‘સપ્તપદી વગર માત્ર મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય ન ગણાય’: ગુજરાત હાઇકોર્ટ, કહ્યું- હિંદુ વિવાહ માત્ર સામાજિક કરાર નથી પરંતુ એક સંસ્કાર છે

ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્ન સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) કોઈ હિંદુ લગ્નને કાયદેસર બનાવી શકતું નથી. કોર્ટે કહ્યું છે કે જો હિંદુ મેરેજ એક્ટ હેઠળ ફરજિયાત ધાર્મિક વિધિઓ, ખાસ કરીને જ્યાં સપ્તપદી જરૂરી હોય ત્યાં સાત ફેરાની વિધિ પૂર્ણ કરવામાં આવી ન હોય તો આવા લગ્ન કાયદાની નજરે માન્ય ગણાશે નહીં.

જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપતાં જણાવ્યું કે મેરેજ સર્ટિફિકેટ માત્ર પહેલેથી કાયદેસર રીતે સંપન્ન થયેલા લગ્નનો પુરાવો હોય શકે છે. તે પોતે કોઈ અમાન્ય લગ્નને માન્ય બનાવી શકતું નથી.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ યુનાઇટેડ કિંગડમમાં રહેતા એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ સાથે સંબંધિત હતો. અગાઉ ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે એક કથિત લગ્નને શૂન્ય (Null and Void) જાહેર કરવાની માંગ કરી હતી.

અરજદારના જણાવ્યા અનુસાર તેને આ કથિત લગ્ન વિશે ત્યારે જાણ થઈ જ્યારે સંબંધિત મહિલા તેનાં માતા-પિતા પાસે મેરેજ સર્ટિફિકેટ લઈને પહોંચી અને પોતે તેની કાયદેસરની પત્ની હોવાનું જણાવ્યું. વ્યક્તિએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેણે ક્યારેય મહિલા સાથે લગ્ન કર્યા નહોતા, હિંદુ ધર્મની કોઈપણ લગ્નવિધિ કરી નહોતી અને બંને ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં નહોતાં.

તેણે વધુમાં આરોપ મૂક્યો હતો કે તે મહિલાના પિતાની માલિકીની કંપનીમાં નોકરી કરતો હતો અને પ્રમોશન આપવાની લાલચ અથવા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને તેની પાસેથી લગ્ન સંબંધિત દસ્તાવેજો પર છેતરપિંડીથી સહી કરાવવામાં આવી હતી.

મહિલાએ કોર્ટમાં શું સ્વીકાર્યું?

સુનાવણી દરમિયાન મહિલાએ પોતાના લેખિત જવાબમાં જ સ્વીકારી લીધું હતું કે બંને વચ્ચે હિંદુ ધર્મ મુજબની કોઈ લગ્નવિધિ થઈ નહોતી. કોઈ કાયદેસર લગ્ન સંપન્ન થયા નહોતા અને બંને વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ પણ નહોતો. આ સ્પષ્ટ સ્વીકાર છતાં ફેમિલી કોર્ટે કહ્યું હતું કે નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ માન્ય લગ્ન હોવાનું અનુમાન ઉભું કરે છે. તેથી સમગ્ર મામલાની વિગતવાર ટ્રાયલ જરૂરી હોવાનું કહી અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

હાઇકોર્ટે શું કહ્યું?

ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે જ્યારે મહિલા પોતે જ સ્વીકારી ચૂકી છે કે હિંદુ લગ્ન માટે જરૂરી ધાર્મિક વિધિઓ થઈ નહોતી, ત્યારે પક્ષકારોને લાંબી ટ્રાયલમાંથી પસાર થવા માટે મજબૂર કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 7 અનુસાર હિંદુ લગ્ન ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે બંને પક્ષોમાંથી કોઈ એકના રિવાજો અને પરંપરા મુજબ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવે. કોર્ટે નોંધ્યું કે જ્યાં લગ્નવિધિમાં સપ્તપદીનો રિવાજ હોય, ત્યાં વર-વધૂ દ્વારા અગ્નિની સાક્ષીએ સાત પગલાં પૂર્ણ કર્યા પછી જ લગ્ન સંપૂર્ણ અને કાયદેસર બને છે.

ચુકાદામાં કોર્ટે જણાવ્યું:

કોર્ટે કહ્યું કે, “કલમ 7માં વપરાયેલ ‘Solemnized’ શબ્દનો અર્થ એ છે કે લગ્ન જરૂરી ધાર્મિક વિધિઓ અને યોગ્ય રીત-રિવાજો મુજબ સંપન્ન થવા જોઈએ. આવી વિધિઓ વિના કાયદાની નજરે કોઈ માન્ય હિંદુ લગ્ન અસ્તિત્વમાં આવતાં નથી.”

હાઇકોર્ટે જણાવ્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 8 હેઠળ થતું લગ્નનું રજિસ્ટ્રેશન માત્ર પહેલેથી કાયદેસર રીતે થયેલા લગ્નનો પુરાવો સરળ બનાવે છે. માત્ર રજિસ્ટ્રેશન થવાથી કોઈ વ્યક્તિ કાયદેસર પતિ-પત્ની બની જતાં નથી. એટલે કે જો મૂળ લગ્ન જ કાયદેસર રીતે સંપન્ન થયા ન હોય તો માત્ર મેરેજ સર્ટિફિકેટથી તેમને કાયદેસર લગ્નનો દરજ્જો મળી શકતો નથી.

સપ્તપદીનું ધાર્મિક મહત્વ પણ સમજાવ્યું

ચુકાદામાં કોર્ટે સપ્તપદીના ધાર્મિક અને વૈદિક મહત્વનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે ઋગ્વેદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સાતમું પગલું પૂર્ણ થયા બાદ વર વધૂને કહે છે કે, “આ સાત પગલાં સાથે આપણે મિત્ર બન્યા છીએ. હું તારી સાથે આ મિત્રતા પ્રાપ્ત કરું અને આ મિત્રતાથી ક્યારેય અલગ નહીં પડું.”

કોર્ટના જણાવ્યા અનુસાર હિંદુ લગ્ન માત્ર સામાજિક કરાર નથી પરંતુ એક ‘સંસ્કાર’ છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે લગ્ન માત્ર ‘ગીત-સંગીત, નૃત્ય, ભોજન સમારંભ’ કે કોઈ વ્યાવસાયિક લેવડદેવડનું નામ નથી. પરંતુ તે એવી પવિત્ર સંસ્થા છે જેમાં પુરુષ અને સ્ત્રી પરસ્પર સમાનતા અને સંમતિના આધારે આખું જીવન સાથે વિતાવી પરિવારની સ્થાપના કરવાનો સંકલ્પ કરે છે.

આખરે કોર્ટે શું આદેશ આપ્યો?

ગુજરાત હાઇકોર્ટે અંતે કથિત લગ્નને શૂન્ય (Null and Void) જાહેર કર્યા હતા. સાથે જ અરજદારને સંબંધિત સત્તાધિકારી સમક્ષ જઈ લગ્નનું રજિસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ રદ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપી હતી.