હોમપેજગુજરાતધોલેરામાં સ્થાપિત થશે ભારતનું પ્રથમ મિનિ-માઇક્રો LED ડિસ્પ્લે યુનિટ: શું છે આ...

ધોલેરામાં સ્થાપિત થશે ભારતનું પ્રથમ મિનિ-માઇક્રો LED ડિસ્પ્લે યુનિટ: શું છે આ ટેક્નોલોજી અને આત્મનિર્ભર ભારતને કેવી રીતે આપશે વેગ

એક સમય હતો જ્યારે આવી અદ્યતન ટેક્નોલોજી માત્ર અમેરિકા, તાઇવાન, દક્ષિણ કોરિયા અથવા ચીન જેવા દેશો સુધી મર્યાદિત માનવામાં આવતી હતી. હવે ભારત પણ એ જ સ્પર્ધામાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ધોલેરામાં ઊભી થનારી આ ફેસિલિટી કદાચ એ બદલાવનું સૌથી સ્પષ્ટ પ્રતિક બની શકે છે.

- Advertisement -

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ અદ્યતન ટેક્નોલોજીના વૈશ્વિક નકશા પર પોતાનું સ્થાન મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સેમિકન્ડક્ટરથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સુધી દુનિયાભરમાં ચાલી રહેલી ટેક્નોલોજીકલ સ્પર્ધામાં હવે ભારત પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે માટે પીઠબળ પૂરું પાડી રહ્યું છે ગુજરાત. હવે આ જ દિશામાં ગુજરાતના ધોલેરામાં દેશનું પ્રથમ મિનિ/માઇક્રો LED ડિસ્પ્લે ફેબ યુનિટ સ્થાપિત થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન હેઠળ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટ હેઠળ ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ ધોલેરામાં લગભગ ₹3068 કરોડના રોકાણ સાથે ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) આધારિત મિનિ/માઇક્રો-LED ડિસ્પ્લે ફેબ્રિકેશન ફેસિલિટી સ્થાપિત કરશે. અત્યાર સુધી ભારતમાં આવી અદ્યતન ડિસ્પ્લે ટેકનોલોજીનું ઉત્પાદન થતું નહોતું અને દેશને તેની માટે મુખ્યત્વે આયાત પર નિર્ભર રહેવું પડતું હતું. ખાસ કરીને ચીન, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશો આ ક્ષેત્રમાં આગળ રહ્યા છે. હવે ભારત પ્રથમ વખત સ્થાનિક સ્તરે આવી ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 

શું છે મિનિ-માઇક્રો LED ટેકનોલોજી?

આજે સ્માર્ટફોન, સ્માર્ટવોચ, પ્રીમિયમ ટેલિવિઝન, EV અને AR/VR ડિવાઇસની દુનિયામાં ડિસ્પ્લે ટેકનોલોજી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. સ્ક્રીન જેટલી વધુ તેજસ્વી, ઊર્જા-ક્ષમ અને પાતળી હશે, તેટલો જ યુઝર એક્સપિરિયન્સ વધુ ઉત્તમ માનવામાં આવે છે. મિનિ અને માઇક્રો LED ટેકનોલોજીને ડિસ્પ્લે ટેકનોલોજીની આગામી પેઢી તરીકે જોવામાં આવે છે.

- Advertisement -

હાલમાં દુનિયાભરના મોટાભાગના ડિવાઇસમાં LCD અથવા OLED સ્ક્રીન વપરાય છે, પરંતુ મિનિ/માઇક્રો એલઇડી ડિસ્પ્લે તેમની સરખામણીએ વધુ બ્રાઇટનેસ (તેજસ્વિતા), વધુ કોન્ટ્રાસ્ટ (રંગો વચ્ચેનો તફાવત), ઓછી પાવર કન્ઝમ્પશન અને લાંબી લાઇફ-સાયકલ (આયુષ્ય) આપે છે. ખાસ કરીને માઇક્રો-એલઇડી ટેક્નોલોજી ફ્યુચર ડિવાઇસિસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે ફોલ્ડેબલ ડિસ્પ્લે, ઓટોમોટિવ ડેશબોર્ડ, ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસિસ અને અલ્ટ્રા-પ્રીમિયમ ટેલિવિઝન માટે આદર્શ ગણાય છે.

સરળ ભાષામાં સમજીએ તો આજ સુધી ભારત મોટાભાગે આવી સ્ક્રીન ખરીદનારો દેશ હતો. હવે ધોલેરામાં ઉભી થનારી આ ફેસીલીટી ભારતને ‘ગ્રાહક’માંથી ‘ઉત્પાદક’ તરફ લઈ જતી મોટી કડી બની શકે છે.

ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) એટલે શું અને તેનું મહત્વ કેમ વધી રહ્યું છે?

આ સમગ્ર પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) ટેક્નોલોજી છે. સામાન્ય રીતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં સિલિકોન આધારિત ટેક્નોલોજી વપરાય છે, પરંતુ GaNને આગામી પેઢીના હાઇ-પરફોર્મન્સ સેમિકન્ડક્ટર મટિરિયલ તરીકે જોવામાં આવે છે.

