થોડા દિવસો અગાઉ યુદ્ધવિરામની ઘોષણા કર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી ધમાલ શરૂ થઈ છે. તાજેતરમાં બંને દેશોની સેનાઓએ એકબીજાનાં ઠેકાણાં પર હુમલા કર્યા. અમેરિકાએ ઈરાનમાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા બાદ ઈરાને આસપાસના દેશોમાં આવેલાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર બૉમ્બમારો કર્યો હતો. જોકે કોઈને ઝાઝું નુકસાન થયું નથી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “અમેરિકાનાં વિમાનોએ ઈરાનનાં મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાં અને કોસ્ટલ રડાર સાઇટ પર ફરીથી હુમલો કર્યો છે.” ટ્રમ્પે કારણ યુદ્ધવિરામ ઉલ્લંઘનનું જણાવ્યું અને કહ્યું કે ઈરાન ક્યારેય ભૂલોમાંથી શીખશે નહીં એમ લાગે છે. સાથે ધમકી આપીને કહ્યું કે એક તબક્કો એવો આવશે જ્યારે અમેરિકા દયા દાખવવાના સ્થાને પૂરેપૂરી સૈન્ય ક્ષમતા સાથે હુમલો કરી દેશે. ટ્રમ્પ કહે છે કે જો એવું થયું તો ઈરાન દુનિયાના નકશા પરથી નષ્ટ થઈ જશે.

આ તાજેતરની ધમાલ કઈ રીતે શરૂ થઈ?
યુદ્ધ શરૂ થયું ત્યારથી મધ્ય-પૂર્વમાં સેંકડોની સંખ્યામાં જહાજો ફસાયાં છે. યુદ્ધ દરમ્યાન અગત્યનો સમુદ્રીમાર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થઈ જવાના કારણે આ જહાજો બહાર નીકળી શક્યાં નથી. તાજેતરની અમેરિકા-ઈરાન વચ્ચેની ડીલ બાદ સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઈઝેશને આ જહાજો બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના માટે ઈરાન અને ઓમાનના દરિયામાંથી બે નવા રૂટ જાહેર કરવામાં આવ્યા, પરંતુ ઈરાને તેની સામે વાંધો ઉઠાવ્યો.
ઈરાને કારણ આપ્યું કે તેમની સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર આ રૂટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ 23 જૂનના રોજ બન્યો.
25 જૂનના રોજ ઓમાનના દરિયામાંથી પસાર થતા સિંગાપોરના ફ્લેગવાળા એક જહાજ ‘Ever Lovely’ પર એક ડ્રોન હુમલો થયો. આ હુમલો ઇરાને કર્યો હોવાનું કહેવાય છે. ઘટના ઓમાનના દહિત બંદરેથી દક્ષિણ પૂર્વમાં સાડા સાત નોટિકલ માઈલ દૂર બની હતી. જોકે હુમલામાં કોઈ ક્રૂને નુકસાન થયું ન હતું, જહાજને થોડુંઘણું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ તેના કારણે તમામ જહાજોને બહાર કાઢવાની પ્રક્રિયા ફરી એક વખત અટકી ગઈ. સંયુક્ત રાષ્ટ્રએ ઘોષણા કરી કે તેઓ આ પ્રક્રિયા અટકાવી રહ્યા છે.
આ ઘટના પછી 26મી જૂને અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો. કારણ આપવામાં આવ્યું જહાજ પર હુમલાનું. અમેરિકાએ આ હુમલાને MoUનું ઉલ્લંઘન ગણાવ્યો. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ અગાઉ પણ કહ્યું હતું કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું તો જવાબ વળતા હુમલા કરીને આપવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી સેનાએ ઈરાનમાં મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાં પર ફરી બૉમ્બમારો કર્યો.
અમેરિકા-ઈરાન શું કહી રહ્યાં છે?
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, “ઈરાન દ્વારા કમર્શિયલ શિપ પર કરવામાં આવેલો હુમલો એ સ્પષ્ટ રીતે યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે. ઉપરાંત ઈરાની સેનાના આ વર્તનના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોરિડોરમાં થતા વ્યાપારને પણ અસર પહોંચી છે અને ફ્રીડમ ઑફ નેવિગેશનનું પણ આ ઉલ્લંઘન છે. અમેરિકાએ કહ્યું કે તેઓ હોર્મુઝમાંથી પસાર થતાં કમર્શિયલ જહાજોને સેફ પેસેજ મળી રહે તે માટે મદદ કરતા રહેશે.
