NCERT પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ સામે CJIએ વાંધો ઉઠાવ્યો, કહ્યું– સ્વતઃ સંજ્ઞાન લઈશું, કપિલ સિબ્બલે રજૂ કર્યો હતો મુદ્દો

તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે શાળાઓ માટે અભ્યાસક્રમ નક્કી કરતા NCERTએ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘કરપ્શન ઇન જ્યુડિશરી’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) પર પ્રકરણ ઉમેર્યું છે. આ મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે અને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું છે કે કોર્ટ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેશે. તેમનું કહેવું છે કે ન્યાયતંત્રની છબી ખરડવા દેવામાં આવશે નહીં.

ધોરણ 8ના NCERT પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રની કાર્યશૈલી સમજાવતા પ્રકરણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે. આ સામગ્રીમાં એવું સૂચિત કરવામાં આવ્યું હતું કે અદાલતોમાં કેસના નિકાલમાં વિલંબ અને અમુક સ્તરે ભ્રષ્ટાચાર સામાન્ય માણસના ન્યાય મેળવવાના અધિકારને અસર કરે છે.

25 ફેબ્રુઆરી 2026ના રોજ (બુધવારે) વકીલો કપિલ સિબ્બલ અને ડૉ. અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દો CJI સમક્ષ ઉઠાવ્યો. સિબ્બલ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે. અભિષેક મનુ સિંઘવી હજુ પણ કોંગ્રેસમાં સક્રિય છે. બંનેએ કોર્ટને જણાવ્યું કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ છે તેવું શીખવવું ખૂબ જ ચિંતાજનક છે. સિબ્બલે કહ્યું કે, “અમે ખૂબ જ વ્યથિત છીએ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ છે તેવું શીખવવામાં આવે છે.”

CJI સૂર્યકાંતે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “નાના બાળકોના મનમાં ન્યાયતંત્ર પ્રત્યે અવિશ્વાસ પેદા કરવો એ એક ગણતરીપૂર્વકનું પગલું છે. આ સંસ્થા (ન્યાયતંત્ર) પર સીધો હુમલો છે.” તેમણે જણાવ્યું કે ન્યાયતંત્ર લોકશાહીનો સ્તંભ છે. જો પાઠ્યપુસ્તકોમાં જ આવી નકારાત્મક વાતો ભણાવવામાં આવશે તો ભવિષ્યની પેઢીને લોકશાહીની સંસ્થાઓમાં વિશ્વાસ નહીં રહે. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે NCERT એ કયા ડેટા અથવા પુરાવાના આધારે આટલું મોટું વિધાન પાઠ્યપુસ્તકમાં સામેલ કર્યું છે?

CJIએ સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ આ સંસ્થાની પ્રતિષ્ઠા પર કોઈ પણ પ્રશ્ન ઉઠાવવા દેશે નહીં અને તેની અખંડિતતા પર કોઈ આક્ષેપ સહન કરશે નહીં. તેમણે સ્વતઃ સંજ્ઞાન લેવામાં આવશે તેવા પણ સંકેતો આપ્યા છે.