GaN વધુ ઝડપથી પાવર ટ્રાન્સફર કરી શકે છે, ઓછી ગરમી ઉત્પન્ન કરે છે અને વધુ એનર્જી-એફિશિયન્ટ (ઊર્જા-ક્ષમ) હોય છે. તેથી તેનો ઉપયોગ માત્ર ડિસ્પ્લેમાં જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ્ડ કમ્યુનિકેશન સિસ્ટમ્સમાં પણ વધતો જઈ રહ્યો છે. એટલે ધોલેરાનો આ પ્રોજેક્ટ માત્ર સ્ક્રીન મેન્યુફેક્ચરિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ભારતને કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં પ્રવેશ અપાવતું પગલું પણ માનવામાં આવી રહ્યું છે.

PIB અનુસાર આ ફેસિલિટી મિનિ/માઇક્રો-એલઇડી ડિસ્પ્લે મોડ્યુલ્સ ઉપરાંત GaN ફાઉન્ડ્રી સર્વિસિસ (ઉત્પાદન સેવા) પણ આપશે અને 6-ઇંચ વેફર્સ પર એપિટેક્સી જેવી અદ્યતન પ્રક્રિયાઓ પણ અહીં હાથ ધરાશે.

ચીન-તાઇવાન પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં મોટું પગલું

છેલ્લાં કેટલાક વર્ષોમાં દુનિયાએ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનું મહત્વ નજીકથી જોયું છે. કોરોના મહામારી, અમેરિકા-ચીન વેપાર યુદ્ધ અને તાઇવાનને લઈને વધતાં જિયોપોલિટિકલ ટેન્શન પછી વિશ્વના અનેક દેશોએ સમજ્યું કે ચિપ્સ અને એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ માટે કેટલાક દેશો પર અતિશય નિર્ભરતા જોખમી બની શકે છે.

ભારત માટે પણ આ મોટો પ્રશ્ન હતો. કારણ કે સ્માર્ટફોન્સથી લઈને ઓટોમોબાઇલ્સ અને ડિફેન્સ સિસ્ટમ્સ સુધી લગભગ દરેક ક્ષેત્રમાં સેમિકન્ડક્ટર અને એડવાન્સ્ડ ડિસ્પ્લે કમ્પોનન્ટ્સની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી ઉભી કરવી માત્ર આર્થિક બાબત નથી, પરંતુ તે વ્યૂહાત્મક જરૂરિયાત પણ છે.

ધોલેરામાં ઊભું થનારું મિનિ/માઇક્રો એલઇડી ફેબ યુનિટ એ જ વિશાળ વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે ભારત હવે માત્ર ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલ કરતો દેશ રહેવા માંગતો નથી, પરંતુ ફ્યુચર ટેક્નોલોજીના મૂળભૂત કમ્પોનન્ટ્સ પણ દેશમાં જ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

સામાન્ય માણસના જીવન સાથે તેનો શું સંબંધ?

સેમિકન્ડક્ટર અથવા ડિસ્પ્લે ફેબ્રિકેશન (ડિસ્પ્લે ઉત્પાદન) જેવા શબ્દો સામાન્ય વાચકને ઘણીવાર અત્યંત ટેક્નિકલ લાગે છે, પરંતુ હકીકતમાં આ ટેક્નોલોજીનો સીધો સંબંધ રોજિંદા જીવન સાથે છે. આવનારા સમયમાં સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, વેરેબલ ડિવાઇસિસ અને AR/VR પ્રોડક્ટ્સમાં જે એડવાન્સ્ડ ડિસ્પ્લે જોવા મળશે, તે જ ટેક્નોલોજી હવે ભારતમાં બનાવવાની તૈયારી ચાલી રહી છે.

સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ધોલેરાની આ ફેસિલિટી દર વર્ષે 72,000 સ્ક્વેર મીટર જેટલી મિનિ/માઇક્રો એલઇડી ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ્સ ઓફ RGB વેફર્સનું ઉત્પાદન કરી શકશે. એટલે આ માત્ર એક ફેક્ટરી નહીં, પરંતુ એવી ઇન્ડસ્ટ્રિયલ ક્ષમતા છે જે આગામી દાયકાની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇકોનોમીમાં ભારતને વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે. સાથે જ હજારો હાઇ-ટેક નોકરીઓનું સર્જન થશે અને સ્થાનિક યુવાનોને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી તકો મળશે.

‘આત્મનિર્ભર ભારત’ને વેગ

છેલ્લાં કેટલાક વર્ષોમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવા શબ્દો વારંવાર સાંભળવા મળ્યા છે, પરંતુ ધોલેરાનો આ પ્રોજેક્ટ દર્શાવે છે કે આ વિઝન હવે જમીન પર પણ દેખાઈ રહ્યું છે. કારણ કે આત્મનિર્ભરતા માત્ર ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સને એસેમ્બલ કરવાથી નથી આવતી, તે ત્યારે આવે છે જ્યારે કોઈ દેશ કોર ટેક્નોલોજીમાં પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઉભી કરે.

ધોલેરાનું મિનિ/માઇક્રો એલઇડી ફેબ યુનિટ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટ ભારતને ફ્યુચર ડિસ્પ્લે ટેક્નોલોજી, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ અને એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં નવી ઓળખ આપી શકે છે.

એક સમય હતો જ્યારે આવી અદ્યતન ટેક્નોલોજી માત્ર અમેરિકા, તાઇવાન, દક્ષિણ કોરિયા અથવા ચીન જેવા દેશો સુધી મર્યાદિત માનવામાં આવતી હતી. હવે ભારત પણ એ જ સ્પર્ધામાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ધોલેરામાં ઊભી થનારી આ ફેસિલિટી કદાચ એ બદલાવનું સૌથી સ્પષ્ટ પ્રતિક બની શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં