
ચૂંટણી પંચે (EC) દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજવા માટેના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી છે. આગામી જૂન અને જુલાઈ 2026 દરમિયાન મુદત પૂરી કરી રહેલા 24 સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો ભરવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણી માટે 1 જૂનના રોજ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 18 જૂને સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 20 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
આ ચૂંટણીમાં ગુજરાતની જે 4 બેઠકો ખાલી થઈ રહી છે તેના સભ્યોની યાદી પણ સામે આવી ગઈ છે. ગુજરાતમાંથી ભાજપના ત્રણ સાંસદો રામભાઈ મોકારિયા, નરહરી અમીન અને રમિલાબેન બારા તેમજ કોંગ્રેસના (INC) શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ રહ્યા છે.
ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી પણ સૌથી વધુ 4-4 બેઠકો ખાલી થઈ રહી છે. આ સિવાય રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 3-3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો (જેમાં શિબુ સોરેનના અવસાનથી ખાલી પડેલી બેઠક સામેલ છે) તેમજ મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની 1-1 બેઠક માટે મતદાન થશે.
EC announces Schedule for #RajyaSabha Elections to 24 Seats. #Elections2026 #ECI
— All India Radio News (@airnewsalerts) May 22, 2026
▪️Former Prime Minister H. D. Devegowda and Union Ministers George Kurian and Ravneet Singh are among the Members who are completing their terms next month. pic.twitter.com/rUuCzbeS2W
આ રાષ્ટ્રીય ચૂંટણીમાં દેશના પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંઘ તેમજ કેન્દ્રીય મંત્રીઓ જ્યોર્જ કુરિયન અને રવનીત સિંઘ બિટ્ટુ જેવા દિગ્ગજ નેતાઓનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જાહેર કરેલા શેડ્યૂલ મુજબ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે.
ત્યારપછી 9 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને જે ઉમેદવારો પોતાના નામ પરત ખેંચવા માંગતા હોય તેઓ 11 જૂન સુધીમાં ફોર્મ પાછું ખેંચી શકશે. મતદાન પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે પંચે ખાસ નિયમ કર્યો છે કે મતપત્ર પર પસંદગી દર્શાવવા માટે માત્ર ચૂંટણી અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ જાંબલી રંગની (Violet) સ્કેચ પેનનો જ ઉપયોગ કરી શકાશે, અન્ય કોઈ પણ પેનનો ઉપયોગ કરનારનો મત અમાન્ય ગણાશે.
મુખ્ય ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને AIADMKના સાંસદ સી. વી. શણમુગમ તાજેતરમાં જ પોતપોતાના રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા તેમણે રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ બંને ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી પણ મુખ્ય ચૂંટણીની સાથે જ એટલે કે 18 જૂનના રોજ યોજવામાં આવશે.

