દેશભરમાં વક્ફ સંપત્તિઓ, વક્ફ બોર્ડની સત્તાઓ અને ‘વક્ફ બાય યુઝર’ જેવા મુદ્દાઓને લઈને અવારનવાર ચર્ચા ચાલતી રહેતી હોય છે, તેવામાં હવે મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું છે કે માત્ર કોઈ જમીન પર દરગાહ, કબર કે મજહબી બાંધકામ અસ્તિત્વમાં હોવાને કારણે તે જમીન આપમેળે વક્ફ સંપત્તિ બની જતી નથી. કોર્ટે વધુમાં કહ્યું છે કે કોઈ સંસ્થાને કાયદાકીય રીતે વક્ફ તરીકે સ્થાપિત કર્યા વિના વક્ફ બોર્ડ તેના પર નિયંત્રણ સ્થાપી શકે નહીં અથવા ત્યાં મુતવલ્લીની નિમણૂક પણ કરી શકે નહીં.
5 જૂન 2026ના રોજ જસ્ટિસ કે. ગોવિંદરાજન થિલાકાવડીની બેન્ચે ચેન્નાઈના ટ્રિપ્લિકેન વિસ્તારમાં આવેલી ‘સરકાર સૈયદ હબીબુલ્લાહ શાહ ખાદરી આરિફ રબ્બાની હઝરત દરગાહ’ સંબંધિત કેસમાં આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કોર્ટે તામિલનાડુ વક્ફ બોર્ડ દ્વારા પસાર કરાયેલા ઠરાવને રદ કરતા સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે માત્ર દરગાહનું અસ્તિત્વ જ વક્ફ બોર્ડને તેના પર અધિકાર જમાવવાનો કાયદાકીય આધાર આપી શકતું નથી. જ્યાં સુધી કાયદામાં નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને તે સંપત્તિને વક્ફ તરીકે સ્થાપિત ન કરવામાં આવે ત્યાં સુધી વક્ફ બોર્ડને તેના પર આપમેળે સત્તા પ્રાપ્ત થતી નથી.
કોર્ટનો આ ચુકાદો માત્ર એક દરગાહ કે એક વિવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વક્ફ સંપત્તિની વ્યાખ્યા, વક્ફ બોર્ડની સીમાઓ અને મજહબી સ્વરૂપ તથા કાયદાકીય દરજ્જા વચ્ચેના તફાવતને સમજવા માટે પણ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
દરગાહને લઈને શું હતો વિવાદ?
સમગ્ર મામલો ચેન્નાઈના ટ્રિપ્લિકેન વિસ્તારમાં કામરાજ રોડ પર આવેલી એક જૂની દરગાહને લઈને ઊભો થયો હતો. અરજદાર એમ. મોહમ્મદ અજમતુલ્લાહે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ દરગાહ આશરે 240 વર્ષ જૂની છે અને તેમનો પરિવાર છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તેની દેખરેખ, જાળવણી અને સંચાલન કરી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ વારસાગત રીતે દરગાહના મુતવલ્લી તરીકે ફરજ બજાવતા આવ્યા છે.
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે જે જમીન પર દરગાહ આવેલી છે તે વક્ફ સંપત્તિ નહીં પરંતુ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની (PWD) જમીન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2021માં PWD પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી તેમણે પોતાના નામે વીજળીનું કનેક્શન પણ લીધું હતું, જે દર્શાવે છે કે સરકારી વિભાગ પોતે આ જમીનને વક્ફ તરીકે જોતો નહોતો.
વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે તામિલનાડુ વક્ફ બોર્ડે 23 ઑગસ્ટ 2023ના રોજ ઠરાવ પસાર કરીને એ. શૈનશાને દરગાહના મુતવલ્લી તરીકે નિયુક્ત કર્યા અને ત્યારબાદ 14 સપ્ટેમ્બર 2023ના રોજ તેના આધારે આદેશ પણ જારી કર્યો. અજમતુલ્લાહે આ નિર્ણયને પ્રથમ વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો, પરંતુ અરજી ફગાવાયા બાદ તેઓ મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા.
