બળવાખોર નેતાઓના જૂથે મમતા બેનર્જીને પાર્ટીનાં ચેરપર્સન પદેથી હટાવ્યાં, અભિષેક બેનર્જી સસ્પેન્ડ: કોલકાતામાં મળી ધારાસભ્યોની બેઠક, કહ્યું– અમે ‘અસલી તૃણમૂલ’

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલતી ધમાલમાં એક નવો વળાંક આવ્યો છે. વિધાનસભામાં વિપક્ષ નેતા ઋતુબ્રત બેનર્જીની આગેવાનીમાં યોજાયેલી ધારાસભ્યોની એક બેઠકમાં નવી સમિતિની ઘોષણા કરવામાં આવી અને મમતા બેનર્જીને ચેરપર્સન પદેથી હટાવી દેવામાં આવ્યાં. તેમના ભત્રીજા, સાંસદ અભિષેક બેનર્જીને સસ્પેન્ડ કરવાની ઘોષણા કરવામાં આવી છે.

ઋતુબ્રત બેનર્જીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પાર્ટીને ‘અસલી તૃણમૂલ’ તરીકે ઓળખાવવામાં આવી. અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઋતુબ્રત બેનર્જીને અભિષેક બેનર્જીએ ટીએમસીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા અને કારણ ‘પાર્ટીવિરોધી ગતિવિધિઓ’નું આપવામાં આવ્યું હતું.

પરંતુ ત્યારબાદ ઋતુબ્રત બેનર્જીની આગેવાનીમાં ટીએમસીના 80માંથી 60 ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરને પત્ર લખીને બેનર્જીને વિપક્ષ નેતા તરીકે નીમવાની માંગ કરી હતી, જેને સ્પીકરે મંજૂરી આપી હતી. આ નિર્ણય વિરુદ્ધ મમતા બેનર્જી જૂથ કલકત્તા હાઇકોર્ટ ગયું છે, પરંતુ કોર્ટે હાલ કોઈ નિર્ણય આપ્યો નથી.

ઋતુબ્રત બેનર્જીની આગેવાનીમાં સોમવારે ધારાસભ્યો અને કલકત્તા મ્યુનિસિપલ કૉપોરેશનના કાઉન્સિલરોની એક બેઠક મળી, જેમાં પાર્ટીની સમિતિ બનાવવામાં આવી. આ જૂથનું કહેવું છે કે તેઓ જ ‘અસલી તૃણમૂલ’ છે. સાથે કહ્યું કે પાર્ટીમાં ‘બંધારણીય સંકટ’ સર્જાયું છે તેના કારણે આ બેઠક બોલાવવી પડી.

બેઠકની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી હતી, જેમાં પોસ્ટરોમાં ક્યાંય મમતા કે અભિષેક જોવા મળતાં નથી.

‘બંધારણીય સંકટ સર્જાયું એટલે બેઠક બોલાવવી પડી’

બેઠકમાં ઋતુબ્રત બેનર્જીએ કહ્યું કે પાર્ટીના બંધારણ અનુસાર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમિતિની રચના દર ત્રણ વર્ષે થવી જોઈએ, પણ છેલ્લે ફેબ્રુઆરી 2022માં પેનલ બનાવવામાં આવી હતી, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં ન આવ્યા. જેથી હવે પાર્ટી નેતૃત્વમાં ફેરબદલ કરવી જરૂરી હતી અને તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે.

બળવાખોરોના જૂથે મમતા બેનર્જીને ચેરપર્સન પદેથી હટાવી દીધાં છે. તેમના સ્થાને ધારાસભ્ય અરુપ રૉય પાર્ટીના ચેરપર્સન બન્યા. અભિષેક બેનર્જીને તો પાર્ટીમાંથી જ સસ્પેન્ડ કરી દેવાયા છે.

ટીએમસીનાં ત્રણ જૂથ, સૌથી નબળું જૂથ મમતાનું

હાલ તૃણમૂલ કોંગ્રેસનાં ત્રણ જૂથ પડી ગયાં છે. એક જૂથ, જેના નેતા ઋતુબ્રત બેનર્જી છે. તેમની પાસે 80માંથી 60 ધારાસભ્યોનું સમર્થન છે. બીજું જૂથ સાંસદોનું છે. લોકસભામાં ટીએમસીના 28માંથી 20 સાંસદો એક જૂથ બનાવીને ત્રિપુરાની નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયામાં જોડાઈ ગયા છે. ત્રીજું જૂથ મમતા બેનર્જીનું છે, જે હાલ સૌથી નબળું છે.

આ બધી માથાકૂટો વચ્ચે હવે પાર્ટીનાં બેન્ક ખાતાં માટે પણ સંઘર્ષ શરૂ થયો છે. પરિસ્થિતિ જોતાં હવે પાર્ટીનાં નામ-નિશાન માટે પણ સંઘર્ષ થશે એ નક્કી છે.