રથયાત્રા પહેલાં પાટણમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે ઇકબાલ, અશરફ સહિત છની ધરપકડ

રથયાત્રા પહેલાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે ત્યારે પાટણમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક ઑપરેશન પાર પાડીને કુલ 6 શખ્સની  ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી હથિયાર બનાવવાની સામગ્રી મળી આવી છે.

આરોપીઓની ઓળખ મઝરહુસૈન સૈયદ, ઇકબાલ ખાન મલેક, અશરફ ખાન મલેક, નસીબખાન મલેક, હનીફ ભટ્ટી અને મોબીન ગની તરીકે થઈ છે. તમામ પાટણના જુદા-જુદા જિલ્લાઓના રહેવાસી છે.

પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સો ગેરકાયદેસર હથિયારો રાખે છે. ત્યારબાદ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓ પાસેથી 5 કટ્ટા, 4 કારતૂસ અને હથિયાર બનાવવાની અન્ય સામગ્રી પકડાઇ હતી.

ઉલ્લેખનીય છે કે આગામી 16 જુલાઈના રોજ રથયાત્રા યોજાનાર છે, તે પહેલાં ગુજરાત પોલીસ એલર્ટ પર છે અને રાજ્યભરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ ગુજરાત ATSએ રાજ્યવ્યાપી દરોડા પાડીને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને પકડી લીધા હતા, જેમાંથી એક શખ્સ પાટણમાંથી પણ પકડાયો હતો.