નાગપુર: એરફોર્સ અધિકારીની પત્નીને કલમા પઢાવી ધર્માંતરણનો પ્રયાસ, દુષ્કર્મ અને બ્લેકમેઇલના આરોપ; વાયરલ વિડીયો બાદ પૂર્વ ક્લાસમેટ અયાઝ સહિત 2ની ધરપકડ, મૌલાના ફરાર

મહારાષ્ટ્રના નાગપુરમાંથી દુષ્કર્મ, બ્લેકમેઇલ, ખંડણી, કાળા જાદુ અને બળજબરીથી ધર્માંતરણના આરોપો સાથેનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ભારતીય વાયુસેનાના એક અધિકારીની 24 વર્ષીય હિંદુ પત્નીએ પોતાના પૂર્વ ક્લાસમેટ અયાઝ તાજ મદારે, અમીન શેખ અને મધ્ય પ્રદેશના છિન્દવાડા જિલ્લાના તમિયા ગામના હઝરત મૌલાના સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અયાઝ મદારે અને અમીન શેખની ધરપકડ કરી છે, જ્યારે હઝરત મૌલાના હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

મહિલાના પતિ ભારતીય વાયુસેનામાં ફરજ બજાવે છે અને ઘટનાક્રમ દરમિયાન અન્ય શહેરમાં તહેનાત હતા. મહિલા પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના ઘણા મહિનાઓ જૂની છે, પરંતુ મહિલા ડરના કારણે મૌન રહી હતી. થોડા દિવસ પહેલાં પતિ ઘરે પરત ફર્યા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ બંનેએ સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ અનુસાર અયાઝ મદારે મહિલાનો સ્કૂલ સમયનો પરિચિત હતો. ફેબ્રુઆરી 2025માં તેણે પ્લોટ ખરીદવામાં રસ હોવાનું જણાવી મહિલાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વર્ધા રોડ પર આવેલી એક હોટેલમાં મુલાકાત માટે બોલાવી હતી. મહિલાનો આરોપ છે કે ત્યાં તેને નશાયુક્ત પદાર્થ ભેળવેલું જ્યુસ પીવડાવવામાં આવ્યું હતું. બેભાન થઈ ગયા બાદ અયાઝે તેની સાથે દુષ્કર્મ આચર્યું અને વાંધાજનક ફોટા તથા વિડીયો બનાવી લીધા હતા.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્યારબાદ આરોપીએ આ ફોટા અને વિડીયો તેના પતિને મોકલી આપવાની તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ આધારે તેને સતત બ્લેકમેઇલ કરવામાં આવી હતી. મહિલાના જણાવ્યા અનુસાર તેના પર વારંવાર યૌન શોષણ કરવામાં આવ્યું હતું. વિવિધ અહેવાલોમાં તેની પાસેથી અંદાજે ₹3.09 લાખથી ₹4 લાખ સુધીની રકમ પડાવ્યાનો આરોપ પણ નોંધાયો છે. પોલીસે આર્થિક વ્યવહારોની પણ તપાસ શરૂ કરી છે.

મહિલાનો વધુ આરોપ છે કે અયાઝ તેને ઇસ્લામ સ્વીકારવા માટે સતત દબાણ કરતો હતો. તે વારંવાર કોઈ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની બોટલ લાવતો, તેને પીવા માટે મજબૂર કરતો અને પછી ઉર્દૂમાં કંઈક બોલીને તેના ચહેરા પર ફૂંક મારતો હતો. મહિલાનું કહેવું છે કે આરોપી તેને ‘હિપ્નોટિઝમ’ અને ‘કાળા જાદુ’ના નામે ડરાવતો હતો અને ત્યારબાદ દુષ્કર્મ કરતો હતો.

આ કેસમાં એક વાયરલ વિડીયો મહત્વનો પુરાવો બનીને સામે આવ્યો છે. વિડીયોમાં મહિલા ‘છોડો મને’ કહીને રડતી અને વિરોધ કરતી દેખાય છે. વિડીયોમાં અયાઝ તેના હાથ પકડીને મજહબી આયતો કરતો અને તેના પર વારંવાર ફૂંક મારતો હોવાનું જોવા મળે છે. મહિલા દાવો કરે છે કે આ પ્રક્રિયા બાદ તેને ધર્માંતરિત થઈ ગયેલી જાહેર કરવામાં આવી હતી. પોલીસે પણ જણાવ્યું છે કે વિડીયો મહિલાએ પુરાવા તરીકે સોંપ્યો છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

ફરિયાદ અનુસાર 31 મે, 2025ના રોજ અયાઝ મદારે મહિલાને નાગપુરના કલમેશ્વર વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેની મુલાકાત અમીન શેખ અને હઝરત મૌલાના સાથે કરાવવામાં આવી હતી. ત્રણેય મહિલાને એકાંત સ્થળે લઈ ગયા હતા, જ્યાં વિવિધ મજહબી વિધિઓ કરવામાં આવી હતી. મહિલાનો આરોપ છે કે તેને જબરદસ્તી ‘ઇસ્લામ કબૂલ હૈ’ બોલાવવામાં આવ્યું, કલમા પઢાવવામાં આવ્યા અને તેની ઇચ્છા વિરુદ્ધ ધર્માંતરણ કરાવવામાં આવ્યું.

મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે વિધિ પૂર્ણ થયા બાદ હઝરત મૌલાનાએ મહિલાએ ઇસ્લામ સ્વીકારી અયાઝ સાથે નિકાહ થયા હોવાની જાહેરાત કરી દીધી હતી. ફરિયાદ મુજબ તેને માંસ ખાવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી.  આ ઘટના બાદ ફરી એકવાર તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ફરિયાદના આધારે દુષ્કર્મ, વારંવાર યૌન શોષણ, ખંડણી, બ્લેકમેઇલ, ધર્માંતરણનો પ્રયાસ તથા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા, કાળા જાદુ અને અમાનવીય પ્રથાઓ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે મોબાઇલ ફોન, ચેટ્સ, બેન્ક ટ્રાન્ઝેક્શન, CCTV ફૂટેજ, વાયરલ વિડીયો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. DCP સુરેશ રેડ્ડીના જણાવ્યા અનુસાર તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે અને આ પુરાવા તપાસમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.

ધરપકડ કરાયેલા અયાઝ મદારે અને અમીન શેખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. બીજી તરફ ધર્માંતરણ કરાવનાર હઝરત મૌલાનાની ધરપકડ માટે નાગપુર પોલીસની ટીમ મધ્ય પ્રદેશમાં તપાસ ચલાવી રહી છે.

પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તમામ આરોપોની ચકાસણી માટે ઉપલબ્ધ ડિજિટલ તેમજ અન્ય પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.