ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાટિક સિંહોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ સફળતા ગુજરાત માટે વૈશ્વિક સ્તરે ગૌરવની બાબત છે, પરંતુ બીજી તરફ સિંહોના કુદરતી રહેણાંક વિસ્તારના વિસ્તરણ સાથે માનવ-સિંહ સંઘર્ષ પણ વધુ ગંભીર બન્યો છે. સિંહો હવે ગીર નેશનલ પાર્કની સીમાઓ ઓળંગીને નવા વિસ્તારોની શોધમાં માનવ વસાહતો તરફ આગળ વધી રહ્યા છે.
તાજેતરમાં અમરેલી અને ભાવનગર જિલ્લાના રાજુલા, કોવાયા, ખાંભા, ચાટુડી, મહુવા અને સાવરકુંડલા પંથકમાં બનેલી એક પછી એક જીવલેણ ઘટનાઓએ ગ્રામજનોમાં ભારે ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. સિંહો દ્વારા વારંવાર થઈ રહેલા હુમલાને કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો હવે વહેલી સવારે કે મોડી સાંજે ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે અને રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
આ પંથકમાં કેટલાક દિવસોના ગાળામાં જ યુવાનો, ખેડૂત અને મજૂર સહિત અનેક લોકો પર સિંહોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલાઓમાં લોકોનાં કરુણ મોત થયાં છે, કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે અને એકથી વધુ કિસ્સામાં તો મૃતદેહના અવશેષો અલગ-અલગ સ્થળેથી મળી આવ્યા છે. કોવાયા અને મહુવા પંથકની આ ઘટનાઓના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે.
આ તમામ ઘટનાઓ વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચાટુડી ગામમાં 5 વર્ષના માસૂમ બાળક પર સિંહણના હુમલાની ઘટના સૌથી વધુ હચમચાવી દેનારી સાબિત થઈ છે. બાદમાં એક નર સિંહની ઊલટીમાંથી બાળકના અવશેષો પણ મળી આવ્યા છે. બાળક પર થયેલા આ ઘાતકી હુમલાના કારણે પરિવાર અને સમગ્ર ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાએ માનવ-સિંહ સંઘર્ષની ગંભીરતાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે.
સ્થાનિક લોકોની માંગ છે કે માત્ર આર્થિક વળતર આપવાથી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, પરંતુ માનવ સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપતી નવી નીતિ સાથે રાત્રિ પેટ્રોલિંગ અને વહેલી ચેતવણી આપતી એલર્ટ સિસ્ટમ મજબૂત કરવી પડશે.
આ ગંભીર પરિસ્થિતિને જોતા વન વિભાગે તાત્કાલિક ધોરણે મેગા ઑપરેશન શરૂ કર્યું છે. ડ્રોન સર્વેલન્સ, ટ્રેકિંગ ટીમો અને કેમેરા ટ્રેપની મદદથી હલનચલન પર નજર રાખીને કોવાયા વિસ્તારમાંથી ચાર સિંહો અને ચાટુડી ગામેથી એક હુમલાખોર સિંહણને ટ્રાંક્વિલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા કુલ પાંચ સિંહોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
માનવભક્ષી જાહેર થયા બાદ સિંહને કેવી મળે છે સજા?
આ તમામ કાર્યવાહી વચ્ચે હવે લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું પકડાયેલા આ સિંહોને ‘મેન-ઈટર’ એટલે કે ‘માનવભક્ષી’ જાહેર કરવામાં આવશે? અને જો વન વિભાગ દ્વારા કોઈ સિંહને સત્તાવાર રીતે માનવભક્ષી કે આદમખોર જાહેર કરવામાં આવે તો ત્યારબાદ તેની સાથે શું થાય છે? શું તેને આખી જિંદગી કેદમાં રાખવામાં આવે છે કે અન્ય કોઈ સજા થાય છે?
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ વન્યજીવ નિષ્ણાતોએ જણાવ્યું છે કે માત્ર કોઈ પણ સિંહ માણસ પર હુમલો કરે એટલે તેને તરત જ ‘માનવભક્ષી’ જાહેર કરી શકાતો નથી. ઘણી વખત સિંહ પોતાના બચ્ચાંની સુરક્ષા માટે, અચાનક માણસ સામે આવી જતાં ડરના કારણે, અથવા પોતાના વિસ્તારની (ટેરિટરી) રક્ષા માટે પણ હુમલો કરતો હોય છે, જ્યાં તેનો મૂળ હેતુ માણસને ખોરાક બનાવવાનો હોતો નથી.
