ચીનના તિબેટ પરના કબજાના વિરોધમાં ન્યૂયોર્કનાં UN મુખ્યાલય બહાર તિબેટીયન કાર્યકર્તાનું આત્મવિલોપન, સારવાર દરમિયાન થયું મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય નજીક એક તિબેટીયન વ્યક્તિએ આત્મવિલોપન કર્યું હોવાની ઘટના સામે આવી છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર સાંજે લગભગ 6:30 વાગ્યે તેમને એક વ્યક્તિએ પોતાને આગ ચાંપી હોવાની જાણ થઈ હતી. ગંભીર રીતે દાઝેલા વ્યક્તિને તરત જ બેલવ્યૂ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી.

નિર્વાસિત તિબેટીઓના મીડિયા પ્લેટફોર્મ વૉઇસ ઑફ તિબેટ અને તિબેટી કાર્યકરોએ મૃતકની ઓળખ લોબગા રાંગઝેન તરીકે થઈ છે. તેમના જણાવ્યા અનુસાર રાંગઝેને તિબેટની સ્વતંત્રતા અને એકતા માટે અપીલ કરતા UN મુખ્યાલય બહાર આત્મવિલોપન કર્યું હતું. સ્થાનિક અહેવાલો અનુસાર તેઓ વ્યવસાયે ઉબર ડ્રાઇવર હતા અને ઘટનાસ્થળે તિબેટનો ધ્વજ લઈને પહોંચ્યા હતા.

આત્મઘાતી પગલાં પાછળ ચીની ‘એથનિક યુનિટી લો’ જવાબદાર હોવાનું કહેવાય છે, જે આ અઠવાડિયે જ અમલમાં આવ્યો છે. આ કાયદો બેઇજિંગને સરહદ બહારના લોકો સામે પણ કાયદાકીય પગલાં લેવાની સત્તા આપે છે. આ કાયદા હેઠળ તિબેટીયનો અને ઉઇગુર સહિતના 55 વંશીય લઘુમતી જૂથો વચ્ચે એક ‘સિયર્ડ’ (સહિયારી) રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેનો વિશ્વભરના તિબેટીયનો સખત વિરોધ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ચીને વર્ષ 1950માં તિબેટ પર પોતાનો કબજો જમાવ્યો હતો, જેને ચીન સામંતશાહીમાંથી ‘શાંતિપૂર્ણ મુક્તિ’ ગણાવે છે. જોકે, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જૂથો અને દેશનિકાલ કરાયેલા તિબેટીયનો તિબેટમાં ચીનના શાસનને અત્યાચારપૂર્ણ માને છે. ચીનમાં વંશીય લઘુમતીઓના મુદ્દાઓ અત્યંત સંવેદનશીલ છે અને કોઈપણ પ્રકારના અલગતાવાદને રોકવા માટે તિબેટીયનો પર સતર્ક નજર રાખવામાં આવે છે. વર્ષ 2012માં શી જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તિબેટ પર ચીનનું નિયંત્રણ વધુ કડક બન્યું છે.

ઇન્ટરનેશનલ કેમ્પેઇન ફોર તિબેટના અધ્યક્ષ ટેન્ચો ગ્યાત્સોએ લોબગા રાંગઝેનને તિબેટ માટે સતત અવાજ ઉઠાવનારા કાર્યકર ગણાવી તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર વર્ષ 2009થી 2022 દરમિયાન 150થી વધુ તિબેટીઓ આત્મવિલોપન કરી ચૂક્યા છે, જેમાંથી 10 ઘટનાઓ દેશનિકાલ દરમિયાન વિદેશમાં બની છે. હાલ ન્યૂયોર્ક પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.