દાદાના હાથમાંથી 5 વર્ષનાં બાળકને ખેંચી લઈ ગઈ સિંહણ, અમરેલીની ઘટના: એક સિંહની ઊલટીમાંથી મળ્યા બાળકના અવશેષો

(પ્રતીકાત્મક તસવીર: AI)

ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 24 જૂનની રાત્રે 5 વર્ષનો જીયાન દેવકુંભાઈ સીધા પોતાના દાદા સાથે દૂધ આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક અંધારામાંથી એક સિંહણે હુમલો કરીને બાળકને દાદાની નજર સામે જ ખેંચી જંગલ તરફ લઈ ગઈ. દાદાની બૂમાબૂમ સાંભળીને ગામલોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા, પરંતુ બાળકને બચાવી શકાયો નહોતો.

ઘટનાની જાણ થતાં જ ગામના લોકો લાકડીઓ લઈને બાળકની શોધમાં નીકળી પડ્યા હતા. વન વિભાગ પહોંચે તે પહેલાં કેટલાક યુવાનોએ સિંહણ પાસેથી બાળકને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે ગામથી આશરે એક કિલોમીટર દૂર જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટના બાદ ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ, ACF કપિલ ભાટિયા સહિત વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગે હુમલો કરનાર સિંહણને પકડવા માટે મેગા ઑપરેશન હાથ ધર્યું હતું. લગભગ નવ કલાક ચાલેલા અભિયાન દરમિયાન પાંચ સિંહોને પાંજરે પુરવામાં આવ્યા હતા, જેમાં એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને કાબૂમાં લેવામાં આવી હતી. તપાસ દરમિયાન એક નર સિંહની ઊલટીમાંથી બાળકના અવશેષો મળ્યા હોવાનું પણ વન વિભાગે જણાવ્યું છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ ઘટના બાદ ચતુરી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે વન વિભાગની બેદરકારીના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. મૃતકના મામાએ ગામમાં કાયમી ફોરેસ્ટ ગાર્ડ, વન વિભાગની ઑફિસ અને વધુ સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમણે વનમંત્રી ગામની મુલાકાત લઈને લોકોને સુરક્ષાની ખાતરી આપે તેવી પણ માંગ ઉઠાવી છે. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની આ ત્રીજી ગંભીર ઘટના છે.

ઘટના બાદ વન વિભાગે લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે જંગલ નજીકના વિસ્તારોમાં સાંજ પછી અથવા અંધારામાં એકલા બહાર ન નીકળવું, શક્ય હોય ત્યાં સુધી બે કે તેથી વધુ લોકો સાથે જવું તેમજ હાથમાં ટોર્ચ અને લાકડી રાખવી. આ દુઃખદ ઘટનાએ ગીર વિસ્તારની આસપાસ માનવ અને વન્યજીવો વચ્ચે વધતા સંઘર્ષને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.