શંકાસ્પદ સિંહોને મોકલાય છે સક્કરબાગ ઝૂ
આ મામલે વધુ માહિતી મેળવવા માટે ઑપઇન્ડિયાએ વન વિભાગના અધિકારી સાથે સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સિંહને સત્તાવાર રીતે જોખમી કે માનવભક્ષી જાહેર કરતા પહેલાં વન વિભાગ દ્વારા ખૂબ જ ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે છે. ઘટનાસ્થળેથી મળેલા સિંહોના પગરખાંના નિશાન, ડ્રેગ માર્ક્સ, મૃતદેહ પરના દાંતના નિશાન, કેમેરા ટ્રેપના ફોટોગ્રાફ્સ અને ડીએનએ આધારિત પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરાયા બાદ જ નિષ્ણાતો દ્વારા આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવે છે.
પકડાયેલા શંકાસ્પદ સિંહોને વન વિભાગની ટીમ દ્વારા સૌપ્રથમ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવેલા વિશેષ રેસ્ક્યૂ અને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવે છે. અહીં તેમને સામાન્ય પ્રાણીઓથી અલગ વિશેષ આઈસોલેટેડ એનક્લોઝરમાં રાખવામાં આવે છે જેથી તેના પર કડક નજર રાખી શકાય.
શારીરિક અને માનસિક આરોગ્યની તપાસ
ત્યારબાદ સક્કરબાગ ઝૂના સ્પેશિયલ ડૉક્ટરો સિંહની સંપૂર્ણ શારીરિક અને માનસિક આરોગ્ય તપાસ કરે છે. તેમાં તેના દાંત, જડબું, આંખો અને શરીરની ઈજાઓનું મૂલ્યાંકન થાય છે. વન્યજીવ શાસ્ત્ર અનુસાર ઘણી વખત વૃદ્ધાવસ્થા, કોઈ અંગમાં ઈજા કે નબળાઈના કારણે સિંહમાં કુદરતી રીતે ઝડપી શિકાર કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે તે સરળ શિકાર તરીકે માણસ તરફ વળે છે.
આ પ્રક્રિયાના આગામી ચરણમાં સ્પેશિયલ ડૉક્ટરો સિંહના રોજિંદા વર્તન, તેનો ગુસ્સો અને આક્રમકતા પર સતત નજર રાખે છે. વન વિભાગ લાંબા સમય સુધી સિંહના મૂડ અને તેની પ્રતિક્રિયાઓનું ઓબ્ઝર્વેશન કરે છે. સામાન્ય રીતે સતત 5 વર્ષ સુધી આવું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે.
આ લાંબા નિરીક્ષણ દરમિયાન જો વન વિભાગને માલૂમ પડે કે સિંહનું વર્તન હવે સામાન્ય અને શાંત થઈ ગયું છે, તેમજ તેણે જે હુમલો કર્યો હતો તે માત્ર અસામાન્ય સંજોગોવશાત કે આત્મરક્ષણમાં જ હતો તો નિષ્ણાતોની ભલામણના આધારે તેને માનવ વસાહતથી દૂર કોઈ ગાઢ જંગલ વિસ્તારમાં અથવા સુરક્ષિત એનિમલ પાર્કમાં ફરી મુક્ત કરવામાં આવે છે.
જો સિંહનો સ્વભાવ ન બદલાય તો તેને થાય છે આજીવન કેદ
પરંતુ જો ઓબ્ઝર્વેશન દરમિયાન સિંહનો હિંસક સ્વભાવ ન બદલાય, તે સતત આક્રમક રહે અને તે માણસને જ શિકાર તરીકે જોવાની વૃત્તિ વિકસાવી ચૂક્યો હોવાનું સાબિત થાય તો તેને ક્યારેય ખુલ્લા જંગલમાં પાછો છોડાતો નથી.
