
દિલ્હીના જંતર-મંતર ખાતેના CJP વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવતીનાં મોતનો ખોટો દાવો કરતી પોસ્ટ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આરોપમાં સુરતના વરાછા વિસ્તારના એક વિડીયો ક્રિએટરની ગુજરાત સાયબર સેલે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવી લોકોમાં અફવા અને ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ 23 જુલાઈએ એક ફેસબુક એકાઉન્ટ પરથી યુવતીનો ફોટો શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન તેનું મોત થયું હતું. પોસ્ટમાં યુવતીને શ્રદ્ધાંજલિ પાઠવતો સંદેશ પણ લખવામાં આવ્યો હતો. જોકે બાદમાં તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું હતું.
સાયબર સેલે તપાસ દરમિયાન દિલ્હી પોલીસ અને સરકારના અધિકૃત ફેક્ટચેક પ્લેટફોર્મ સાથે વિગતો ચકાસી હતી. તપાસમાં સામે આવ્યું કે જંતર-મંતર ખાતે આવી કોઈ ઘટના બની જ નહોતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલી પોસ્ટ તથા વિડીયો સંપૂર્ણપણે બનાવટી હતાં. પોલીસે જણાવ્યું કે કોઈ અધિકૃત ન્યુઝ પ્લેટફોર્મ ન હોવા છતાં ન્યુઝ તરીકે આવી ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.
તપાસના આધારે સાયબર સેલે ફેસબુક એકાઉન્ટધારક આદિત્ય નરેશભાઈ બારૈયાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આદિત્ય વ્યવસાયે ફેશન વિડીયો ક્રિએટર છે અને તેણે માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઇરાદાથી આ બનાવટી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
વધુમાં આરોપી ફેશન વિડીયો ક્રિએટર તરીકે કામ કરે છે અને ‘Kem Cho Gujarat GJ-05’ નામનું ફેસબુક પેજ ચલાવે છે. મૂળ તે તળાજાનો રહેવાસી છે અને હાલ વરાછા ખાતે રહે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ જ પેજ પરથી જંતર-મંતર ખાતે યુવતીનાં મોતનો ખોટો દાવો કરતી પોસ્ટ અને વિડીયો શેર કરવામાં આવ્યાં હતાં. પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે તેની ઓળખ કરી ધરપકડ કરી છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની ભ્રામક પોસ્ટ લોકોમાં અફવા, ઉશ્કેરાટ અને વૈમનસ્ય ફેલાવી જાહેર શાંતિ ભંગ કરી શકે છે. આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

