
સતત ત્રણ જનાદેશ સાથે 12 વર્ષથી સેવામાં અવિરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક કીર્તિમાન સ્થાપિત કાર્યો છે. તેઓ સતત સૌથી લાંબો કાર્યકાળ ધરાવનારા વડા પ્રધાન બન્યા છે. અત્યાર સુધી આ વિક્રમ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના નામે હતો. 10 જૂન, 2026ના દિવસે આ વિક્રમ પીએમ મોદીએ પોતાને નામ કર્યો.
આ ભવ્ય સિદ્ધિની ઉજવણી કરવા માટે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને NDAના સહયોગી પક્ષોના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. બેઠકમાં પીએમને અભિનંદન આપતો ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વડા પ્રધાન મોદી આ કાર્યક્રમને સંબોધિત કરીને ‘વિકસિત ભારત 2047’ માટે આગળનો રોડમેપ રજૂ કરશે એવી સંભાવના છે.
જવાહરલાલ નેહરુ છેક 1946થી સરકારના વડા હતા અને દેશ સ્વતંત્ર થયો ત્યારથી વડા પ્રધાન રહ્યા, પરંતુ 1952 સુધી તેઓ ચૂંટાયેલા વડા પ્રધાન ન હતા. 1952માં દેશની પહેલી સામાન્ય ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસની જીત થઈ અને નેહરુ ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા. ત્યારથી 1964માં તેમના નિધન સુધી આ પદ પર રહ્યા. આ કાર્યકાળના દિવસોની ગણતરી કરીએ તો 4398 થાય છે.
વડા પ્રધાન મોદીએ 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ 26 મે, 2014ના દિવસે શપથ લીધા હતા. ત્યારથી તેઓ સત્તામાં છે. 10 જૂન, 2026ના દિવસે તેઓ સત્તામાં 4399 દિવસ પૂર્ણ કરી રહ્યા છે. આમ તેઓ સતત સૌથી લાંબો સમય સેવામાં રહેનારા વડા પ્રધાન બન્યા છે.
વર્ષ 2014થી શરૂ થયેલા પીએમ મોદીના આ શાસનકાળ દરમિયાન દેશના ગરીબો, ખેડૂતો અને સામાન્ય નાગરિકોના કલ્યાણને તમામ સરકારી યોજનાઓના કેન્દ્રમાં રાખવામાં આવ્યું. સરકારની મોટી સિદ્ધિઓમાં 81 કરોડથી વધુ લોકોને મફત અનાજ, 58 કરોડથી વધુ જનધન બેન્ક ખાતાં અને 16 કરોડ ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આયુષ્માન ભારત યોજના હેઠળ 12 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારની સુવિધા આપવામાં આવી છે.
સરકારે દેશની મહિલાઓ અને ખેડૂતોના સશક્તિકરણ માટે પણ અનેક પગલાં લીધાં છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 12 કરોડથી વધુ શૌચાલયો બનાવાયાં, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે. ખેડૂતોની વાત કરીએ તો ‘પીએમ-કિસાન’ યોજના દ્વારા લગભગ 10 કરોડ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં 4.28 લાખ કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને MSPમાં પણ વધારો થતો રહ્યો છે.
છેલ્લાં 12 વર્ષોમાં ભારતની આર્થિક અને વૈશ્વિક સ્થિતિમાં પણ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 2014 પહેલાં ભારતની અર્થવ્યવસ્થા ખાસ સારી સ્થિતિમાં ન હતી, પરંતુ આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓએ દેશના યુવાનોને આગળ વધવાની નવી તકો આપી છે. વિદેશ નીતિના મોરચે પણ, UPI પેમેન્ટ સિસ્ટમની વૈશ્વિક સફળતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની મજબૂત છબીને કારણે વિશ્વભરના નેતાઓ પીએમ મોદીને આ રેકોર્ડ બદલ અભિનંદન આપી રહ્યા છે.

