પશ્ચિમ બંગાળ: 11 વર્ષની સગીરાના ગેંગરેપ-મર્ડર કેસનો આરોપી એનકાઉન્ટરમાં ઠાર

પશ્ચિમ બંગાળના કોલકાતા નજીક આવેલા બરુઈપુરમાં 11 વર્ષની બાળકીના સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલને બુધવારે મોડી રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ તેને તપાસના ભાગરૂપે ઘટનાસ્થળે લઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિએ આશરે 12:45 વાગ્યે પોલીસ ટીમ આરોપી પ્રભાસને સૂરજ્યાપુર હાટ વિસ્તારમાં ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. ત્યાં પહોંચતાં જ આરોપીએ અચાનક એક પોલીસ અધિકારીની બંદૂક આંચકી લીધી હતી અને પોલીસ ટીમ પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ અચાનક થયેલા હુમલાના જવાબમાં પોલીસે આત્મરક્ષણમાં જવાબી ફાયરિંગ કર્યું હતું, જેમાં પ્રભાસ મંડલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક બરુઈપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બરુઈપુરના SPએ આ એન્કાઉન્ટરની સત્તાવાર પુષ્ટિ કરી છે.

શું છે સમગ્ર મામલો

આ સમગ્ર મામલો ગત અઠવાડિયે શરૂ થયો હતો. 4 જુલાઈના રોજ 11 વર્ષની બાળકી ગુમ થઈ હતી જેનો મૃતદેહ રવિવારે એક કોથળામાંથી મળી આવ્યો હતો. બાળકીના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. તેના પ્રાઇવેટ પાર્ટસ તેમજ શરીર પર બચકાં ભરવાનાં અને ઉઝરડાનાં નિશાન હતાં. આ ઉપરાંત તેના માથા પર કોઈ ભારે વસ્તુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જીવતી જ પાણીમાં ફેંકી દેવામાં આવી હતી, જેના કારણે ડૂબી જવાથી અને વધુ પડતા રક્તસ્ત્રાવથી તેનું મોત થયું હતું. બાળકીનો મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તાઓ બ્લોક કરીને વાહનોની તોડફોડ કરી હતી. આ હિંસા દરમિયાન, બાળકીની હત્યામાં સામેલ હોવાની શંકાના આધારે ગુસ્સે ભરાયેલા ટોળાએ ઇન્દ્રજીત મંડલ નામના એક યુવકને મોબ લિંચિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પીડિત પરિવારની મુલાકાત લઈને ન્યાયની ખાતરી આપી છે. તેમણે પોલીસ વડાને 72 કલાકમાં રિપોર્ટ સોંપવા અને બેદરકાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિ અને રેલ્વે ટ્રેકને નુકસાન પહોંચાડનારા આશરે 200 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવશે. આ કેસની તપાસ માટે 6 સભ્યોની SITની રચના કરવામાં આવી છે અને અન્ય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.