ઇન્સ્ટાગ્રામથી ફેલાવતો જેહાદ, પયગંબરનું કથિત અપમાન કરનારાઓના ટાર્ગેટ કિલિંગનું કાવતરું: નવસારીથી પકડાયેલા આતંકી ફૈઝાન સલમાની સામે NIAની ચાર્જશીટ

ગુજરાત ATS દ્વારા આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પહેલાં 25 જાન્યુઆરીએ નવસારીમાંથી ઝડપાયેલા ફૈઝાન ઉર્ફે ફૈઝાન શકીલ સલમાની સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી નવસારીમાં દરજી તરીકે કામ કરતો સલમાની જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંકળાયેલી ઑનલાઇન રેડિકલાઇઝેશનના કાવતરાંમાં સામેલ હોવાનો આરોપ છે. NIAએ તેની સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદો (UAPA), ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

NIAના જણાવ્યા અનુસાર ગુજરાત ATS પાસેથી કેસ હાથમાં લીધા બાદ થયેલી તપાસમાં સામે આવ્યું કે સલમાની કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાની સાજિશનો ભાગ હતો અને આ કાવતરાંને આગળ વધારવા માટે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના એક ઑપરેટિવના સંપર્કમાં હતો. તપાસમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તે ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાના હેતુથી હિંસક જેહાદ અને સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપતો હતો.

આ કેસની શરૂઆત જાન્યુઆરી 2026માં ગુજરાત ATSની કાર્યવાહીથી થઈ હતી. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલાં, 25 જાન્યુઆરીએ ATSએ નવસારીમાંથી ફૈઝાન સલમાનીની ધરપકડ કરી હતી. ATSનો આરોપ હતો કે તે ‘લોન વુલ્ફ’ તરીકે કામ કરી રહ્યો હતો અને પયગંબરનું કથિત અપમાન કરનાર વ્યક્તિઓની ઓળખ કરીને તેમની ટાર્ગેટ કિલિંગ કરવાની યોજના ઘડી રહ્યો હતો. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હોવાનું ATSએ જણાવ્યું હતું કે સલમાની અને તેનો સાગરિત મોહમ્મદ અબુ બકર જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત હતા અને જેહાદના નામે કાશ્મીર તથા લદ્દાખને ભારતથી અલગ કરવાની વિચારધારા ફેલાવી રહ્યા હતા.

ATSની ટેક્નિકલ તપાસ દરમિયાન સલમાનીનું ‘al.faijangaza’ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે આવ્યું હતું. ત્યારબાદ તેના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોની તપાસમાં જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના સમર્થનમાં લખાણ, ઉશ્કેરણીજનક વિડીયો, કટ્ટરપંથી ભાષણોની ઓડિયો ફાઇલો, કાશ્મીર સંબંધિત પ્રચાર સામગ્રી અને પ્રતિબંધિત સંગઠનોનું સાહિત્ય મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે તેના ઉપકરણોમાં કેટલાક વ્યક્તિઓના ફોટોગ્રાફ્સને નિશાન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા તેમજ ભારત વિરુદ્ધ જેહાદને પ્રોત્સાહન આપતી સામગ્રી પણ મળી આવી હતી.

ગુજરાત ATSએ સલમાની પાસેથી એક દેશી પિસ્તોલ અને છ જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે ઉત્તર પ્રદેશમાં એક અજાણી વ્યક્તિ પાસેથી આ હથિયાર ખરીદ્યાની કબૂલાત કરી હોવાનું ATSએ જણાવ્યું હતું. ઉપરાંત, તેની પાસેથી અરબી અને ઉર્દૂ ભાષામાં લખાયેલું એવું સાહિત્ય પણ મળ્યું હતું, જેનો અનુવાદ કર્યા બાદ જેહાદ માટે ઉશ્કેરણી અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાં ભરતી કરવા માટેની સામગ્રી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન સલમાનીના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર મોહમ્મદ અબુ બકર નામના વ્યક્તિ સાથેના સંપર્કો પણ સામે આવ્યા હતા. ATSના જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામના એક ગ્રુપમાં પયગંબરનું અપમાન કર્યાનો આરોપ લગાવવામાં આવેલા લોકોના ફોટોગ્રાફ્સ અને નામ શેર કરીને તેમની હત્યા કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવતી હતી. સલમાની આ સામગ્રી અન્ય લોકોને પણ મોકલતો હતો અને ષડ્યંત્રનો ભાગ બન્યો હતો.

ફેબ્રુઆરી 2026માં આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ એજન્સીએ તેને ફરીથી નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી હતી. NIAના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું કે સલમાની પોતાના ઑનલાઇન હેન્ડલરના નિર્દેશ પર નબળા અને સરળતાથી પ્રભાવિત થઈ શકે એવા યુવાનોને કટ્ટરપંથી બનાવતો હતો. તે હિંસક જેહાદ અને સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર વિડીયો અને અન્ય સામગ્રી અપલોડ કરતો હતો. તેની ડિજિટલ ડિવાઇસમાંથી મળેલા વિડીયો, ફોટોગ્રાફ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે હવે NIAએ તેની સામે સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

NIAએ જણાવ્યું છે કે આ સમગ્ર કાવતરાંમાં સામેલ અન્ય લોકો, ખાસ કરીને સલમાનીના ઑનલાઇન હેન્ડલરની ઓળખ અને તેની ભૂમિકા અંગેની તપાસ હજુ પણ ચાલુ છે.