અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સી, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ અને ડાર્ક વેબ મારફતે ચાલતા 226.54 કરોડનામોટા ટેરર ફન્ડિંગ રેકેટમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની (CCoE) ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસની ટેકનિકલ ટીમે બ્લોકચેન એનાલિસિસની મદદથી તપાસ લંબાવીને આ કેસમાં સંડોવાયેલા 13મા મુખ્ય આરોપી શબ્બરહુસેન મોહમ્મદહનીફ પોડેલાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શબ્બરહુસેન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘UK_MEDICINEONWHEEL’ નામે એક પ્રોફાઇલ ઓપરેટ કરતો હતો. આ એકાઉન્ટના માધ્યમથી તે યુકેમાં ડ્રગ્સના ગ્રાહકો સર્ચ કરતો અને તેમની સાથે સંપર્ક સાધતો હતો. ગ્રાહકો મળ્યા બાદ તે યુકેમાં ડ્રગ્સની સપ્લાય ચેઇન ગોઠવવાનું કામ કરતો હતો.
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અમદાવાદથી લંડન સુધી ઓપરેટ કરવામાં આવતું હતું. આરોપી શબ્બરહુસેન પોતાના સહ-આરોપી મોહસિન મોલાની સાથે મળીને એક કુરિયર સર્વિસ ચલાવતો હતો, જેનો ઉપયોગ લંડન સ્થિત સલમાન અંસારી સહિતના ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડવા માટે એક મહોરા તરીકે થતો હતો. આ ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણમાંથી મળતી કરોડો રૂપિયાની કમાણીને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવામાં આવતી હતી.
સાયબર ક્રાઇમના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, મોહમ્મદ ઝુબેર પોપટિયા અને ઝીશાન મોતીવાલા જેવા આ રેકેટના મુખ્ય સૂત્રધારો મોનેરો અને બાઈનાન્સ જેવા ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ક્રિપ્ટોકરન્સીને રોકડમાં તબદીલ કરતા હતા. આ નાણાંનો ઉપયોગ બાદમાં ટેરર ફંડિંગ માટે થતો હોવાની આશંકા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને હજુ પણ વધુ આંતરરાષ્ટ્રીય કડીઓ ખૂલે તેવી શક્યતા છે.

