
ભારત સરકારે સરહદપારના આતંકવાદ સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967ની કલમ 35 હેઠળ 23 પાકિસ્તાન સ્થિત આતંકી ઑપરેટિવ્સને સત્તાવાર રીતે ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ તમામના નામ ગેઝેટ નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલય અનુસાર યાદીમાં સામેલ મોટાભાગના લોકો આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા છે. તેમના પર આતંકવાદીઓની ભરતી, તાલીમ, આતંકી હુમલાઓ માટે ફંડિંગ, હથિયારો પહોંચાડવાં, ઘૂસણખોરી કરાવવી અને ભારતમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે લોજિસ્ટિક્સ પૂરા પાડવા જેવા ગંભીર આરોપો છે.
યાદીમાં એવા અનેક આતંકીઓનો પણ સમાવેશ થાય છે, જેમના નામ અગાઉ NIAની તપાસમાં સામે આવ્યા હતા. તેમાં મસૂદ ઇલ્યાસ કાશ્મીરી અને મોહમ્મદ મુસદ્દિક જેવા JeM હેન્ડલર્સનો સમાવેશ થાય છે, જેઓ 2022ના સુનજવાન આર્મી કેમ્પ હુમલાના ષડ્યંત્ર સાથે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તે ઉપરાંત મુફ્તિ મુહમ્મદ અસગર ખાન, હાફિઝ અબ્દુલ શકૂર (કારી જરાર) અને અબ્દુલ્લા જેહાદી જેવા આતંકીઓના નામ પણ સામેલ છે, જેમના પર 2016ના નાગરોટા આર્મી કેમ્પ હુમલા સહિત અનેક આતંકી ષડ્યંત્રોમાં સંડોવણીના આરોપ છે.
લશ્કર-એ-તૈયબા અને તેના પ્રોક્સી સંગઠન TRF સાથે જોડાયેલા ફિરદૌસ અહમદ ભટ અને બિલાલ અહમદ મીર સહિતના ઑપરેટિવ્સને પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. તેમના પર સરહદપારથી ઘૂસણખોરી કરાવવી, ભારતમાં હથિયારો પહોંચાડવાં અને આતંકવાદી હુમલાઓનું સંકલન કરવાનો આરોપ છે.
2019માં UAPAમાં કરાયેલા સુધારા બાદ કેન્દ્ર સરકારને માત્ર સંગઠનો જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે પણ કોઈને ‘આતંકવાદી’ જાહેર કરવાની સત્તા મળી હતી. હાલની કાર્યવાહી પણ એ જ જોગવાઈ હેઠળ કરવામાં આવી છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘પ્રહાર’ (PRAHAAR) નામની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જાહેર કર્યા બાદ આતંકી નેટવર્ક સામે આ સૌથી મોટી કાર્યવાહી પૈકીની એક માનવામાં આવી રહી છે. સરકાર સતત ‘ઝીરો ટોલરન્સ ટુ ટેરરિઝમ’ની નીતિ હેઠળ આતંકી માળખાં અને તેમના સંચાલકો સામે કાર્યવાહી કરી રહી છે.

