મુસ્લિમ પ્રોફેસરની પારસી પત્નીના અંતિમ સંસ્કાર માટે ન પારસી સમાજે મંજૂરી આપી, ન કબ્રસ્તાને: 2 દિવસ મોર્ગમાં રહ્યો મૃતદેહ, અંતે હિંદુ સંગઠનોએ નવસારીના સ્મશાનમાં કર્યો અગ્નિસંસ્કાર

નવસારીમાં એક પારસી મહિલા અને તેમના મુસ્લિમ પતિ સાથે જોડાયેલી ઘટના ચર્ચાનો વિષય બની છે. પારસી મહિલાના અવસાન બાદ તેમના અંતિમ સંસ્કારને લઈને એવી સ્થિતિ સર્જાઈ કે પારસી અને મુસ્લિમ બંને સમુદાયે અંતિમ વિધિ માટે કે દફનવિધિ માટે જગ્યા આપવાનો ઇનકાર કરી દીધો. મૃતદેહ બે દિવસ સુધી હોસ્પિટલના મોર્ગમાં રાખવો પડ્યો હતો. અંતે VHPના સ્થાનિક આગેવાનો અને હિંદુ સમાજના સહયોગથી મહિલાનો હિંદુ વિધિ મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર 55 વર્ષીય પારસી મહિલાએ ગુજરાતી સાહિત્યના એક મુસ્લિમ પ્રોફેસર સાથે લગ્ન કર્યા હતા. પ્રોફેસર મૂળ જૂનાગઢના હોવાનું અને છેલ્લા આશરે 35 વર્ષથી નવસારીમાં રહેતા હોવાનું જણાવાયું છે. બંનેની મુલાકાત એક કોલેજમાં થઈ હતી, જ્યાં પ્રોફેસર અધ્યાપન કાર્ય કરતા હતા અને મહિલા ગુજરાતી વિષયનો અભ્યાસ કરતી હતી.

પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. મહિલાએ લગ્ન બાદ ઇસ્લામ સ્વીકાર્યો નહોતો અને ઝોરોસ્ટ્રિયન પરંપરાનું પાલન ચાલુ રાખ્યું હતું. જોકે પારસી સમાજના કેટલાક સામાજિક કાર્યક્રમોથી તે વર્ષો સુધી દૂર રહી હતી. દંપતીને સંતાન પણ નહોતું.

સોમવારે મહિલાની તબિયત બગડતાં તેને નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગુરુવારે તેનું અવસાન થયું હતું. ત્યારબાદ તેના પતિએ પારસી સમાજના આગેવાનોનો સંપર્ક કરીને પત્નીની અંતિમવિધિ પારસી રીતિ-રિવાજ મુજબ કરવાની વિનંતી કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર આ વિનંતી સ્વીકારવામાં આવી નહોતી.

ત્યારબાદ મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનવિધિ માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાંથી પણ મંજૂરી મળી નહોતી. પરિણામે મહિલાનો મૃતદેહ બે દિવસ સુધી હોસ્પિટલના મોર્ગમાં જ રાખવામાં આવ્યો હતો.

મહિલાના એક સગાએ બાદમાં પોતાના મિત્ર અને નવસારી VHPના આગેવાન સાજન ભરવાડનો સંપર્ક કર્યો હતો. પરિસ્થિતિ જાણ્યા બાદ તેમણે પરિવારને મદદની ખાતરી આપી હતી. સાજન ભરવાડે જણાવ્યું હતું કે મહિલાના સગાએ બંને સમાજોમાંથી અંતિમવિધિ માટે મંજૂરી ન મળવાની વાત કરી હતી, ત્યારબાદ તેમણે માનવતાના ધોરણે મદદ કરવાનો નિર્ણય લીધો હતો.

તેમણે નવસારીના વેરાવળ વિસ્તારમાં આવેલી વિશાળ હિંદુ સ્મશાનભૂમિના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હતી. ટ્રસ્ટીઓ સંમત થયા બાદ શુક્રવારે મહિલાના મૃતદેહને ત્યાં લઈ જવામાં આવ્યો હતો. મહિલાના નજીકના સગાઓ તેમજ તેના પતિના પરિવારજનોની હાજરીમાં હિંદુ વિધિ મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

સ્થાનિક અહેવાલો અનુસાર અગ્નિસંસ્કાર પહેલાં મુસ્લિમ પતિના પરિવારજનોએ પોતાના મજહબ મુજબ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા હતા. અગ્નિસંસ્કાર બાદ મહિલાની અસ્થિઓ તેના પતિને સોંપવામાં આવી હતી.

સાજન ભરવાડે જણાવ્યું હતું કે પરિવારની સંમતિ બાદ જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અગ્નિસંસ્કાર પૂર્ણ થયા બાદ અસ્થિઓ પણ પતિને સોંપવામાં આવી હતી. તેમણે આને પોતાનું કર્તવ્ય ગણાવ્યું હતું.