ઘણા લોકો માને છે કે નરભક્ષી સિંહને મારી નાખવામાં આવે છે, પરંતુ ભારતમાં વન્યજીવ સંરક્ષણના કાયદા હેઠળ આવું કરવું અત્યંત અસાધારણ અને છેલ્લો વિકલ્પ માનવામાં આવે છે. સામાન્ય રીતે આવા સિંહોને કાયમી રીતે ઝૂ અથવા વિશેષ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખવામાં આવે છે, જ્યાં તેઓ સતત દેખરેખ હેઠળ જીવન વિતાવે છે.
સક્કરબાગ ઝૂમાં આવા સિંહોને વર્ષો સુધી રાખવામાં આવે છે. ફરજ પરના પશુચિકિત્સકો અને નિષ્ણાતો તેમના વર્તનનું સતત નિરીક્ષણ કરે છે. જો લાંબા સમય બાદ તેમનો સ્વભાવ શાંત બને અને તેઓ માનવ માટે જોખમરૂપ ન રહે તો કેટલીક વિશેષ પરિસ્થિતિમાં તેમને માનવ વસાહતથી દૂર આવેલા સુરક્ષિત વિસ્તાર અથવા એનિમલ પાર્કમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે કેટલાક સિંહો આખી જિંદગી કેદમાં જ રહે છે.
સિંહ અને માનવ સંઘર્ષને ઓછો કરવાનો આજનો મુખ્ય પડકાર
નિષ્ણાતોનું માનવું છે કે આજનો સૌથી મોટો પડકાર માત્ર હુમલાખોર સિંહોને પકડવાનો નથી, પરંતુ માનવ-વન્યજીવ સંઘર્ષને ઓછો કરવાનો છે. ગીર બહાર સિંહોની વસતી વધતાં ગામો અને જંગલ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ખેતી, રસ્તાઓ અને માનવ વસાહતો વધતાં બંને વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ પણ વધી રહી છે.
આ સમસ્યાનો કાયમી ઉકેલ માત્ર પાંજરામાં પૂરવાથી નહીં આવે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન મોનિટરિંગ, કેમેરા ટ્રેપ, જીપીએસ ટ્રેકિંગ, રાત્રિ પેટ્રોલિંગ, ઝડપી રેસ્ક્યૂ ટીમો અને ગામલોકોને સમયસર ચેતવણી આપતી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી પડશે. સાથે જ સ્થાનિક લોકોને જાગૃત કરવા અને પશુધનની સુરક્ષા માટે નવી વ્યવસ્થા ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે.
ગુજરાત વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ધરાવે છે, તેથી સિંહોનું સંરક્ષણ રાજ્યની મોટી જવાબદારી છે. પરંતુ એટલું જ મહત્વનું માનવ જીવનનું રક્ષણ પણ છે. વન વિભાગ માટે બંને વચ્ચે સંતુલન જાળવવું સૌથી મોટો પડકાર બની ગયો છે. વૈજ્ઞાનિક પુરાવા વિના કોઈ સિંહને નરભક્ષી જાહેર કરવો યોગ્ય નથી, પરંતુ જ્યાં વારંવાર જીવલેણ હુમલા થાય ત્યાં ઝડપી અને પારદર્શક કાર્યવાહી પણ એટલી જ જરૂરી છે.
નરભક્ષી સિંહોને કોઈ કોર્ટ જેવી સજા મળતી નથી, પરંતુ તેમના વર્તન અને વૈજ્ઞાનિક તપાસના આધારે નિર્ણય લેવાય છે. જો તેઓ માનવ માટે સતત જોખમરૂપ સાબિત થાય તો તેમને ખુલ્લા જંગલમાં પાછા છોડવામાં આવતા નથી અને જીવનભર રેસ્ક્યૂ સેન્ટર અથવા પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે છે. બીજી તરફ જો હુમલો સંજોગવશાત થયો હોવાનું સાબિત થાય તો યોગ્ય મૂલ્યાંકન બાદ તેમને ફરી જંગલમાં છોડવાની પણ જોગવાઈ છે. એટલે કે દરેક કેસમાં નિર્ણય પુરાવા, નિષ્ણાતોના અભિપ્રાય અને વન્યજીવ સંરક્ષણના નિયમોને આધારે જ લેવામાં આવે છે.


