પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાનમાં કર્યા હવાઈ હુમલા, 11 બાળકો સહિત 13નાં મોત

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે ફરી સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘૂસીને કેટલાક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કર્યો છે. આ હુમલા અફઘાનિસ્તાનના ખોસ્ત, કુનાર અને પક્તિકા નામના વિસ્તારોમાં કરવામાં આવ્યા છે.

તાલિબાન સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આ બૉમ્બમારામાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં સૌથી 11 નિર્દોષ બાળકો અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાનિસ્તાને આ ઘટનાને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવીને પાકિસ્તાનને ફટકાર્યું છે.

બંને દેશો વચ્ચેનો આ ઝઘડો નવો નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે વધુ હિંસક બન્યો છે. આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનની અવળચંડાઈ બાદ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનની અંદર જવાબી હુમલા કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના શરૂઆતના માત્ર ત્રણ મહિનામાં જ બંને દેશો વચ્ચેની લડાઈમાં 370થી વધુ નિર્દોષ અફઘાન નાગરિકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે, જેના કારણે સરહદી વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

આ વિવાદનું મુખ્ય કારણ આતંકવાદ છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પોતાના દેશમાં ‘TTP’ (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) નામના આતંકવાદી સંગઠનને આશરો આપે છે, જેઓ પાકિસ્તાનમાં ઘૂસીને હુમલા કરે છે. બીજી તરફ, અફઘાનિસ્તાન આ આરોપોને તદ્દન ખોટા ગણાવે છે અને ઉલટો પાકિસ્તાન પર તેમની શાંતિ ડહોળવાનો આરોપ લગાવે છે. વર્ષ 2025ના ઑક્ટોબરમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બ્લાસ્ટ બાદ આ સંબંધો વધુ બગડ્યા છે. એક હકીકત એ પણ છે કે સ્વયં પાકિસ્તાનની સરકાર આતંકીઓના સહારે ચાલે છે, પણ અફઘાનિસ્તાન પર તેઓ આરોપ લગાવતા રહે છે.

તાજેતરના હુમલાના બરાબર એક દિવસ પહેલાં જ સંયુક્ત રાષ્ટ્રની એક મહત્વની બેઠકમાં ભારતે આ મુદ્દે પાકિસ્તાનને દુનિયા સામે ઉઘાડું પાડ્યું હતું. યુએનમાં ભારતના પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનની ટીકા કરતાં કહ્યું હતું કે, આતંકવાદ ખતમ કરવાના બહાને પાકિસ્તાન જે રીતે અફઘાનિસ્તાનમાં હુમલા કરે છે તેનાથી નિર્દોષ બાળકો અને નાગરિકોના મોત થઈ રહ્યાં છે.