ઘરમાં 55 ગેસ સિલિન્ડર રાખીને બેઠો હતો સપા નેતા અબ્દુલ રેહાન, પોલીસ દરોડા બાદ ફરાર: ₹2000માં કાળાબજારી ચાલી રહી હોવાનો આરોપ

ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે કાળાબજારી કરનારાઓ પર પોલીસે શિકંજો કસવાનું શરૂ કરી દીધું છે. હાપુડના ગામ અસૌડામાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાનના ઘરે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રેહાનના ઘરમાંથી 55 ભરેલા અને અનેક ખાલી ગેસ સિલિન્ડરો મળી આવ્યા હત. દરોડાની જાણ થતાં જ આરોપી નેતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

સ્થાનિક નિવાસીઓનો આરોપ છે કે અબ્દુલ રેહાન મજબૂરીનો લાભ ઉઠાવીને જરૂરિયાતમંદોને એક સિલિન્ડર ₹2000 સુધીમાં વેચી રહ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે પંચાયતી ઘરની નજીક રહેતા રેહાને પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે સિલિન્ડરોનો મોટો સ્ટોક જમા કરી રાખ્યો છે. માહિતી મળતાં જ ટીમે રેડ પાડી અને તમામ સિલિન્ડરો જપ્ત કરી લીધા છે.

પ્રદેશમાં સિલિન્ડરોની અછત વચ્ચે આવી કાળાબજારીને યોગી સરકારને બદનામ કરવાનાં કાવતરાં તરીકે પણ જોવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ગેરકાયદે ભંડારણ વિરુદ્ધ આ અભિયાન ચાલુ રહેશે. સાથે જ જનતાને અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય આવી કાળાબજારી દેખાય તો તરત જ પોલીસને જાણ કરે.