AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર રહેવા આદેશ: 2024ના કેસમાં કાર્યવાહી

વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવીને માર મારવાના કેસમાં સાત વર્ષની સજા પામેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ એક કેસમાં ભરૂચની કોર્ટે નોટિસ ફટકારી છે. મામલો વસાવાના પોલીસ વિભાગ પરના નિવેદન મામલે ચાલતા કેસનો છે, જેમાં આગામી 29 જુલાઈએ હજાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

આ કેસમાં અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ મોકલાયું હતું, પરંતુ તેની બજવણી થઈ શકી નહોતી. ત્યારબાદ સરકારી વકીલે જાણ કરતાં કોર્ટે વધુ એક નોટિસ મોકલીને ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો છે.

આ વિવાદની વિગત એવી છે કે જુલાઈ 2024 દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં ચૈતર વસાવાએ ગુજરાત પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ એક ફરિયાદ કરવામાં આવી કે આ નિવેદનથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠા અને જાહેર છબીને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ મામલે કોર્ટે પોલીસ વિભાગ પાસેથી પણ જવાબ માગ્યો હતો. તત્કાલીન ભરૂચ જિલ્લા પોલીસ વડાના અહેવાલના આધારે કોર્ટે પછીથી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં હવે કોર્ટે ચૈતર વસાવાને પોતાનો પક્ષ રજૂ કરવાની છેલ્લી તક આપી છે.

નોંધનીય છે કે વનકર્મીઓ સાથે મારપીટ, હવામાં ફાયરિંગ અને ખંડણીના કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકોને દોષિત ઠેરવીને સજા ફટકારી દીધી છે. ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને હાલ વડોદરાની જેલમાં ખસેડવામાં આવ્યા છે.

આ કેસ વિશેની વિગતો અહીંથી વાંચી શકાશે.