અરજદારનો દાવો: વક્ફ બોર્ડે વક્ફ સાબિત જ કર્યું નથી
અરજદાર તરફથી રજૂ કરવામાં આવેલી મુખ્ય દલીલ એ હતી કે વક્ફ બોર્ડે સૌથી મૂળભૂત પ્રશ્નનો જવાબ આપ્યા વિના સીધી મુતવલ્લીની નિમણૂક કરી દીધી. તેમનું કહેવું હતું કે બોર્ડે એ સાબિત જ કર્યું નથી કે વિવાદિત જમીન ખરેખર વક્ફ સંપત્તિ છે.
તેમણે કોર્ટને જણાવ્યું હતું કે જમીન સરકારી માલિકીની છે અને કોઈ કાયદેસર સોંપણી, ગેઝેટ નોટિફિકેશન, કાયદાકીય જાહેરનામું અથવા વક્ફ સરવેનો રેકોર્ડ એવો નથી જે તેને વક્ફ સંપત્તિ તરીકે સ્થાપિત કરે. તેમના જણાવ્યા અનુસાર વક્ફ બોર્ડે માત્ર કેટલીક રજૂઆતો અને એક ટ્રસ્ટ ડીડના આધારે આગળ વધીને મુતવલ્લીની નિમણૂક કરી દીધી હતી.
અરજદારે વધુમાં એવો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે જો વક્ફ બોર્ડને લાગતું હતું કે હાલના સંચાલકને હટાવવો જોઈએ તો વક્ફ અધિનિયમની કલમ 64 હેઠળ જે કાયદાકીય પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે તેનું પાલન કરવું જરૂરી હતું. તેમના કહેવા મુજબ તે પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું.
વક્ફ બોર્ડે કોર્ટમાં શું દલીલો કરી?
બીજી તરફ તામિલનાડુ વક્ફ બોર્ડે કોર્ટમાં દલીલ કરી હતી કે દરગાહ અને તેની આસપાસની જમીન મૂળ દરગાહ સાથે સંકળાયેલી હતી. બોર્ડે એવો પણ દાવો કર્યો હતો કે આસપાસનો વિસ્તાર અગાઉ કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતો હતો અને મજહબી તથા પરોપકારી હેતુઓ માટે વપરાતી સંપત્તિ વક્ફના સ્વરૂપમાં આવે છે.
વક્ફ બોર્ડે દલીલ કરી હતી કે એકવાર કોઈ સંપત્તિ મજહબી અને ચેરિટેબલ હેતુ માટે સમર્પિત થઈ જાય ત્યારબાદ તે વક્ફ સંપત્તિ બની જાય છે અને વક્ફ બોર્ડના સુપરવિઝરી નિયંત્રણ હેઠળ આવે છે. બોર્ડે એવો પણ દાવો કર્યો હતો કે અરજદારે પોતે જ સ્વીકાર્યું હતું કે તેઓ દરગાહના મૂળ પરિવાર સાથે સંબંધ ધરાવતા નથી, તેથી તેઓ વારસાગત મુતવલ્લી હોવાનો દાવો કરી શકતા નથી. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે વક્ફ અધિનિયમની કલમ 36(4) હેઠળ દરગાહના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી હતી અને શૈનશાની નિમણૂક યોગ્ય રીતે કરવામાં આવી હતી.
PWDએ વક્ફ બોર્ડના દાવાને પડકાર્યો
કેસમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે (PWD) પોતે વક્ફ બોર્ડના દાવાનો વિરોધ કર્યો. વિભાગે કોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું કે વિવાદિત જમીન વર્ષ 1974થી સરકારી પોરમ્બોક જમીન તરીકે નોંધાયેલી છે અને સરકારના નિયંત્રણ હેઠળ છે.
