મૃત સભ્યોના નામે બિલિંગ, હિસાબી કામમાં અનિયમિતતાઓ, પીએમ આવાસ નજીક ડ્રોન: જે દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ અપાયો, ત્યાં થતી હતી આવી પ્રવૃત્તિઓ– રિપોર્ટ

Gymkhana Club: Delhi's most exclusive club is under threat of shutdown -  can it survive?

રાજધાની દિલ્હી સ્થિત જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે ખાલી કરવાનો આદેશ આપ્યા બાદ મામલો એક તરફ કોર્ટમાં છે ત્યારે ક્લબના આંતરિક દસ્તાવેજો પરથી વર્ષોથી નિયમોને નેવે મૂકીને આચરવામાં આવી રહેલી અમુક ગેરરીતિઓ સપાટી પર આવી છે.

અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે અમુક દસ્તાવેજો પરથી એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં કેટલીક વિગતો સામે આવી છે. જાણવા મળ્યું છે કે ક્લબના અમુક સભ્યોના મૃત્યુ પછી પણ તેમના કાર્ડ પરથી બિલિંગ ચાલુ રહ્યું હતું. ઉપરાંત જિમખાના ક્લબ વડા પ્રધાન નિવાસસ્થાનની તદ્દન નજીક આવેલું છે અને આ વિસ્તાર સંવેદનશીલ છે તેમ છતાં શંકાસ્પદ ડ્રોન ઉડાડવાની પ્રવૃત્તિ સામે આવી હતી. ઉપરાંત નાણાકીય બાબતોમાં પણ અમુક અનિયમિતતાઓ સામે આવી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

મૃત સભ્યોના નામે બિલિંગ

અખબારે બેકર ટિલી બિઝનેસ એડવાઇઝરી સર્વિસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા અને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને નવેમ્બર 2022માં સોંપવામાં આવેલા એક ડ્રાફ્ટ રિપોર્ટ પરથી જાણકારી આપી છે. જે અનુસાર વર્ષ 2017થી 2022 દરમિયાન ઓછામાં ઓછા 31 એવા કિસ્સાઓ મળી આવ્યા હતા, જેમાં મૃત્યુ પામેલા સભ્યોના સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને ફૂડ અને મોંઘા ડ્રિંક્સનું બિલિંગ કરવામાં આવતું હતું. એ શક્યતાઓ નકારી ન શકાય કે ક્લબના સભ્યો ન હોય તેઓ પણ મૃતકોના કાર્ડ પર ક્લબમાં આવીને જલસા કરતા હોય શકે.

જોકે રિપોર્ટમાં ક્લબના એક સભ્યને ટાંકવામાં આવ્યા છે, જેમણે કારણ એવું ધર્યું કે કોઈ પુરુષ સભ્યના મૃત્યુ પછી તેમનાં પત્ની ‘લેડી સબ્સ્ક્રાઇબર્સ કેટેગરી’ હેઠળ ક્લબનાં સભ્ય બને છે. પરંતુ ઔપચારિકતાઓમાં સમય લાગે છે, જેથી તેટલા સમય દરમ્યાન ક્લબે જ તેમને મૃતક પરિજનોના કાર્ડનો ઉપયોગ કરવા કહ્યું હોય એવું બની શકે. જોકે આવા એક-બે-પાંચ કિસ્સાઓ સામે આવી શકે, 31 કિસ્સાઓ આવા જ હશે એ માનવું કઠિન છે. અખબારના રિપોર્ટ અનુસાર 2024માં પણ ક્લબમાં કાર્ડના દુરુપયોગ થકી બિલિંગનો મામલો સામે આવ્યો હતો.

ફોરેન્સિક ઓડિટ દર્શાવે છે કે જે ક્લબના સભ્યો હતા તેઓ જ પડદા પાછળ રહીને અલગ-અલગ સપ્લાયર કંપનીઓ ચલાવતા હતા. આ સભ્યોએ પોતાની જ કંપનીઓ પાસેથી કોઈપણ જાતના ડિસ્ક્લોઝર વગર 36 કરોડની તોતિંગ ખરીદીઓ કરી નાખી.

