
ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ મંદિરના દાનની રકમમાં ગેરરીતિના આરોપો બાદ તપાસ શરૂ થતાં બદ્રીનાથ-કેદારનાર મંદિર સમિતિના એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની સામે એક FIR પણ દાખલ થઈ છે.
આ મામલે તપાસ માટે ગત સપ્તાહે એક ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ મંગળવારે (7 જુલાઈ) પોતાની તપાસ શરૂ કરી. પહેલી કાર્યવાહીના ભાગરૂપે એક કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી છે.
BKTC ચેરમેન હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે સસ્પેન્ડ કરવામાં આવેલ કર્મચારી પ્રમોદ નૌટિયાલ સમિતિમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કરતો હતો. પ્રાથમિક તપાસમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે ઉમેર્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મંદિર સમિતિ ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરશે અને તપાસ દરમ્યાન અન્ય કોઈ દોષી જણાય તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
Uttarakhand | A case has been registered against Pramod Nautiyal, Personal Assistant posted in the Office of the Chairman of the Badrinath-Kedarnath Temple Committee (BKTC), at Badrinath Police Station in connection with alleged irregularities related to donations and offerings…
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 8, 2026
પ્રમોદ નૌટિયાલ વિરુદ્ધ બદ્રીનાથ પોલીસ મથકે મંદિર સમિતિ તરફથી જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 અને 316(5) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
FIRમાં જણાવવામાં આવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મંદિરના દાનની અમુક રકમ ગેરકાયદેસર રીતે બીજે ટ્રાન્સફર કરવામાં આવી હતી. પ્રમોદ સામે આરોપ છે કે તેણે મંદિરના દાનની રકમ વ્યક્તિગત ઉપયોગ માટે વાપરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.
આ મામલે 3 જુલાઈના રોજ જ સમિતિએ પ્રમોદ નૌટિયાલને એક શો કૉઝ નોટિસ ફટકારી હતી. ત્યારબાદ તપાસમાં પણ તેની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સમિતિનું કહેવું છે કે તેને પદ પર યથાવત રાખવાથી તપાસ પર અસર પડી શકે છે.
મંદિર સમિતિએ શરૂ કરી તપાસ, સરકારે પણ બનાવી SIT
હાલ મંદિર સમિતિની ખાસ પેનલ CCTV ફૂટેજ ચકાસી રહી છે તેમજ મંદિરમાં કામ કરતા કર્મચારીઓનાં નિવેદનો પણ લેવામાં આવી રહ્યાં છે. સાથે અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ રિપોર્ટ સુપરત કરાશે. મંદિર સમિતિએ જણાવ્યું છે કે તમામ રેકર્ડ તપાસ માટે રજૂ કરવામાં આવશે.
બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ બદ્રીનાથ મંદિરના દાન મુદ્દે લાગેલા આરોપોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડ સરકારની આ સમિતિ પણ પોતાની રીતે તપાસ કરીને રાજ્ય સરકારને અહેવાલ સોંપશે. જેના માટે સમિતિને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
સમગ્ર મામલો ભૈરવ સેના નામના એક સંગઠનની ફરિયાદ બાદ સામે આવ્યો હતો. સંગઠને બદ્રીનાથ મંદિરના દાનની રકમમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ નોંધાવીને FIR દાખલ કરવાની અને વિગતવાર તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ આ મામલે સમિતિ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સમિતિની તપાસ હાલ ચાલુ છે.