PWDએ કોર્ટને જણાવ્યું હતું કે આ જમીન ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સને ભાડા વિના ફાળવવામાં આવી હતી. વિભાગે એવો પણ આરોપ મૂક્યો હતો કે શૈનશાએ વિભાગની મંજૂરી વિના દરગાહની જમીનનું રજિસ્ટ્રેશન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં PWDએ દલીલ કરી હતી કે વિવાદિત દરગાહને વક્ફ તરીકે ગણાવી શકાય નહીં, કારણ કે તે જાહેર હેતુ સાથે સંકળાયેલી ઇસ્લામી મજહબી સેવા તરીકે સ્થાપિત હોવાનું સાબિત થયું નથી.
‘વક્ફ બાય યુઝર’ની દલીલ આગળ ધરાઈ
શૈનશાએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે દરગાહ વક્ફ અધિનિયમ હેઠળ વક્ફ તરીકે ગણાય છે અને તેમના પૂર્વજો વર્ષોથી તેનું સંચાલન કરતા આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમના પરિવાર દ્વારા વર્ષોથી મજહબી વિધિઓ અને અન્ય મજહબી પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહી છે.
તેમણે વર્ષ 2010ની ટ્રસ્ટ ડીડનો પણ આધાર લીધો હતો અને દલીલ કરી હતી કે વક્ફનું રજિસ્ટ્રેશન માત્ર એક કાયદાકીય ઔપચારિકતા છે. તેમના જણાવ્યા અનુસાર માત્ર રજિસ્ટ્રેશન ન થયું હોય એટલા માટે વક્ફનું અસ્તિત્વ નકારી શકાય નહીં.
શૈનશાએ વધુમાં ‘વક્ફ બાય યુઝર’નો સિદ્ધાંત આગળ ધરીને દલીલ કરી હતી કે લાંબા સમયથી જાહેર મજહબી ઉપયોગ થતો હોય તો પણ વક્ફ અસ્તિત્વમાં આવી શકે છે, ભલે તેની પાછળ સ્પષ્ટ સમર્પણના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય.
મજહબી સ્વરૂપ અને કાયદાકીય દરજ્જો અલગ બાબતો છે: કોર્ટ
તમામ પક્ષોની દલીલો બાદ મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ હતો જેમાં કોર્ટે મજહબી સ્વરૂપ અને કાયદાકીય દરજ્જા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કોઈ સ્થળ મજહબી સ્વરૂપ ધરાવતું હોય શકે છે, પરંતુ માત્ર તેના આધારે તેને વક્ફ સંપત્તિ ગણાવી શકાય નહીં.
કોર્ટના જણાવ્યા અનુસાર કોઈ દરગાહ, કબર અથવા મજહબી સ્થળનું અસ્તિત્વ માત્ર એ સાબિત કરતું નથી કે તે જમીન વક્ફ સંપત્તિ છે અથવા વક્ફ બોર્ડને તેના પર અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. વક્ફ બોર્ડે સૌપ્રથમ કાયદા અનુસાર એ સ્થાપિત કરવું પડે કે તે સંપત્તિ ખરેખર વક્ફ છે.
કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, “માત્ર દરગાહનું અસ્તિત્વ વક્ફ બોર્ડને આપમેળે અધિકાર આપતું નથી, જ્યાં સુધી તે સંસ્થાને કાયદા અનુસાર વક્ફ તરીકે સ્થાપિત કે સ્વીકારવામાં ન આવી હોય.”
સરવે અને ગેઝેટ નોટિફિકેશન ફરજિયાત, વૈકલ્પિક નહીં
કોર્ટ પછી વક્ફ અધિનિયમ હેઠળની કાયદાકીય પ્રક્રિયા તરફ વળી હતી. કોર્ટે નોંધ્યું કે કોઈ સંપત્તિને વક્ફ જાહેર કરતા પહેલાં સરવે કમિશનર દ્વારા તપાસ થવી જરૂરી છે. ત્યારબાદ તેનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવે છે, રાજ્ય સરકાર તે વક્ફ બોર્ડને મોકલે છે અને અંતે વક્ફની યાદી સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થાય છે. કોર્ટે કહ્યું કે આ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા નથી, પરંતુ કાયદાકીય પૂર્વશરત છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વક્ફ જાહેર કરતા પહેલાં સરવે કરવો ‘સાઇન ક્વા નોન’ છે, એટલે કે તે અનિવાર્ય છે.
આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે વિવાદિત જમીન અંગે ન તો કાયદેસર સરવે કરવામાં આવ્યો હતો અને ન તો તેને ગેઝેટમાં વક્ફ તરીકે જાહેર કરવામાં આવી હતી. પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે સરવે પ્રક્રિયા ચાલુ છે, પરંતુ કોર્ટે કહ્યું કે પહેલાં સરવે અને પછી વક્ફનો દરજ્જો, તેનાથી વિપરીત નહીં.
દરેક દરગાહ કે કબર આપમેળે વક્ફ સંપત્તિ નથી: કોર્ટ
ચુકાદામાં કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે દરેક દરગાહ કે કબર આપમેળે વક્ફ સંપત્તિ બની જતી નથી. કોર્ટે નોંધ્યું કે વક્ફનું અસ્તિત્વ સાબિત કરવા માટે મુસ્લિમ એન્ડોમેન્ટનું અસ્તિત્વ હોવું જરૂરી છે. કોર્ટના જણાવ્યા અનુસાર વક્ફ ત્યારે જ બને જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ પોતાની માલિકીની સંપત્તિ મજહબી, પરોપકારી અથવા ઇસ્લામી કાયદા દ્વારા માન્ય હેતુ માટે કાયમ માટે સમર્પિત કરે. માત્ર મજહબી પ્રવૃત્તિઓ અથવા મઝહબી સ્થળનું અસ્તિત્વ પૂરતું નથી.
કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે અદાલતો ઘણી વખત ખાનગી પારિવારિક કબર અને જાહેર મજહબી એન્ડોમેન્ટ તરીકે સંચાલિત થતી કોઈ દરગાહ વચ્ચે સ્પષ્ટ તફાવત કરે છે.
કોર્ટએ જણાવ્યાં વક્ફ સાબિત કરવાનાં માપદંડ
ચુકાદામાં કોર્ટે એ પણ સમજાવ્યું કે કોઈ દરગાહ અથવા મજહબી સ્થળ ખરેખર વક્ફ છે કે નહીં તે નક્કી કરવા માટે કયા પરિબળો ધ્યાનમાં લેવાં જોઈએ. કોર્ટ અનુસાર જોવું પડે કે શું સામાન્ય લોકોને ત્યાં મજહબી ક્રિયા કે ઝિયારત માટે પ્રવેશ છે, શું મજહબી હેતુ માટે ચઢાવો લેવામાં આવે છે, શું ત્યાં નિયમિત મજહબી વિધિઓ થાય છે, શું તેની જાળવણી કોઈ એન્ડોમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને શું મુસ્લિમ સમાજ તેને જાહેર મજહબી સંસ્થા તરીકે ઓળખે છે.
કોર્ટે વધુમાં જણાવ્યું કે વક્ફ ડીડ, રેવન્યુ રેકોર્ડ, ઇનામ રજિસ્ટર, ઐતિહાસિક ગ્રાન્ટ, ગેઝેટ નોટિફિકેશન, વક્ફ સરવે રિપોર્ટ, લાંબા સમયથી વક્ફ તરીકે થયેલું સંચાલન અથવા અગાઉના ન્યાયિક નિર્ણયો જેવા પુરાવા વક્ફ અસ્તિત્વ સાબિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
‘વક્ફ બાય યુઝર’નો દાવો કેમ ન ટક્યો?
