હવે એક જ સોગંદનામાથી થશે અનેક સરકારી કામ: ગુજરાત સરકારે લાગુ કર્યું યુનિવર્સલ એફિડેવિટ

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ વહીવટી સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના કાયદા વિભાગે સમગ્ર રાજ્યમાં સ્વીકાર્ય બને તેવું એક સમાન ‘યુનિવર્સલ એફિડેવિટ’નું નવું ધોરણસરનું ફોર્મેટ જાહેર કર્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારી સેવાઓ મેળવતી વખતે નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવાનો અને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે.

અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોની વિવિધ યોજનાઓ, દાખલાઓ કે સેવાઓનો લાભ લેવા માટે અરજદારોએ જુદા-જુદા લખાણ સાથેનાં સોગંદનામા રજૂ કરવાં પડતાં હતાં. ચોક્કસ ફોર્મેટના અભાવે બિનજરૂરી જટિલતા ઊભી થતી હતી, જેના કારણે સામાન્ય જનતાનો કિંમતી સમય વેડફાતો હતો અને સરકારી કામકાજમાં પણ વિલંબ થતો હતો. આ નવી વ્યવસ્થાથી હવે નાગરિકોને વારંવાર અલગ-અલગ એફિડેવિટ કરાવવાની માથાકૂટમાંથી કાયમી મુક્તિ મળશે.

નવા નિયમ અનુસાર આ યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરની તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરનારા અરજદારોની સુવિધા માટે આ ફોર્મેટને ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જન સેવા કેન્દ્રો પર પણ સમાન રીતે અમલી બનાવી દેવામાં આવ્યું છે.

કાયદા વિભાગે આ બાબતે એક મહત્વની સ્પષ્ટતા પણ કરી છે. આ યુનિવર્સલ એફિડેવિટ માત્ર એવા જ કિસ્સાઓમાં લાગુ પડશે જ્યાં કાયદાકીય રીતે સોગંદનામું જરૂરી હોય પરંતુ તેનું કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય. જે સરકારી સેવાઓમાં કાયદા મુજબ એફિડેવિટની કોઈ જરૂરિયાત નથી, ત્યાં સામાન્ય વહીવટ વિભાગના જૂના નિયમ પ્રમાણે એફિડેવિટના સ્થાને માત્ર ‘સ્વઘોષણા’ની (Self-Declaration) સરળ પ્રક્રિયા જ ચાલુ રહેશે.

નાગરિકોની વધુ સરળતા અને સગવડતા માટે કાયદા વિભાગ દ્વારા આ સત્તાવાર યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે. સરકારનાં આ પગલાંથી સરકારી કામકાજમાં પેપરવર્ક ઘટશે, વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને સમગ્ર રાજ્યમાં સરકારી સેવાઓમાં એકરૂપતા આવશે.