કલ્પસર યોજનાનું કામ ક્યાં સુધી પહોંચ્યું? સરકારે વિધાનસભામાં જણાવ્યું: પ્રોજેક્ટ શરૂ કર્યાનાં આઠ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં કલ્પસર યોજનાની વર્તમાન સ્થિતિ અને તેના અમલીકરણ અંગેની મહત્વની વિગતો સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજના ગુજરાતના જળ-સંકટને ઉકેલવા માટેનું એક દૂરંદેશી પગલું માનવામાં આવે છે.

તા. 31/12/2025ની સ્થિતિએ કલ્પસર યોજના અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કલ્પસર યોજના હાલમાં ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) આખરી કરવાના તબક્કે છે. છેલ્લાં બે વર્ષમાં સરકારે આ યોજના માટે ₹4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી, જેમાંથી ₹2 કરોડ વર્ષ 2024-25 માટે ફાળવવામાં આવ્યા હતા અને બાકીના ₹2 કરોડ વર્ષ 2025-26 માટે ફાળવવામાં આવ્યા હતા.

સરકારે 31 ડિસેમ્બર 2025 સુધીની આપેલી માહિતી અનુસાર આ ₹4 કરોડમાંથી હાલ ₹2.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે DPR તૈયાર થઈ ગયા બાદ કેન્દ્ર અને રાજ્યની મંજૂરી માટે મોકલવામાં આવશે, જે મળી ગયા બાદ કામ શરૂ થયેથી 8 વર્ષના સમયગાળામાં યોજના પૂર્ણ કરવાનું આયોજન છે.

શું છે કલ્પસર યોજના

ગુજરાત સરકારની ‘કલ્પસર યોજના’ (Khambhat Gulf Development Project) એ માત્ર રાજ્યની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી બહુલક્ષી જળ સંસાધન યોજનાઓ પૈકીની એક માનવામાં આવે છે. આ યોજના દ્વારા ખંભાતના અખાતમાં મીઠા પાણીનું વિશાળ સરોવર ઊભું કરી ગુજરાતના જળ-સંકટને કાયમી ઉકેલ આપવાનું લક્ષ્ય છે. દાયકાઓ પહેલાં આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ મૂકવામાં આવ્યો હતો, ત્યારથી તેમાં ઘણાં ડેવલપમેન્ટ થયાં છે, પણ જમીન પર હજુ પ્રોજેક્ટ શરૂ થયો નથી.

કલ્પસર શબ્દ ‘કલ્પવૃક્ષ’ અને ‘સરોવર’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરનાર સરોવર’. આ યોજના અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગરના ઘોઘા અને ભરૂચના હાંસોટ વચ્ચે અંદાજે 64 કિમી લાંબો આડબંધ (Dam) બાંધીને સમુદ્રના ખારા પાણીને રોકવાનું આયોજન છે. નર્મદા, મહી, સાબરમતી અને ઢાઢર જેવી નદીઓના પાણીને આ સરોવરમાં સંગ્રહિત કરી તેને મીઠા પાણીના જળાશયમાં રૂપાંતરિત કરવામાં આવશે.

આ યોજના દ્વારા અંદાજે 10.54 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને ગુજરાતના 3 કરોડથી વધુ લોકોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષી શકાશે. સમુદ્રની ભરતી-ઓટની ઊર્જામાંથી (Tidal Power) અંદાજે 5,880 MW વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા આ પ્રોજેક્ટ ધરાવે છે.

આ આડબંધ પર રેલવે અને રોડ માર્ગ બનાવવામાં આવશે, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર અંદાજે 225 કિમી જેટલું ઘટાડશે. વધુમાં વંચિત વિસ્તારોમાં ઉદ્યોગો માટે વાર્ષિક 500 મિલિયન ક્યૂબિક મીટર પાણી ફાળવવામાં આવશે અને મીઠા પાણીના સરોવરમાં માછલીઓના ઉછેર દ્વારા મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી થશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ અગાઉ ₹54,000 કરોડ હતો, જે હવે વધીને ₹90,000 કરોડ સુધી પહોંચ્યો છે. આ યોજના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા વિવિધ 43 જેટલા તકનીકી અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી 25થી વધુ અભ્યાસો પૂર્ણ થઈ ચૂક્યા છે.

કલ્પસર યોજના ગુજરાત માટે ‘બીજી નર્મદા યોજના’ સમાન સાબિત થઈ શકે છે. જોકે આ એક જટિલ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોવાથી તેમાં પર્યાવરણીય અને તકનીકી પાસાઓનો ગહન અભ્યાસ ચાલી રહ્યો છે. એકવાર પૂર્ણ થયા પછી તે ગુજરાતના કૃષિ, ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રે પાયાનાં પરિવર્તનો લાવશે.