ગુજરાતભરમાં અનેક ઠેકાણે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધીશોધીને તગેડી મૂકવા માટે ગુજરાત સરકારના આદેશથી પોલીસ વિભાગે ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ નામનું એક રાજ્યવ્યાપી અભિયાન આરંભ્યું છે. મંગળ-બુધની મધ્યરાત્રિથી શરૂ થયેલા આ ઑપરેશન હેઠળ રાજ્યનાં અનેક શહેરો-નગરોમાં દરોડા પાડવામાં આવ્યા અને શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી. આ ઑપરેશન હેઠળ અત્યાર સુધીમાં 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે. ઑપરેશન હજુ ચાલી રહ્યું છે. જેમજેમ આગળ વધતું રહેશે તેમ આ આંકડો વધતો રહેશે.
ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમ અને EOW સહિત ગુજરાત પોલીસની અનેક શાખાઓની ટીમો આ મેગા ડ્રાઇવમાં જોડાઈ છે. બાંગ્લાદેશીઓના વસવાટનું જ્યાં સૌથી વધુ પ્રમાણ છે એ અમદાવાદના દાણીલીમડા, વટવા, ઈસનપુર, ઓઢવ, નારોલ, નરોડા, સરખેજ અને સોલા જેવા વિવિધ વિસ્તારોમાં પણ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદોની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચ ઓફિસે લાવવામાં આવ્યા હતા. અહીં ખરાઈ અને ચેકિંગ બાદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી.
બુધવારે (3 જૂન) રાત્રિ સુધીમાં પોલીસે સમગ્ર રાજ્યમાંથી હજારથી વધુની અટકાયત કરી લીધી હતી, જેમાંથી પહેલાં 362ની અટકાયત કરવામાં આવી હોવાનું અને અન્ય 782ની પૂછપરછ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું, પછીથી આંકડો વધીને 500 પાર પહોંચી ગયો.
Under Operation Delta Hunt, Gujarat Police has detained 362 illegal Bangladeshi nationals, while verification and interrogation of over 782 suspected individuals is underway. pic.twitter.com/j9cS1A9SJf
— DGP Gujarat (@dgpgujarat) June 3, 2026
પ્રાથમિક તપાસમાં મોટાભાગની બાંગ્લાદેશી મહિલાઓ શહેરમાં સ્પા અને દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મળી આવી છે, જ્યારે પુરુષો છૂટક મજૂરી કરતા હતા.
અમુક ઝડપાયેલા ઘૂસણખોરો પાસેથી નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડ જેવાં ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જે બનાવનાર એજન્ટોની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત તેઓ અહીં કમાયેલા પૈસા મોબાઈલ એપ્લિકેશન અને સ્થાનિક આંગડિયા કે હવાલા નેટવર્ક મારફતે બાંગ્લાદેશ મોકલતા હોવાનું સામે આવ્યું છે, જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોરને નહીં સાંખી લેવામાં આવે. તેમણે જણાવ્યું છે કે આ 362 બાંગ્લાદેશીઓને કોણે ઘર આપ્યું? કોણે નોકરી આપી એ બધાને પોલીસની બીજી ટીમો શોધી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે જે લોકો ઘૂસણખોરોને મદદ કરતા હશે તેમની વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપવામાં, ભાડાંના મકાન અપાવવામાં અને સ્થાનિક સ્તરે સ્થાયી થવામાં સ્થાનિક મુસ્લિમોની જ ભૂમિકા છે. અગાઉ અમદાવાદામાં ચંડોળા તળાવ ખાતે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ત્યારે જાવેદ અને લલ્લા બિહારી જેવા એજન્ટો સક્રિય હતા, જે બાંગ્લાદેશીઓને સ્થાયી કરાવતા હતા. હાલ પણ આવા જ એજન્ટોની મદદથી ઘૂસણખોરોને પ્રોત્સાહન મળતું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે અને આવાઓની શોધખોળ કરવા માટે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
‘ઑપરેશન મ્યૂલ હન્ટ’ના નામે ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ની તૈયારી કરાઈ
બે દિવસ પહેલાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ મધ્ય રાત્રિએ તેમના ગાંધીનગરના કાર્યાલયે રાજ્યભરના પોલીસ વિભાગના અધિકારીઓની એક બેઠક યોજી હતી. આ બેઠક વિશે પછીથી એવી જાણકારી આપવામાં આવી કે સાયબર ફ્રોડ વિરુદ્ધ ગુજરાત પોલીસે શરૂ કરેલા ‘ઑપરેશન મ્યૂલ હન્ટ’ના બીજા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે અને એટલે જ ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. પરંતુ વાસ્તવમાં બેઠક બાંગ્લાદેશીઓને પકડવા માટેના ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ બાબતે થઈ હોવાની શક્યતાઓ અનેકગણી વધારે છે. ‘મ્યૂલ હન્ટ’ ઑપરેશન માત્ર કવર માટે હતું, જેથી બાંગ્લાદેશીઓ અને તેમને રક્ષણ આપનારાઓ પણ સાબદા ન થઈ જાય અને દરોડા પડશે તેવી શંકા ન જાય.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બનતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ગુજરાત પોલીસનું 'ઓપરેશન ડેલ્ટા હન્ટ'
— Harsh Sanghavi (@sanghaviharsh) June 3, 2026
કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. pic.twitter.com/Qjz7lfYPI8
આ બેઠકના એક દિવસ બાદ ગુજરાત પોલીસે દરોડા પાડવાના શરૂ કરી દીધા હતા. ઑપરેશન એવી રીતે ચલાવવામાં આવ્યું કે પોલીસ અને એજન્સીઓ જ્યાં દરોડા પાડવા માટે જાય ત્યાં પહેલાં નાકાબંધી કરી દેવામાં આવે, જેથી કોઈ ભાગી ન શકે. આના કારણે ઘણા લોકો જે પોલીસથી ભાગવા ગયા તેઓ પણ પકડાઈ ગયા. ડેપ્યુટી સીએમ સંઘવીએ જણાવ્યું છે કે આ ઑપરેશન ચાલુ જ રહેશે અને રાજ્યભરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધીશોધીને બહાર કાઢવામાં આવશે. રાજ્યના તમામ ક્ષેત્રોનાં તમામ શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


