
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકાવવા માટે થયેલી ડીલ બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરતાં કહ્યું કે ઈરાને તેમને બાંહેધરી આપી છે કે તે ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં બનાવે. બીજી તરફ અમેરિકા ઈરાનને નુકસાનના વળતર પેટે $300 ડોલર આપશે તેવા સમાચારોને પણ ટ્રમ્પે ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે. સોશિયલ મીડિયા ‘ટ્રુથ સોશિયલ’ની એક પોસ્ટમાં ટ્રમ્પે આ બધી ચોખવટ કરી હતી.
તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ઈરાન હવે ભવિષ્યમાં પરમાણુ હથિયાર ન બનાવવા માટે સંમત થઈ ગયું છે. આ ઉપરાંત આ જ પોસ્ટમાં તેમણે એ અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં કહેવાઈ રહ્યું હતું કે આ ડીલના બદલામાં અમેરિકા ઈરાનને $300 મિલિયન ચૂકવશે.

ટ્રમ્પે વિરોધી પક્ષ ‘ડેમોક્રેટ્સ’ પર આ ‘અફવા’ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકા અને ઈરાનની ડીલ બાદ જાણીજોઈને ડેમોક્રેટ્સ આવા સમાચારો ફેલાવી રહ્યા છે. આ પહેલાં એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનને થયેલા નુકસાન બાદ અમેરિકા 300 મિલિયન ડોલર ચૂકવવા તૈયાર થયું છે.
તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે એક ડીલ નક્કી થઈ છે, જે અનુસાર યુદ્ધ અટકાવવામાં આવશે અને સાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પણ ફરીથી ખોલવામાં આવશે. શુક્રવાર બાદ હોર્મુઝ ખુલે એવી શક્યતા છે. ત્યારબાદ સમુદ્રી માર્ગે થતો વ્યાપાર ફરીથી રાબેતા મુજબ શરૂ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે છેલ્લા ઘણા સમયથી હોર્મુઝની ખાડી બંધ હતી. તાજેતરમાં અમેરિકાએ ફરીથી હુમલા શરૂ કર્યા પછી ઈરાનનાં બંદરોની નાકાબંધી પણ શરૂ કરી હતી, જેના કારણે હોર્મુઝમાંથી પસાર થતાં કમર્શિયલ જહાજોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં. જેમાંથી અમુકમાં ભારતીય ક્રૂ મેમ્બરો પણ હતા. એક હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં હતાં.