ક્લબના સભ્યો જ વકીલો, ફી પેટે કરોડો ચૂકવાયા

આ ઉપરાંત ક્લબના કેસ લડવા માટે પણ ક્લબના પોતાના જ સભ્યો હોય તેવા વકીલોને ગોઠવી દેવામાં આવ્યા હતા અને ક્લબના ભંડોળમાંથી 1.95 કરોડની લહાણી કરવામાં આવી હતી. જેમાં અરુણ કથપાલિયાને 77 લાખ, ગૌરવ લિબરહાનને 28.76 લાખ અને હરીશ સાલ્વેને 20 લાખ ચૂકવાયા હતા.

એપ્રિલ 2022માં નવી ગવર્નિંગ બોડી આવ્યા બાદ ક્લબના સભ્યોને વકીલ તરીકે રાખવાની પ્રવૃત્તિ બંધ થઈ, પરંતુ કાયદાકીય ખર્ચમાં કોઈ ઘટાડો થયો નહીં. વર્ષ 2018થી 2023ના ગાળામાં ક્લબે કાયદાકીય લડાઈઓના નામે 8.22 કરોડનો ખર્ચ કર્યો હોવાનું દસ્તાવેજો જણાવે છે. 2022-23ના ઓડિટર રિપોર્ટમાં વારંવાર એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમુક ખર્ચ ક્યાં થયો તેની હવે ખરાઈ થઈ શકે એમ નથી કારણ કે ઘણા બધા રેકર્ડ્સ મળતા નથી, અમુક લીગલ ફાઈલોનું કોઈ અસ્તિત્વ નથી અને કયા કેસની હાલ શું સ્થિતિ છે એ પણ જાણી શકાયું નથી.

ક્લબમાં ન આંતરિક ઓડિટની વ્યવસ્થા, ન બજેટિંગ

2021-22ના રિપોર્ટમાં ઓડિટરોએ ગેરરીતિઓ ઉજાગર કરતાં નોંધ્યું હતું કે, ક્લબની અંદર ન કોઈ હિસાબી નિયમોનું પાલન થતું હતું કે ન કોઈ આંતરિક ઓડિટ સિસ્ટમ રાખવામાં આવી હતી. મેન્યુઅલ રજિસ્ટર અને કમ્પ્યુટર સૉફ્ટવેરના હિસાબો અલગ-અલગ રાખવામાં આવતા હતા. ન ક્લબના ખર્ચને નિયંત્રણમાં રાખવા માટે કોઈ બજેટિંગની પ્રક્રિયા ચાલતી હતી. ડિસેમ્બર 2023માં ક્લબની એન્યુઅલ જનરલ મીટિંગ થઈ હતી જેમાં ઓડિટરના અકાઉન્ટને મંજૂરી આપવાની ના પાડી દેવાઈ, પછીથી માર્ચમાં ઓડિટરે રાજીનામું આપી દીધું. જે ફર્મે હાલ કામ હાથ પર લીધું છે તેમણે પણ ક્લબના દસ્તાવેજો સુધી પૂરતી પહોંચ ન મળતી હોવાની ફરિયાદ કરી છે.

વડા પ્રધાન નિવાસસ્થાન નજીક ડ્રોન

દિલ્હી જિમખાના ક્લબ લ્યુટિયન્સ દિલ્હીના એ વિસ્તારમાં છે જ્યાંથી વડા પ્રધાન નિવાસસ્થાન 7 લોકકલ્યાણ માર્ગ તદ્દન નજીક છે. વડા પ્રધાનની સુરક્ષા જોતાં તેમના નિવાસનો સમગ્ર વિસ્તાર નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં ઑગસ્ટ 2022માં થોડી ક્ષણો માટે એક ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું, જે ક્લબના પરિસરમાંથી જ ઓપરેટ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું.

પછીથી સરકારના મંત્રાલયની એક નોટમાં પણ એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ કારસ્તાન ક્લબના જ અમુક સભ્યોનું હતું અને દિલ્હી પોલીસે પણ સ્વીકાર્યું હતું. ત્યારબાદ પોલીસે આ કેસ ઇકોનોમિક ઓફેન્સ વિંગને મોકલી આપ્યો અને વિંગને હવે ખબર નથી એ કેસનું શું થયું.

દિલ્હી જિમખાના ક્લબના પાપનો ઘડો ભરાઈ ગયા બાદ હવે સરકારે કડક વલણ અપનાવીને સંરક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને સુરક્ષા માટે ક્લબની 23.7 એકરની જમીન તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જોકે ક્લબના માણસો કોર્ટ પહોંચી ગયા છે એટલે આગળનું કામ કોર્ટના આદેશો પ્રમાણે ચાલશે.