શૈનશાએ લાંબા ઉપયોગના આધારે ‘વક્ફ બાય યુઝર’ની દલીલ કરી હતી, પરંતુ કોર્ટે તેને સ્વીકારી નહોતી. કોર્ટે નોંધ્યું કે લાંબા ઉપયોગથી વક્ફ હોવાનું અનુમાન થઈ શકે, પરંતુ તે માટે પુરાવા જરૂરી છે.
ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે રેકોર્ડ પર એવું કંઈ નથી જે દર્શાવે કે જે જમીન પર દરગાહ આવેલી છે તે ખરેખર દરગાહની માલિકીની હતી. કોર્ટે એ પણ નોંધ્યું કે ટ્રસ્ટ ડીડ રજૂ કરવામાં આવી હતી, પરંતુ તે અમલમાં મૂકાઈ હતી કે નહીં તે દર્શાવતા પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.
આથી કોર્ટે નિષ્કર્ષ કાઢ્યો કે માત્ર ઉપયોગનો દાવો પૂરતો નથી અને પુરાવાના અભાવે આ જમીનને ‘વક્ફ બાય યુઝર’ તરીકે સ્વીકારી શકાય નહીં.
મુતવલ્લીની નિમણૂક પહેલાં વક્ફનું અસ્તિત્વ સાબિત કરવું જરૂરી
ચુકાદાના અંતિમ સૌથી મહત્વપૂર્ણ તારણોમાંનું એક એ હતું કે મુતવલ્લીની નિમણૂક પોતે જ એ પૂર્વધારણા પર આધારિત છે કે વક્ફ અસ્તિત્વમાં છે. કોર્ટે નોંધ્યું હતું કે મુતવલ્લીની નિમણૂક પોતે જ એ પૂર્વધારણા પર આધારિત હોય છે કે સંબંધિત સંસ્થા અથવા સંપત્તિ કાયદાકીય રીતે વક્ફ તરીકે અસ્તિત્વમાં છે. કોર્ટે કહ્યું કે વક્ફ બોર્ડ કોઈ વ્યક્તિને મુતવલ્લી તરીકે નિયુક્ત કરે તે પહેલાં તેને સૌપ્રથમ એ સ્થાપિત કરવું પડે કે જે સંસ્થા કે સંપત્તિ માટે નિમણૂક કરવામાં આવી રહી છે તે ખરેખર વક્ફ છે કે કેમ. કોર્ટે કહ્યું કે કોઈ સંસ્થા પર નિયંત્રણ સ્થાપિત કરતાં પહેલાં વક્ફ બોર્ડે જરૂરી ‘જ્યુરિસ્ડિક્શનલ ફેક્ટ્સ’ (અર્થાત્, કોઈ સંસ્થા પર સત્તા જમાવતા પહેલાં વક્ફ બોર્ડે એ સાબિત કરવું પડે કે તે સંસ્થા ખરેખર વક્ફ કાયદાના દાયરામાં આવે છે.) સાબિત કરવા પડે.
આ કેસમાં વક્ફ બોર્ડ તે કરવામાં નિષ્ફળ ગયું હોવાથી કોર્ટે 23 ઑગસ્ટ 2023નો ઠરાવ અને 14 સપ્ટેમ્બર 2023નો અનુગામી આદેશ રદ કરી દીધો.
જોકે કોર્ટે અરજદારને કાયમી ઇન્જંક્શન આપવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે અરજદાર અને શૈનશા બંને દરગાહના સંચાલન, વારસાગત અધિકાર અને સ્થાપક હકો અંગે દાવા કરી રહ્યા છે. કોર્ટના જણાવ્યા અનુસાર આ વિવાદનો અંતિમ નિર્ણય સક્ષમ સિવિલ કોર્ટ દ્વારા જ થઈ શકે. પરિણામે વક્ફ બોર્ડનો નિર્ણય તો રદ થયો છે, પરંતુ દરગાહના સંચાલન અને અધિકારો અંગેનો મૂળ વિવાદ હજુ પણ ખુલ્લો છે અને હવે તેનો નિર્ણય સિવિલ કોર્ટમાં થશે.


