટ થયાં હતાં.
વાયુસેનાના આ ટેન્ડરના આધારે ભાજપ દાવો કરે છે કે પાકિસ્તાનનું જૂઠ ખુલ્લું પડી ગયું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ હજુ પણ ઑપરેશન સિંદૂર દરમિયાન સરકારની કામગીરી અને નિર્ણયો સામે સવાલો ઉઠાવી રહ્યો છે.


