
અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે નામજોગ તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો ડ્રાઇવર અને નજીકના સહયોગી રામાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ ઉપરાંત મંદિરમાં રોકડ દાનની ગણતરી અને દેખરેખ સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ કેસમાં FIR ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના (SIT) પ્રાથમિક અહેવાલ બાદ નોંધાઈ હતી. આરોપીઓ સામે ચોરી, વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ છે ધરપકડ કરાયેલા 8 આરોપીઓ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં રામાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ (ચંપત રાયનો ડ્રાઇવર અને સહયોગી), અનુકલ્પ મિશ્રા (કેશ કાઉન્ટિંગ ઑપરેશનના વડા), સુભાષ શ્રીવાસ્તવ (નિવૃત્ત બેન્ક કર્મચારી અને કેશ કાઉન્ટિંગ સુપરવાઇઝર), અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, મનીષ યાદવ, લવકુશ મિશ્રા અને રામાશંકર મિશ્રાનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ તમામ લોકો મંદિરમાં મળતા રોકડ દાનના સંગ્રહ, હેન્ડલિંગ અથવા ગણતરી સાથે સીધા જોડાયેલા હતા.
શું છે સમગ્ર મામલો?
રામ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતી રોકડ રકમ બેન્કમાં જમા થાય તે પહેલાં જ તેમાં ગેરરીતિ થતી હોવાના આરોપો સામે આવ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી. SITના પ્રાથમિક અહેવાલમાં દાનની ગણતરી અને સંચાલન પ્રક્રિયામાં ગંભીર ખામીઓ સામે આવ્યાનું જણાવાયા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોલીસમાં FIR નોંધાવી હતી.
યોગી આદિત્યનાથે શું કહ્યું?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રામ મંદિર માટે પૂર્વજોએ 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. તેમણે લોકોને ધીરજ રાખવાની અપીલ કરતાં કહ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ દોષિત હશે તો તેને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. સાથે જ તેમણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર અયોધ્યાને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