બીજી તરફ અમેરિકાના હુમલાને ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યો અને આસપાસના દેશોમાં આવેલાં અમેરિકી સૈન્ય ઠેકાણાંને ટાર્ગેટ કરવાનાં શરૂ કરી દીધાં. શનિવારે (27 જૂન) ઈરાને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકી સેનાએ શસ્ત્રવિરામ ઉલ્લંઘન કર્યા બાદ IRGCએ અમેરિકી સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવીને ત્યાં હુમલા કરવાના શરૂ કર્યા છે.
ત્યારબાદ બહરીનનું નિવેદન આવ્યું અને ત્યાંના વિદેશ મંત્રાલયે કહ્યું કે શનિવારે તેમના દેશનાં અનેક ઠેકાણાં પર ઈરાનનાં ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. બહરીને આને દેશના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો અને તહેરાનને જ શાંતિવાર્તામાં ખલેલ પહોંચાડવા બદલ દોષી ઠેરવ્યું.
દરમ્યાન શનિવારે વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો થયો. ઓઇલ લઈને આવતા એક ટેન્કર પર સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં હુમલો કરવામાં આવ્યો હતો, જે પણ ઈરાનનું જ કારસ્તાન જણાઈ રહ્યું છે. જોકે આ હુમલામાં કોઈ ક્રુને નુકસાન પહોંચ્યું ન હતું કે ઓઇલ સમુદ્રમાં ઢોળાયાના પણ કોઈ અહેવાલો નથી. પરંતુ ત્યારપછી અમેરિકાએ ફરીથી હુમલા શરૂ કર્યા.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે ફરીથી એરસ્ટ્રાઈક કરીને ઈરાનનાં સર્વેલન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, કમ્યુનિકેશન સિસ્ટમ, એર ડિફેન્સ સાઇટ, ડ્રોન સ્ટોરેજ ફેસિલિટીને ટાર્ગેટ કર્યાં અને ત્યાં બૉમ્બમારો કર્યો. તેના જવાબમાં ઈરાને બહરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલા શરૂ કરી દીધા.
IRGC કહી રહી છે કે અમેરિકા સાથે થયેલા MoU અનુસાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં નિયંત્રણ ઈરાનનું છે અને ત્યાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ માટે ઈરાન સાથે ચર્ચા કરવી જરૂરી છે. જેથી ઉલ્લંઘન કરવા બદલ જહાજો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાથે ધમકી આપવામાં આવી કે જો અમેરિકાએ હુમલા ચાલુ રાખ્યા તો ઈરાન પણ એટલી જ તીવ્રતાથી જવાબ આપશે.
અમેરિકાએ હુમલા ચાલુ રાખ્યા તો શાંતિ વાર્તા ઠપ કરી દેવાની ધમકી આપતાં IRGCએ કહ્યું, “અમેરિકાએ જાણી લેવું જોઈએ કે યુદ્ધવિરામ ઉલ્લંઘન એ MoUની પહેલી જ કલમનું ઉલ્લંઘન છે અને તેના કારણે આખી પ્રક્રિયા ઠપ થઈ શકે છે.”
શું છે MoUની કલમ 5?
MoUની જે કલમની ઈરાન વાત કરી રહ્યું છે તેમાં લખવામાં આવ્યું છે કે , “આ MoU પર હસ્તાક્ષર થયા બાદ પર્શિયન ગલ્ફથી ઓમાનના દરિયા સુધી કમર્શિયલ જહાજોને સુરક્ષિત માર્ગ મળી રહે તે માટે ઈરાન વ્યવસ્થા કરશે અને 60 દિવસ સુધી કોઈ શુલ્ક વસૂલશે નહીં. કમર્શિયલ જહાજોનો ટ્રાફિક તાત્કાલિક અસરથી શરૂ થશે અને જે કોઈ અડચણો છે (માઇન્સ વગેરે) એ પણ હટાવવામાં આવશે.” સાથે કહેવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં મેરિટાઈમ સર્વિસ અને ભવિષ્યના સંચાલન માટે ઈરાન ઓમાન સાથે વાટાઘાટો શરૂ કરશે અને આંતરરાષ્ટ્રીય નિયમોને અનુરૂપ અને સૌ દેશોના સાર્વભૌમિક અધિકારો જળવાય રહે તે રીતે બંને દેશો નિર્ણય કરશે.


