ભરૂચની જામા મસ્જિદના ભોંયરામાં હિંદુ-જૈન દેવતાઓની મૂર્તિઓ, સામે આવ્યો વિડીયો

ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયતળિયામાં હિંદુ-જૈન દેવતાઓની અતિપ્રાચીન પ્રતિમાઓ હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં મસ્જિદના ભોંયરામાં ગણેશજી, હનુમાનજીની પ્રતિમાઓ તેમજ જૈન તીર્થંકર મલ્લિનાથજીની પ્રતિમાઓ જોવા મળે છે.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ભરૂચના સ્વામી મુક્તાનંદે કહ્યું કે આ વિડીયો સાચો છે અને ઘણા સમયથી સંતો જે કહેતા આવ્યા છે તેની પુષ્ટિ પણ કરી રહ્યો છે. સાથે ઉમેર્યું કે ઇતિહાસ ભૂંસી શકાતો નથી અને સત્ય આજે સૌની સામે છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચની જામા મસ્જિદ હિંદુ-જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હોવાની વાત હિંદુ સંતો અને સંગઠનો ઘણા સમયથી કહી રહ્યા છે. અગાઉ જાન્યુઆરીમાં ઑપઇન્ડિયાએ એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કરીને જણાવ્યું હતું કે કઈ રીતે આ દાવો સાચો છે અને તેનાં ઐતિહાસિક પ્રમાણ અને તથ્યો ઉપલબ્ધ છે.

સ્વામી મુક્તાનંદે કહ્યું કે ભરૂચની જામા મસ્જિદ ASI સંરક્ષિત સ્મારક હોવા છતાં અમુક નિયમોનું પાલન કરવામાં આવતું નથી. અમારી માંગ એટલી જ છે કે ASIના નિયમો હેઠળ સંચાલન થાય અને નિયમોનું ઉલ્લંઘન કરીને જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની ઉપર સંપૂર્ણપણે રોક લાગે.

ભોંયરામાં જવાના દરવાજાને સીલ કરાયો

તાજેતરમાં જ સ્થાનિક પ્રશાસને અહીં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું એક વજૂખાનું તોડી પાડ્યું હતું અને અતિક્રમણ દૂર કર્યું હતું. ઉપરાંત ભોંયરામાં જવા માટેના એક દરવાજા પર પણ હાલ સીલ લગાવી દેવામાં આવ્યું છે.