
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને વસૂલીના આરોપોને લઈને લોકોનો આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા બે અલગ-અલગ બનાવોમાં એક તરફ મનરેગા ફંડમાં ગેરરીતિના આરોપોનો સામનો કરી રહેલા TMC કાર્યકરને ગ્રામજનોએ જાહેરમાં જૂતાંની માળા પહેરાવી ફેરવ્યો તો બીજી તરફ એક અન્ય TMC નેતા પોલીસથી બચવા માટે સાડીઓના ઢગલા નીચે છુપાયેલો મળી આવ્યો હતો.
પ્રથમ ઘટના પશ્ચિમ બંગાળના શ્યામપુર વિસ્તારની છે. અહેવાલો અનુસાર TMC સાથે સંકળાયેલા સન્ન્યાસી મન્ના સામે 100 દિવસ રોજગાર યોજનાનાં (મનરેગા) નાણાંમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને લાંબા સમયથી ગ્રામજનોમાં રોષ હતો.
ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા અને વિરોધ શરૂ કર્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ સન્ન્યાસી મન્નાનું માથું મુંડાવી દીધું, ગળામાં જૂતાંની માળા પહેરાવી અને કમરે દોરડું બાંધીને આખા વિસ્તારમાં ફેરવ્યો.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી અને સન્ન્યાસી મન્નાને ભીડમાંથી છોડાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. માહિતી અનુસાર મનરેગાનાં નાણાંમાં ગેરરીતિને લઈને લાંબા સમયથી લોકોમાં અસંતોષ હતો.
બીજી ઘટના હાવડા જિલ્લાના ઉદયનારાયણપુર વિસ્તારની છે. અહીં TMC સાથે સંકળાયેલા બ્રહ્માનંદ ચક્રવર્તી નામના સ્થાનિક નેતાની ધરપકડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બ્રહ્માનંદ ચક્રવર્તી સામે સરકારી આવાસ યોજનામાં ‘કટ મની’ લેવાના અને જબરદસ્તી વસૂલીના આરોપો છે. ફરિયાદોના આધારે પોલીસ તેને શોધી રહી હતી.
પોલીસ જ્યારે શોધખોળ માટે પહોંચી ત્યારે તે એક કપડાંની દુકાનના સ્ટોરરૂમમાં સાડીઓના મોટા ઢગલા નીચે છુપાઈ ગયો હતો. જોકે, તલાશી દરમિયાન પોલીસને શંકા જતાં સાડીઓના બંડલ હટાવવામાં આવ્યા અને તે ત્યાંથી ઝડપાઈ ગયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. બ્રહ્માનંદ ચક્રવર્તી સામે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ થયેલી રાજકીય હિંસાના કેસો સહિત અન્ય આરોપોની પણ તપાસ ચાલી રહી છે.
બંગાળથી સામે આવેલી આ બંને ઘટનાઓએ TMC સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક નેતાઓ સામે ઉભા થયેલા અસંતોષ અને ભ્રષ્ટાચારના આરોપોને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. એક તરફ લોકોનો આક્રોશ જાહેરમાં ફાટી નીકળતો જોવા મળ્યો તો બીજી તરફ પોલીસ કાર્યવાહીથી બચવાના પ્રયાસો પણ સામે આવ્યા.

