
2020ના ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંદુવિરોધી રમખાણ દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં કરકડડૂમા કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે. તાહિર હુસૈન ઉપરાંત કેસના અન્ય દોષિતોને પણ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ પહેલાં કોર્ટે તાહિર હુસૈન અને અન્ય ચાર આરોપીઓને હત્યા સહિતના વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા. સજા અંગેની દલીલો દરમિયાન દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે અંકિત શર્માને 51 ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને આ કેસ ‘રેરેસ્ટ ઑફ રેર’ હોવાથી દોષિતોને ફાંસીની સજા આપવામાં આવે.
સજાનો આદેશ સંભળાવતા એડિશનલ સેશન જજ પ્રવીણ સિંઘે દિલ્હી પોલીસની ફાંસીની સજાની માંગ ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે અંકિત શર્માની હત્યા અત્યંત ક્રૂર, ‘ઘૃણાસ્પદ અને હચમચાવી મૂકે તેવી’ હતી, પરંતુ તેમ છતાં આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીમાં મૂકી શકાય નહીં અને દોષિતો સુધરી શકે તેવી શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તેથી તાહિર હુસૈન અને અન્ય ચાર દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
આ કેસમાં તાહિર હુસૈન ઉપરાંત નઝીર, આસિમ, જાવેદ અને અનસને પણ હત્યા, રમખાણ, ગેરકાયદે ભેગા થવું, અપહરણ અને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા સહિતની વિવિધ IPC કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. FIR અંકિત શર્માના પિતા રવિન્દ્ર કુમારે નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તાહિર હુસૈન અને તેના સાથીદારોએ અંકિત શર્માની હત્યા કરીને તેમનો મૃતદેહ ચાંદબાગ પાસે ખજુરી ખાસ નાળામાં ફેંકી દીધો હતો.
Delhi | Karkardooma Court awarded life imprisonment to former AAP councillor Tahir Hussain in the murder case of IB official Ankit Sharma during the 2020 Northeast Delhi riots pic.twitter.com/Zc20npeIBi
— ANI (@ANI) July 31, 2026
સજા સંભળાવતા કોર્ટે નોંધ્યું હતું કે અંકિત શર્માની હત્યા અત્યંત ક્રૂર હતી અને આ ગુનો માત્રને માત્ર ધર્મના આધારે કરવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે અંકિત શર્માના મૃતદેહને પશુની જેમ ઘસડીને લઈ જવામાં આવ્યો હતો અને તેમની સાથે જે બર્બરતા આચરવામાં આવી હતી તે ઘૃણાસ્પદ અને હચમચાવી મૂકે તેવી હતી.
અંકિત શર્માની 25 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેમનો મૃતદેહ ચાંદબાગ વિસ્તારનાં નાળામાંથી મળી આવ્યો હતો. કોર્ટે અગાઉ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે તાહિર હુસૈન સશસ્ત્ર ટોળાનો ભાગ હતો અને અંકિત શર્મા પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો.

