
બૉમ્બે હાઇકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પોતાના વિશે ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવતા ડીપફેક અને એઆઈ કન્ટેન્ટ મામલે મેટા, ગૂગલ, X સહિતની કંપનીઓ અને અન્ય યુઝરો સામે કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે.
ગડકરીએ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ માટે તેમને અંગત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમને જવાબદાર ગણાવીને વ્યક્તિગત છબીને નુકસાન પહોંચાડવા માટે તેમને અને તેમના પરિજનોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે.
ગડકરીએ લેટર્સ પેટન્ટના ક્લોઝ 12 હેઠળ અરજી દાખલ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયા ત્યારે કરવી પડે છે જ્યારે કેસ સંબંધિત અમુક ઘટનાઓ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર બની હોય. આ સંજોગોમાં જે-તે કોર્ટમાં કેસ ચલાવવા માટે કોર્ટની મંજૂરી અનિવાર્ય હોય છે.
ગડકરીના વકીલે દલીલ કરતાં કહ્યું કે ઈન્ટરનેટ પર ગડકરી વિશે જે કંઈ ડીપફેક અને AI કન્ટેન્ટ છે એ બધે ઉપલબ્ધ છે, જેમાં મુંબઈ પણ આવી જાય છે. આ કન્ટેન્ટ બૉમ્બે હાઇકોર્ટના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં પણ ઉપલબ્ધ હોવાથી કોર્ટ કાર્યવાહી કરી શકે છે અને કેસ સાંભળી શકે છે. આ દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે પિટિશન દાખલ કરવાની મંજૂરી આપી હતી. હવે આગામી સમયમાં અરજી પર સુનાવણી. થશે.
નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઈન્ટરનેટ પર એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી તેમને અને તેમના પરિવારને ફાયદો પહોંચશે. પરંતુ આ આરોપો તદ્દન ખોટા, મલિન ઇરાદાપૂર્વકના અને તથ્યવિહોણા છે. અરજીમાં કહેવામાં આવ્યું કે સોશિયલ મીડિયા પર એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે ગડકરીએ તેમના અંગત ફાયદા માટે મંત્રીપદનો દુરુપયોગ કર્યો છે, જે સીધી રીતે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ છે.
અરજીમાં તેમણે ડિપફેક અને અપમાનજનક કન્ટેન્ટ હટાવવા માટે આદેશ આપવાની માંગ કરી છે, જેમાં અપમાનજનક અને તથ્ય વગરની સોશિયલ મીડિયા પોસ્ટ, ટ્વિટ, રીલ, વિડીયો અને અન્ય સામગ્રીનો પણ સમાવેશ થાય છે.
ગડકરીએ પ્રતિવાદીઓમાં મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ), X (અગાઉનું ટ્વિટર), ગૂગલ અને યુટ્યુબ તેમજ કેન્દ્રીય આઈટી મંત્રાલય અને ટેલિકમ્યુનિકેશન વિભાગ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. સાથે અજાણ્યા ક્રિએટરોનો પણ ઉલ્લેખ છે. આ માનહાનિ બદલ ₹11 કરોડના વળતરની માંગ કરવામાં આવી છે.
સાથે તેમણે કહ્યું છે કે આ કેસનો અર્થ ક્યાંય એવો નથી કે તેઓ પોતાના કામ પર થતી ચર્ચાઓની વિરુદ્ધ છે. ટીકા-ટિપ્પણીઓ અને તથ્ય આધારિત થતા આકલન સામે પોતાને કોઈ વાંધો નથી એવી પણ સ્પષ્ટતા ગડકરીએ કરી છે.

