
દિલ્હીના 2020ના હિંદુવિરોધી રમખાણોના ષડ્યંત્ર (Larger Conspiracy) કેસમાં આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે (4 જુલાઈ) દિલ્હીની કરકડડૂમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ સમીર બાજપેઈએ બંનેની નવી જામીન અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે તે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશથી બંધાયેલી છે અને હાલ અરજીઓ પર વિચાર કરી શકાય તેમ નથી.
ઉમર ખાલિદ અને શરજીલ ઇમામે નવી જામીન અરજીમાં દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026માં જામીન નકાર્યા બાદ છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ટ્રાયલમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. હજુ સુધી ચાર્જ અંગેની દલીલો પણ પૂર્ણ થઈ નથી અને બંને લગભગ છ વર્ષથી જેલમાં છે. આથી બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને નિયમિત જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
શું હતી બચાવ પક્ષની દલીલ?
ઉમર ખાલિદ તરફથી સિનિયર એડવોકેટ ત્રિદીપ પાઈસે દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના ‘સૈયદ ઇફ્તીખાર અંદ્રાબી’ કેસ બાદ કાનૂની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે UAPA હેઠળ ટ્રાયલમાં અસાધારણ વિલંબના મુદ્દે સુપ્રીમ કોર્ટની બીજી બેંચે અગાઉના ચુકાદા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
શરજીલ ઇમામ તરફથી વકીલ તાલિબ મુસ્તફાએ દલીલ કરી હતી કે બંને લગભગ છ વર્ષથી જેલમાં છે અને ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. તેમણે એવો પણ મુદ્દો ઉઠાવ્યો કે એક વર્ષ સુધી નવી જામીન અરજી ન કરવાની શરત (embargo) પોતે જ સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સમક્ષ વિચારાધીન છે.
દિલ્હી પોલીસે કર્યો વિરોધ
બીજી તરફ દિલ્હી પોલીસે જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે 5 જાન્યુઆરી 2026ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોઈ નોંધપાત્ર બદલાયેલી પરિસ્થિતિ નથી. ઉપરાંત ઉમર ખાલિદની રિવ્યૂ પિટિશન પણ એપ્રિલ 2026માં ફગાવી દેવામાં આવી ચૂકી છે. તેથી ટ્રાયલ કોર્ટ પાસે સુપ્રીમ કોર્ટના આદેશથી વિપરીત જઈને જામીન આપવાનો અધિકાર નથી.
કોર્ટે શું કહ્યું?
કોર્ટના ઓર્ડરમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે ગુલ્ફિશા ફાતિમા અને સૈયદ ઇફ્તીખાર અંદ્રાબી કેસોના ચુકાદાઓ વચ્ચેના કાનૂની મતભેદનો મુદ્દો પહેલેથી જ સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે. જ્યાં સુધી મોટી બેંચ આ મુદ્દે નિર્ણય ન આપે, ત્યાં સુધી ટ્રાયલ કોર્ટ આ અરજીઓ પર કોઈ નિર્ણય લઈ શકે નહીં.
કોર્ટે વધુમાં કહ્યું કે તેને 5 જાન્યુઆરી 2026ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવું ફરજિયાત છે. તે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે પ્રોસિક્યુશન દ્વારા દર્શાવવામાં આવેલા પ્રોટેક્ટેડ સાક્ષીઓની જુબાની પૂર્ણ થયા બાદ અથવા તે આદેશના એક વર્ષ પૂર્ણ થયા બાદ, જે પહેલાં બને તે સમયે, બંને આરોપીઓ ફરી જામીન માટે અરજી કરી શકશે.
આથી ટ્રાયલ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું કે હાલની જામીન અરજીઓ મેન્ટેનેબલ નથી અને તેથી તેને ફગાવી દેવામાં આવે છે. સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ આદેશ કેસના ગુણદોષ (merits) અંગે કોઈ અભિપ્રાય વ્યક્ત કરતો નથી.
શું છે આખો કેસ?
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલી FIR-59/2020 હેઠળ ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત અનેક સામે 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના મોટા ષડ્યંત્રનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતા (હવે BNSના અનુરૂપ જોગવાઈઓ) ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ પણ ગંભીર કલમો લગાવવામાં આવી છે.
આ કેસમાં જાન્યુઆરી 2026માં સુપ્રીમ કોર્ટે ગલ્ફિશા ફાતિમા સહિત કેટલાક અન્ય આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ UAPA હેઠળ ટ્રાયલમાં વિલંબને આધારે જામીન આપવાના કાનૂની માપદંડ અંગે ઉભા થયેલા મતભેદને સુપ્રીમ કોર્ટે મોટી બેંચ સમક્ષ મોકલ્યો છે. તે મુદ્દે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બંને આરોપીઓને રાહત મળવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.

