
ભાવનગરના સિદસર વિસ્તારમાં આવેલા 25 વારીયા હાઉસિંગ બોર્ડમાં ચાલતા એક ગેરકાયદે મદરેસાનો દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત સર્ચ ઑપરેશન દરમિયાન પર્દાફાશ થયો છે. 21 જુલાઈના રોજ હાથ ધરાયેલા આ મેગા કોમ્બિંગ ઑપરેશન દરમિયાન પોલીસે 26 વર્ષીય મૌલાના મોહમ્મદ શફીક અબ્બાસભાઈ મરેડિયાની ધરપકડ કરી હતી. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ તંત્ર સહિત સુરક્ષા એજન્સીઓ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112નો ઉપયોગ ગેરકાયદેસર રીતે મદરેસા ચલાવવા માટે કરવામાં આવતો હતો. સરકારી નિયમો અનુસાર હાઉસિંગ બોર્ડની આ મિલકતોનો ઉપયોગ કોઈ પણ મજહબી કે સાર્વજનિક હેતુ માટે કરી શકાતો નથી તેમજ તેનું વેચાણ પણ થઈ શકતું નથી. તેમ છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને આ ત્રણ ઓરડાઓમાં ગેરકાયદેસર રીતે મજહબી શિક્ષણ આપવાના નામે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી.
હિંદુ દેવી-દેવતાઓ સામે વાંધાજનક લખાણ અને મજહબી યુદ્ધનું ષડયંત્ર
દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ઉર્દૂ અને અરબી ભાષામાં લખાયેલાં 15 જેટલાં પુસ્તકો તેમજ મૌલાનાના હાથથી લખાયેલી 60 પેજની ડાયરી સહિતનું કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું છે. ભાવનગર ગ્રામ્યના એએસપી (ASP) ઘનશ્યામ ગૌતમે જણાવ્યા મુજબ આ સાહિત્યના ભાષાંતર દરમિયાન હિંદુ ધર્મના દેવી-દેવતાઓ માટે અત્યંત અપમાનજનક શબ્દો, ‘મજહબી યુદ્ધ’ (Religious War), એકઠા થવાની વાતો અને ગુપ્ત ફોજ બનાવવાનું આયોજન હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે મૌલાના મોહમ્મદ શફીક ઑક્ટોબર 2023-24થી આ વિસ્તારમાં સક્રિય હતો અને ગરીબ વર્ગનાં બાળકો તેમજ તેમના વાલીઓને નાણાકીય સહાય અને વિવિ ધપ્રલોભનો આપીને ટાર્ગેટ કરતો હતો. મદરેસામાં ભણતા માસૂમ બાળકોની નોટબુક્સમાંથી પણ મજહબી વૈમનસ્ય ફેલાવે અને દેશની રાષ્ટ્રીય અખંડતતા તથા કોમી એકતાને નુકસાન પહોંચાડે તેવાં વાંધાજનક લખાણો મળી આવ્યાં છે.
ફંડિંગ પૂરું પાડનારા ભાવનગરના 2 સ્થાનિક શખ્સો જેલહવાલે
આ કટ્ટરપંથી નેટવર્ક પાછળ માત્ર પુસ્તકો જ નહીં પરંતુ ફંડિંગ પણ સામેલ હતું. મૌલાનાને ભાવનગરમાં લાવવા અને આ ગેરકાયદે મદરેસા ચલાવવા માટે દર મહિને આર્થિક ફંડિંગ પૂરું પાડનારા ભાવનગરના જ બે આરોપીઓ યુસુફ આરીફનાઈ મારફાણી (26) અને અનસ મોહંમદસીદીક લાખાણીની (24) SOGએ ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ હાલમાં જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે મૂળ બનાસકાંઠાના બાદરગઢનો વતની મૌલાના મોહમ્મદ શફીક ભાવનગર આવ્યા પહેલાં ભરૂચના જંબુસરમાં રહીને મજહબી શિક્ષણ મેળવતો હતો. ભરૂચથી જ તેને ભાવનગર લાવવામાં આવ્યો હોવાથી તેના તાર અન્ય કોઈ મોટા કટ્ટરપંથી નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ તે શોધવા માટે ભાવનગર SOGની ખાસ ટુકડી મૌલાનાને સાથે રાખીને ભરૂચ પહોંચી છે. સ્થાનિક SOGની મદદથી ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
BNS હેઠળ FIR અને FSL તપાસ
આ મામલે વરતેજ પોલીસ મથકે મૌલાના શફીક સામે BNS ની કલમ 196(1)(એ), 196(1)(બી), 196(2), 197(1)(સી), 197(1)(ડી), 197(2), 299, 3(5) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલાં તમામ વાંધાજનક પુસ્તકો, ડાયરીઓ અને નોટબુક્સને વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ ઉપરાંત કોર્ટે મૌલાનાના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. દેશની સુરક્ષા સામે ઊભા થયેલા આ ખતરાને ધ્યાનમાં રાખીને દેશની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પણ મૌલાનાની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. હાલમાં પોલીસ સિદસરના સ્થાનિક રહીશો અને મદરેસામાં આવતા બાળકોના વાલીઓના સત્તાવાર નિવેદનો નોંધી રહી છે.

